Abtak Media Google News

પ્રથમવાર 18 થી 21 નવેમ્બર વચ્ચે, બીજી વાર રર થી 25મી નવેમ્બર વચ્ચે, જયારે ત્રીજી વખત 26 થી 29 નવેમ્બર વચ્ચે માહિતી પ્રસિઘ્ધ કરવી પડશે

લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે મતદાનની ટકાવારી વધે તે ખુબ જ જરુરી છે. રાજકારણમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની બોલબાલા હોવાના કારણે નાગરીકો મતદાનથી વિમુખ રહે છે. રાજકીય પક્ષો પણ ગુનેગારોને ટિકીટ આપતા આંચકાય તે માટે કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા આકરા પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં જો કોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યકિત ટિકીટ આપવામાં આવે તો રાજકીય પક્ષોના પ્રદેશ અઘ્યક્ષ દ્વારા તેની સત્તાવાર જાહેરાત આપવી પડે છે. જયારે પોતાના પર કો ગુના નોંધાયા હોય તો ચુંટણી લડતા ઉમેદવારોએ અલગ અલગ ત્રણ વખત તેની જાહેરાત અખબાર કે ટીવી ચેનલ મારફત પ્રજા સમક્ષ કરવી પડે છે. પ્રથમ તબકકાના મતદાનમાં જે 89 બેઠકો માટે મતદાન થવાનું છે. તે બેઠકો પર ચુંટણી લડતા ઉમેદવારોએ આજથી ર9મી નવેમ્બર સુધીમાં ત્રણ વખત પોતાનો ગુનાહિત ઇતિહાસ જાહેર કરવો પડશે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે નામાંકન આખરી થઈ ગયા છે. આ સાથે કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, ઉમેદવારોએ પોતાના ગુનાઇત પૂર્વ ઇતિહાસની વિગતોને અખબાર અને ટીવી ચેનલ પર પ્રસિદ્ધ કરવાનો તબક્કો શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોએ પણ પોતાના પક્ષના ઉમેદવારોના ગુના અને કેસો અંગેની વિગતો સી-2 ફોર્મમાં પ્રસિદ્ધ કરવી પડશે.

ચૂંટણીમાં મતદારો ઉમેદવારોને મત આપતા હોય છે અને તેઓને પોતે જેમને ચૂંટવા જઈ રહ્યા છે, તે ઉમેદવારો વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાનો હક્ક છે. ઉમેદવારો પોતાની સામેના ગુના અને કેસોની વિગતો ઉમેદવારી ફોર્મમાં ચૂંટણી અધિકારી સમક્ષ તો રજૂ કરતા જ હોય છે, પણ મતદારો પણ આ વિગતો જાણી શકે તે હેતુથી આ વખતે, ઉમેદવારો માટે પોતાની સામે નોંધાયેલા ગુના અને કેસોની વિગતો અખબાર અને ટીવી ચેનલોના માધ્યમથી ત્રણવાર પ્રસિદ્ધ કરવાનું ફરજિયાત બનાવાયું છે. જે મુજબ, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ પછીથી આ માહિતી પ્રકાશિત કરવાનો તબક્કો શરૂ થાય છે.

રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોના ઉમેદવારોએ પોતાના ગુના અને કેસોની વિગતો તા. 18થી 21 નવેમ્બર વચ્ચેના દિવસો દરમિયાન, નિયત થયેલા સી-1 ફોર્મમાં અખબાર અને ટીવી ચેનલ પર પ્રસિદ્ધ કરવાની રહેશે. એ પછી 22થી 25 નવેમ્બર વચ્ચેના દિવસોમાં અને છેલ્લે 11થી 29 નવેમ્બર વચ્ચેના દિવસોમાં પ્રસિદ્ધ કરવાની રહેશે.

આ જાહેરખબરનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરાશે. જ્યારે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો માટે આપેલી આવી જાહેરખબરનો ખર્ચ પક્ષના ખાતે ઉમેરાશે.

ખાસ નોંધનીય છે કે, રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના ગુના વિશે માહિતી પ્રસિદ્ધ કરી હોય તો પણ, જે-તે પક્ષના ઉમેદવારે પોતે પણ પોતાના ગુનાઇત પૂર્વ ઇતિહાસની વિગતો અખબાર અને ટીવી પર પ્રસિદ્ધ કરવી ફરજીયાત છે. વળી, ગુના અંગેની વિગતો અખબાર અને ટીવી એમ બંને માધ્યમમાં પ્રસિદ્ધ કરવી એવી માર્ગદર્શિકા છે.

ઉમેદવારે પોતે ગુના અંગેની માહિતી પ્રસિદ્ધ કરી છે, તેની વિગતો સી-4 ફોર્મમાં ભરીને ચૂંટણીખર્ચનો હિસાબ ફાઈલ કરતી વખતે રજૂ કરવાની રહેશે. રાજકીય પક્ષે સી-5 ફોર્મમાં આ વિગતો પરિણામ જાહેર થયાના 30 દિવસની અંદર રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાની રહેશે.  જો કોઈ ઉમેદવાર ગુનાઇત પૂર્વ ઇતિહાસની માહિતી પ્રસિદ્ધ કરવા અંગે વિલંબ કે ચૂક કરશે તો ચૂંટણી અધિકારી તરફથી જે તે ઉમેદવારને નોટિસ પણ અપાશે. સી-1, સી-2 સહિતના ફોર્મ જે તે વિધાનસભાના ચૂંટણી અધિકારી પાસેથી મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.