Abtak Media Google News

બન્ને તબક્કામાં મતદાનના આગલા દિવસે અને પછીના દિવસે લગ્નના મુહુર્ત હોવાના કારણે ઓછુ મતદાન થવાની સંભાવના

ગુજરાતમાં હાલ એક તરફ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસારના બ્યૂંગલો વાગી રહ્યા છે તો બીજી તરફ લગ્નના ઢોલ પણ ઢબુકી રહ્યા છે. 1 ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનું છે. જો કે મતદાનના દિવસે લગ્નનું કોઇ મુહુર્ત નથી. તે સૌથી મોટી રાહતની વાત છે. જો કે મતદાનના આગલા દિવસે અને પછીના દિવસે લગ્ન મુહુર્ત હોવાના કારણે મતદાનની ટકાવારી પર અસર પડી શકે તેમ છે.

દેવ ઉઠી અગિયારસ બાદ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં લગ્નગાળો શરૂ થઇ ગયો છે. આજથી સતત પાંચ દિવસ લગ્નના મુહુર્તો હોવાના કારણે લોકો લગ્ન પ્રસંગના કામમાં પરોવાય ગયા હોવાના કારણે ચૂંટણીના પ્રચાર-પ્રસાર પર અસર પડી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે આગામી 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે લગ્નનું કોઇ મુહુર્ત નથી જો કે મતદાનના બે દિવસ પૂર્વે 29મી નવેમ્બરના રોજ અને મતદાન પછીના દિવસે અર્થાત બે ડિસેમ્બરના રોજ લગ્નનું મુહુર્ત છે અને ચિક્કાર લગ્નગાળો હોવાના કારણે મતદાનની ટકાવારી પર અસર થવાની સંભાવના જણાય રહી છે. સગા-વ્હાલા અને સંબંધીઓને ત્યાં બહારગામ લગ્ન હોય લોકો આગલા દિવસે નીકળી જતા હોવાના કારણે તેઓ મતદાન કરી શકતા નથી. આ ઉપરાંત બીજી તબક્કાના પાંચ ડિસેમ્બરના રોજ 93 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. આ દિવસે પણ લગ્નનું મુહુર્ત નથી. જો કે આગલા દિવસે એટલે કે 4 ડિસેમ્બરના રોજ લગ્નનું મુહુર્ત હોવાના કારણે બીજી તબક્કાના મતદાન પર પણ તેની અસર પડી શકે છે.

મતદાનના દિવસે લગ્નના મુહુર્ત ન હોવાના કારણે વહિવટી તંત્ર, ચૂંટણી પંચ, રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોને થોડી રાહત મળી છે. પરંતુ મતદાનના આગલા અને પાછલા દિવસોમાં લગ્નના મુહુર્તો હોવાના કારણે મતદાનની ટકાવારી પર 100 ટકા અસર પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.