Abtak Media Google News

Table of Contents

કંપનીઓએ સિન્ડીકેટ રચી કૃત્રિમ રીતે અસહ્ય ભાવ વધારો ઝીંકતા બિલ્ડર લોબીને યુનિટ કોસ્ટમાં ૧૦ થી ૧પ ટકાનો ભાવ વધારો: કંપનીઓની મેલી મુરાદ સામે બિલ્ડરોની ૧રમીએ પ્રતિક હડતાલ: સરકાર કંપનીઓ ઉપર નિયંત્રણ મુકે તેવી માંગ

સિમેન્ટ અને લોખંડની કંપનીઓની કાર્ટલે એફ્રોડેબલ આવાસ નિતિને અનએફ્રોડેબલ બનાવી દેતા બિલ્ડરોમાં દેકારો મચી ગયો છે આ કંપનીઓએ સિન્ડીકેટ રચીને કૃત્રિમ રીતે અસહ્ય ભાવ વધારો ઝીંકતા બીલ્ડર લોબીને યુનિટ કોસ્ટમાં ૧૦ થી ૧પ ટકાનો ભાવ વધારો થવાની નોબત આવી છે. ત્યારે કંપનીઓ ઉપર સરકાર નિયંત્રણ મુકે તેવી બિલ્ડરો પ્રબળ માંગ ઉઠાવીને ૧રમીએ કંપનીઓની મેલી મુરાદ સામે પ્રતિક હડતાલ ઉપર ઉતરવાના છે. જેની વિસ્તૃત વિગત આપવા રાજકોટ બીલ્ડર્સ એસો.ના ચેરમેન ભરત પટેલ, પ્રમુખ પરેશ ગજેરા, ઉપપ્રમુખ દિલીપ લાડાણી, જોઇન્ટ સેક્રેટરી અમીત રાજા, ટ્રેઝરર અમીત ત્રાંબડીઆ અને બોર્ડ મેમ્બર રાજદીપસિંહ જાડેજાએ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Advertisement

રાજકોટ ચેમ્બર બિલ્ડીંગ એસો.ના હોદેદારોએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ મહાકારીના કારણે સમગ્ર વિશ્ર્વના અર્થતંત્ર ઉપર માઠી અસરો થવા પામી છે. જેને રીવાઇવ કરવા કેન્દ્ર અને રાજય સરકારઓ દ્વારા અનેક પ્રકારની યોજનઓ અમલી બનાવેલ છે. ઘણો લાંબો સમય વ્યતીત થયેલ હોવા છતાં હજુ પણ પરિસ્થિતિમાં સંપૂર્ણપણે સુધારો થયેલ નથી. આવા સંજોગોમાં પરિસ્થિતિમાં નિયંત્રણ આવે અને ધંધા રોજગાર પુન: પૂર્વવત બને તે આવશ્યક છે. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ સુદ્રઢ બને તે માટે કેન્દ્ર સરકારએ ઇન્ફ્રાસ્ટ્રકચરને ઉઘોગનો દરજજો આપેલ છે. હાઉસીંગ ફોર ઓલ અંતર્ગત સરકારએ ૨૦૨૨ સુધીમાં સૌને આવાસની સુવિધા મળી રહે તેવા લક્ષ્યાંકો પણ નિર્ધારેલ છે. ભારત વિકસીત દેશોની હરોળમાં આવતું હોઇ ઇન્ફ્રાસ્ટ્રચર અને આવાસ નિર્માણ કાર્યો માટે મહત્તમ સીમેન્ટ અને સ્ટીલની જરુરીયાત પડી રહેલ છે કેમ કે, દેશમાં તેના કુલ ઉત્પાદન પૈકી આવાસ નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં આશરે ૮૦ ટકા સીમેન્ટ અને સ્ટીલનો વપરાશ થાય છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, ગત માર્ચથી કોવિડ મહામારીના કારણે દેશમાં સંપૂર્ણ લોકડાઉનની પરિસ્થિતિ હોવાથી તમામ પ્રકારના નિર્માણ કાર્યો સ્થગિત હતા જે હજુ પણ સંપૂર્ણ રીતે ચાલુ થઇ શકયા નથી અને એક્ષપોર્ટ પણ બંધ હતું, તેમ છતાં કંપનીઆ પાસે રહેલ સ્ટોકનો ઉપયોગ માટે પ્રવર્તમાન સમયમાં કાર્ટેલ કરી ભાવમાં અસહ્ય વધારો કરેલ છે અને શોર્ટ સપ્લાયની નીતી અખત્યાર કરેલ છે જેના પરિણામે પ્રોજેકટની કોસ્ટમાં અતિશય વધારો થઇ રહેલ છે અને રો મટીરીયલ્સ સમયસર ના મળવાને  લીધે પ્રોજેકટ કમ્પલીશનમાં વિલંબ થઇ રહેલ છે જે દેશના વિકાસહિતની વિરુઘ્ધ છે. સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા અવાર નવાર આ રીતે કાર્ટેલ  સપ્લાયના નામે કૃતિમરીતે ભાવ વધારો કરી સમગ્ર ઇન્ડસ્ટ્રીને બાનમાં લેવાની જે પઘ્ધતિ અખત્યાર કરેલ છે  તે તદ્દન ખોટી છે અને આ બાબતે અગાઉ પણ સીમેન્ટ કંપનીઓને મોટી રકમનો દંડ થયેલ છે. જેથી કંપનીઓની આવી ખોટી નફાખોરીની કામગીરી ઉપર નિયંત્રણ લાવવાની તાતી જરુરીયાત છે અન્યથા વિકાસને ગંભીર અસરો થશે અને આવાસ ખરીદનારને સરવાળે ૧૦ થી ૧પ ટકા મકાનો મોઘા પડશે, તેમાં કોઇ બે મત નથી. આ પ્રકારે કંપનીઓ દ્વારા અખત્યાર કરવામાં આવતી કાર્ય શૈલી કોઇપણ રીતે ઉચિત નથી. બાંધકામ ઉઘોગમાં વપરાતી સીમેન્ટમાં થયેલ ભાવ વધારાની અસર ફકત બાંધકામ વ્યવસાયકારો ઉપર નથી પડતી પરંતુ સરકારના પ્રોજેકટો ઉપર પણ ગંભીર અસર થાય છે તેથી સરકારને પણ તેના પ્રમાણમાં આવા કૃત્રિમ ભાવ વધારાની અસર થાય છે.

તેઓએ ઉમેર્યુૃ કે શેર બજાર માટે સેબી, ટેલીકોમ માટે ટ્રાય, વીમા કંપનીઓ માટે આઇઆરડીએઆઇ, રીયલ એસ્ટેટ માટે રેરા ઓથોરીટીની રચના કરવામાં આવી છે તેવી જ રીતે સીમેન્ટ ઉઘોગને નિયંત્રિત કરવા માટે સીમેન્ટ માટે રેગ્યુલેટરીની રચના કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.

વધુમાં સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા અકારણે જે કૃત્રિમ ભાવ વધારો કરવામાં આવેલ છે તે તાત્કાલીક અસરથી પાછો ખેંચે અને ઉભી કરેલ શોર્ટ સપ્લાય તાકીદે દુર કરવામાં આવે તે માટે અમો સીમેન્ટ અને સ્ટીલ કંપનીઓની કોર્યશૈલીના વિરોધમાં તા. ૧ર ના રોજ એક દિવસની પ્રતિક હડતાલ કરીને છીએ તેમ છતાં નજો ઓ કંપનીઓ દ્વારા સમગતિવિધિઓ ચાલુ રહેશે તો આગામી સમયમાં તેમની વિરુઘ્ધમાં જલદ કાર્યક્રમો યોજવા વિચારવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બિલ્ડરોએ એવી પણ ચિમકી ઉચ્ચારી છે કે તેઓ દ્વારા એક અઠવાડીયા સુધી સાઇટ ચાલુ રખાશે પરંતુ કંપનીઓ સામે વિરોધ દર્શાવવા તેની પ્રોડક્ટ લેવાશે નહીં. હાલ બિલ્ડરોમાં કંપનીઓની મેલી મુરાદના પગલે ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. સરકાર સમક્ષ બિલ્ડરો હસ્તક્ષેપની માંગણી ઉઠાવી રહ્યા છે. કંપનીઓ બેફામ ભાવ વધારે છે તેને અટકાવવા સરકાર આગળ આવે તેવી બિલ્ડરોએ માંગ ઉઠાવી છે.

રાજકોટની ક્નસ્ટ્રકશન કવોલીટી સમગ્ર દેશમાં મોખરે

રાજકોટની ક્નસ્ટ્રકશન કવોલીટી સમગ્ર દેશમાં મોખરે રહી છે. અહીંનાં બિલ્ડરોની આગવી સુઝબુઝના પ્રતાપે અહીના રિયલ એસ્ટેટને ખૂબ વેગ મળ્યો છે. પોતાના જોરે આગવી નામના હાંસલ કરનાર બિલ્ડરો સરકાર સમક્ષ હાલ એક જ માંગ ઉઠાવી રહ્યા છે જે મોકો માનીને લૂંટ ચલાવતી સીમેન્ટ અને સ્ટીલની કંપનીઓનાં ભાવ ઉપર નિયંત્રણ લાવવામાં આવે.

કેન્દ્રીય મંત્રી ગડકરીએ પણ સિમેન્ટની કંપનીઓને કહ્યું ‘સુધરી જાવ તો સારૂ’…

ક્રેડાઈ ઈન્ડીયાના એક કાર્યક્રમમાં કેન્દ્રનાં માર્ગ અને પરિવહન વિભાગનાં મંત્રી નીતીન ગડકરી ઉપસ્થિત રહ્યા હતા તેઆએ સમગ્ર વિગતો જાણ્યાબાદ સીમેન્ટ કંપનીઓને કહ્યું હતુકે નહવે સુધરી જાવ તો સારૂ છે.

પાંચ મહિનામાં સ્ટીલમાં ૫૦ ટકા અને ૩ મહિનામાં સિમેન્ટમાં ૨૦ ટકાનો ભાવ વધારો!!

માત્ર પાંચ મહિનાના ટુંકા ગાળામાં સ્ટીલ અને સીમેન્ટમાં અસહ્ય ભાવ વધારો ઝીંકાયો છે. જરૂરીયાતને ધ્યાને લઈને કંપનીઓએ પાંચ મહિનામાં સ્ટીલના ભાવમાં ૫૦ ટકાનો ભાવ વધારો અને સીમેન્ટના ભાવમાં ૨૦ ટકાનો ભાવ વધારો ઝીંકી દીધો છે. જેની સામે બીલ્ડરોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

લોકડાઉન બાદ રિયલ એસ્ટેટ ધમધમતા કંપનીઓનાં મનમાં લાલચ જાગી

લોકડાઉનમાં ઠપ્પ પડેલું રિયલ એસ્ટેટ લોકડાઉન બાદ પુરજોશમાં ધમધમતુ થયું છે. સિમેન્ટ અને સ્ટીલની પુષ્કળ જરૂરીયાત હોય કંપનીઓનાં મનમાં ગરજનાં ભાવ તોળવાની લાલચ જાગી હતી. જેથી કંપનીઓએ સીન્ડીકેટ રચીને અસહ્ય ભાવ વધારો ઝીંકી બિલ્ડરો અને સામાન્ય માણસોના ખીસ્સા ખંખેરવાનું શરૂ કર્યું છે.

રિયલ એસ્ટેટને ઈન્ડસ્ટ્રીઝનો દરજજો આપો: પરેશ ગજેરા

રાજકોટ બિલ્ડર એસો.નાં પ્રેસીડેન્ટ પરેશ ગજેરાએ જણાવ્યું કે ૩૦૦ જેટલી ઈન્ડસ્ટ્રીઝ રિયલ એસ્ટેટ ઉપર નભે છે. સૌથી વધુ રોજગારીનું સર્જન પણ કરે છે. ત્યારે વર્ષો જૂની માંગ છે કે રિયલ એસ્ટેટને ઈન્ડસ્ટ્રીઝનો દરજજો આપવામાં આવે. આ માંગ હજૂ પૂર્ણ થઈ નથી રીયલ એસ્ટેટને ઈન્ડસ્ટ્રીઝમાં ગણવામાં ન આવતી હોવાથી તેને કોઈ લાભ પણ મળતો નથી. ઉપરાંત બિલ્ડરોને લોન આપવા માટે કોઈ આગળ પણ આવતું નથી.

તો… ક્રેડાઈ ગુજરાત જ સિમેન્ટ  સ્ટીલની કંપની ખડકી દેશે!!

રાજકોટ બિલ્ડર્સ એસો.નાં પ્રમુખ પરેશ ગજેરાએ આકરા પાણીએ જણાવ્યું કે સિમેન્ટ અને સ્ટીલની કંપનીઓ તેના સિવાય કોઈ વિકલ્પ ન હોવાનું માનીને મનમાની કરી રહી છે. માટે તેઓને ચેતવણી આપતા કહ્યું કે જો કંપનીઓ સુધરશે નહીં તો ક્રેડાઈ ગુજરાત સિમેન્ટ અને સ્ટીલની કંપની બનાવશે, બાદમાં મનમાની કરતી કંપનીઓની અકકલ ઠેકાણે આવશે.

બિલ્ડરો ઉપર એન્ટી પ્રોફીટરી એકટ લાગુ કંપનીઓ ઉપર કેમ કોઈ એકટ લાગુ નહી?

બિલ્ડરોએ રોષ ઠાલવતા જણાવ્યું કે બિલ્ડરો ઉપર એન્ટી પ્રોફીટરી એકટ લાગુ કરવામાં આવ્યો છે.જેથી તેઓ વધુ નફો લઈ શકતા નથી. આ એકટ સામે બિલ્ડરોનો કોઈ વિરોધ નથી પણ આવો એકટ માત્ર બિલ્ડરો ઉપર જ કેમ થોપવામાં આવ્યો છે. કૃત્રીમ રીતે અસહ્ય ભાવ વધારો ઝીંકી મસમોટા નફા કરતી કંપનીઓ ઉપર આ પ્રકારનો એકટ કેમ લાગુ કરવામાં આવતો નથી તેઓ અણીયારો સવાલ બિલ્ડરોએ ઉઠાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.