Abtak Media Google News

આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે પગલાં ભરવાનું શરુ:ક્લોરિનની ગોળીઓનું વિતરણ

મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં રૂપિયા૪.૧૮લાખના  કેશડોલ્સના ચુકવણા  કરી દેવાયા છે અને અતિવૃષ્ટિને કારણે રોગચાળો ન ફેલાય તે માટેઆરોગ્ય વિભાગ દ્વારા પગલાં લઇ ઘેર ઘેર ક્લોરિન ટિકડીનું વિતરણ શરુ કરાયું છે.

વરસાદના થોડા વિરામ બાદ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે ની વિગતો આપતા જિલ્લા કલેક્ટર આઇ. કે.પટેલે જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિગ્રસ્ત લોકોને તત્કાલ સહાય આપવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં ૧૨૬૯ લોકોને રૂ.૪.૧૮ લાખની કેશડોલ્સ સહાય અપાઈ છે. ઉપરાંત જિલ્લામાં થયેલા રસ્તા ખરાબ તથા ખેતરોના ધોવાણ અને રોગચાળો ન ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે જુદા-જુદા વિભાગ દ્વારા પગલાં ભરાઈ રહ્યા છે.

જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે આપેલી વિગતો મુજબ માળીયા(મી)માં ૧૭૭ જેટલા પરીવારોના ૩૧૮ અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરાયું હતું. જેમને ઘરવખરી, કપડા તથા કેશડોલ્સ રૂપે રૂ.૨.૩૫ લાખની સહાય અપાઈ હતી. મોરબીના ૪૯ લોકોનું સ્થાળાંતર કરાયું હતું. જેમને રૂ.૨૬ હજારની સહાય આપવામાં આવી છે. વાંકાનેરના જાલસીકા અને ભાલગામમાં પાંચ ભેંસોના મોતના કેસમાં રૂ.૧.૩૬ લાખની સહાય અપાઈ છે. માળીયા(મી)ના હરીપર, ભીંસર, વાઢવિસ્તારમાં પાણીમાં ફસાયેલા ૧૭૧ લોકોને રેશ્ક્યુ કરીને બચાવાયા હતા. કલેકટરે વાઢ વિસ્તારમાં ગોઠણડૂબ પાણીમાં ઉતરીને રાહત બચાવની કામગીરી કરી હતી. ભારે વરસાદના કારણે અરણીટીંબા, જડેશ્વર રોડ, દિધડીયા ચિત્રોડા રોડ, કડિયાણા પાડા તીર્થ રોડ, હળવદ વેગવાવ, હિરાપરકોપલી સહિતના ૧૫ માર્ગો તૂટી જતાં બંધ થઈ ગયા હતા. જે પૈકીના ૮ રોડ ચાલુ કરાયા છે. આ રસ્તાઓને આશરે રૂ.૨ કરોડની નુકસાની થઈ છે.

જ્યારે આરોગ્ય તંત્ર એ રોગચાળો ન ફેલાય તે માટે ૩૮ ગામોમાં ૨૪૦૮૫ ક્લોરીન ગોળીનું વિતરણ કર્યું હતું. અને ૨૮૬ ફળિયામાં ડીડીટી તથા ૩૪૭ ઘરોમાં સફાઈ કરી હતી. ખેતીવાડી ખાતા દ્વારા ખેતરોને નુકસાની અંગે સર્વની કામગીરી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.