Abtak Media Google News

કોરોના કાચિડાની જેમ કલર બદલી રહ્યો છે. સમયાંતરે કોરોનાના નવા નવા સ્વરૂપ સામે આવી રહ્યા છે. જે અતિ ઘાતકી સાબિત થઈ રહ્યા છે અને આ જ કારણસર ભારતમાં બીજી લહેર આટલી હદે ખતરનાક સાબિત થઈ. હજુ સંભવિત ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યાં ભારતમાં વધુ એક નવો વેરીએન્ટ સામે આવ્યો છે. કોરોના વાયરસના આ જીવલેણ સ્વરૂપ આપણી જ દેન છે. કારણ કે હજુ કોરોના સંપૂર્ણપણે ગયો નથી… હજુ નિયમો થોડા હળવા થયા ત્યાં અમુક બેવકૂફ અને બેખૌફ લોકો બેફામ બનવા લાગ્યા.

નિયમોનો સરેઆમ ઉલાળીયોના ઘણાં કેસ સામે આવી રહ્યા છે. જો ગંભીર બની નિયમોનું પાલન અને સાવચેતી નહીં રાખીએ તો આવનારી ત્રીજી લહેર બીજી લહેર કરતા પણ વધુ જીવલેણ નિવડશે. બીજી લહેરમાં દેશમાં સ્વાસ્થ્ય કટોકટી જેવી સ્થિતિ ઉભી થઈ હતી. ઠેર ઠેર હોસ્પિટલોમાં બેડ ફૂલ, પ્રાણવાયુ માટે પડાપડી તો રેમડેસીવીર ઈન્જેક્શનો માટે રામાયણ… આ બધા દ્રશ્યો કે યાદ હજુ પણ હૃદય કંપાવી દે છે. જો હવે આવી સ્થિતિનો સામનો ન કરવો હોય તો સાવચેતી અનિવાર્ય શરત છે.

જણાવી દઈએ કે  નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (એનઆઈવી)એ કોવિડ -19નો વધુ એક નવો પ્રકાર B.1.1.28.2 શોધી કાઢયો છે. આ એવા લોકોમાં જોવા મળ્યો છે જે યુનાઇટેડ કિંગડમ અને બ્રાઝિલથી ભારત આવ્યા હતા. નવા વેરિએન્ટ ચેપગ્રસ્ત લોકોમાં ગંભીર લક્ષણો પેદા કરી શકે છે તેમ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. એનઆઈવીની પેથોજેનિસિટીની તપાસ કરવામાં આવી જેમાં જણાવાયું છે કે આ પ્રકારના વેરીએન્ટથી અન્ય પણ ગંભીર રોગ થાય છે. જો કે અધ્યયનમાં એ પણ ખુલાસો થયો છે રસી આ વેરીએન્ટ સામે અસરકારક છે.

આ એનઆઈવી અભ્યાસ બાયોરોક્સિવમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જો કે, એનઆઈવી પુનાએ જ પોતાના બીજા અભ્યાસમાં જણાવ્યું છે કે કોવાક્સિન આ વેરિએન્ટ સામે અસરકારક છે. અધ્યયન મુજબ, રસીના બે ડોઝ દ્વારા ઉત્પાદિત એન્ટિબોડીઝ કોરોનાનાં આ નવા પ્રકારને કાબુમાં લેવા માટે  સક્ષમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.