Abtak Media Google News

દર વર્ષે જુન મહિનાના પ્રથમ સપ્તાહમાં કેરળમા અને બીજા કે ત્રીજા સપ્તાહ સુધીમાં મુંબઇમાં મેઘરાજાની એન્ટ્રી થઇ કે નહીં તેની રાહ આપણો સૌરાષ્ટ્રવાસી એના ગામમાં બેઠો જોતો હોય..! આ એક એવું કનેક્શન છે જે સંકેત આપે છે કે હવે આપણે ત્યાં મેઘરાજાની પધરામણી થશે. ગ્લોબલાઇઝેશનના યુગમાં બસ આવુ જ કાંઇક કનેક્શન એશિયન માર્કેટોનું અમેરિકન ફેડરલ તથા આઈએમએફ સાથે જોડાયેલું છે. એટલે જ ફેડરલ બેંકે જેવી વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી કે તુરત જ એશિયાના બજારોમાં ગાબડાં જોવા મળ્યા હતા. 

Advertisement

આશરે ૧૦ વર્ષના ગાળાં બાદ આ વખતે ફેડરલ બેંકે વ્યાજદર ૦.૨૫ બેસીસ પોઇન્ટ હળવા કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડાની જેટલી અસર થઇ છે તેના કરતા વધારે અસર હવે પછી પણ નજીકના ભવિષ્યમાં ગમે ત્યારે ઘટાડો થઇ થઇ શકે છે એવી હવાની થઇ છે. અહીં સવાલ એ છે કે શું આ વ્યાજદરના ઘટાડાની આવશ્યકતા હતી.?  ફેડરલ ઓપન માર્કેટ કમિટીમાં બોર્ડના સાત સભ્યો છે જ્યારે પ્રાદેશિક સ્તરે ૧૨ પ્રેસિડેન્ટ છે. જેમાંથી બે પ્રાદેશિક પ્રેસિડેન્ટે તો ૩૦ તથા ૩૧મી જુલાઇની મિટીંગ પહેલા જ વ્યાજદરમાં ઘટાડાની દરખાસ્તનો વિરોધ નોંધાવ્યો હતો. વર્ષ ૨૦૧૦ ની સરખામણીએ નવી ૨૭૧ લાખ નોકરી ઉભી થઇ છે.  છેલ્લા મહિનામાં ૧૬૪૦૦૦ નવી રોજગારી નીકળી છે. લિક્વીડિટીની ખાસ સમસ્યા નથી પણ ટ્રમ્પ સાહેબ છેલ્લા થોડા સમયથી જાહેરમાં માગણીઓ કરે છે એટલે જ આ ઘટાડો થયો છે. ટ્રેડ વોરની જો કોઇ વિપરિત અસર થવાની શક્યતા હોય તો એવી વોર શું કામની?

આ વિરોધ પાછળ અમેરિકાનું રાજકારણ હોય કે વિચારધારા પણ વ્યાજદરના ઘટાડાના પગલે અમેરિકા ઉપરાંત જાપાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા તથા ભારત સહિતનાં મોટાભાગનાં શેરબજારોના સુચકાંક ઘટ્યા હતા. એસ એન્ડ પી ૫૦૦ ૧.૮ ટકા જેટલો ઘટ્યો હતો. તથા હોંગકોંગનો હેંગ્સેગ ૧.૩ ટકા જેટલો ઘટ્યો હતો. જોકે આ જાહેરાત બાદ ડોલરના ભાવ ઉંચકાયા હતા અને ક્રુડતેલના ભાવ ધટયા હતા. હાલમાં ડબલ્યુટીઆઈ ૫૫ ડોલરની સપાટીએ અને બ્રન્ટ ક્રુડતેલ ૬૦ ડોલરની સપાટીએ ટ્રેડ થઇ રહ્યા છે. સોંનાનાં ભાવ પણ સપ્તાહનાં અંતે ઘટ્યા મથાળે બંધ રહ્યા છે.

વૈશ્વિક કરન્સી પણ રેડ ઝોનમાં ટ્રેડ થઇ છે.  જાપાનનો યેન ડોલરની સામે ઘટીને ડોલર દિઠ ૧૦૮.૮૫ યેન રહ્યો છે. આજરીતે યુઆન ઘટીને ૬.૯ થયો છે. યુરો ૦.૭ ટકા ઘટ્યો છે. બ્રેક્ઝીટની અસર હેઠળ પાઉન્ડ પણ ૦.૧ જેટલો નબળો પડ્યો છે. સામાપક્ષે લાંબાગાળાનાં બોન્ડમાં વળતરમાં વધારા થયા છે. અમેરિકાની ટ્રેઝરીમાં પણ ગોલ્ડ તથા બોંન્ડની ઇલ્ડમાં વધારો થયો છે.

 હવે જ્યારે ડોલર મજબુત થયો છે ત્યારે અમેરિકાથી એશિયન દેશોમાં થતી નિકાસ મોંઘી થશે. તેથી અમેરિકાથી માલ મંગાવનારા એશિયાના વેપારીઓને વધારે રૂપિયા ચુકવવા પડશે. જે આગળ જતા ભારત સહિતનાં એશિયન દેશોની ટ્રેડ ડીફીસીટ વધારી શકે છે. 

બીજીતરફ ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ આઈએમએફ) એ જુલાઇ-૧૯ નાં અંતે રજુ કરેલા વર્લ્ડ ઇકનોમિક આઉટલુકમાં  વૈશ્વિક વૃધ્ધિદર સામે ચિંતા રજૂ કરી છે. ૨૦૧૮માં ૩.૬ ટકાના ર્વૄધ્ધિ દર સામે હવે ઘટાડીને ૩.૨ ટકાનો નવો આંક આપવામાં આવ્યો છે.  વૈશ્વિક વિકાસ દર ઘટવાના સંકેત કારોબાર ઘટવાનો અંદેશો આપે છે. સરકારનું દબાણ હોય કે આર્થિક હાલત પણ ફેડરલની અકળ હિલચાલથી વૈશ્વિક અર્થતંત્રની ગાડી ધીમી પડી રહી છે. હવે રોકાણકારો અમેરિકન જોબ ડેટા, અને ટ્રેડ ડેવલપમેન્ટ પર ચાંપતી નજર રાખીને સાવચેતીપૂર્વક મુડીરોકાણ કરશે. હવે સપ્ટેમ્બર મહિનામાં ચીન- અમેરિકા વચ્ચે ટ્રેડવોર અંગે બેઠક થવાની છે. જો તેમાં નક્કર નિર્ણય આવશે તો જ હાલત સુધરી શકે છે. 

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અમેરિકા,ચીન તથા જાપાનના વ્યાજદરની સરખામણીએ ભારતનો વાસ્તવિક વ્યાજ દર તો ઘણો ઉંચો છે. એટલે જ તો હવે સરકાર પણ વિદેશોમાંથી ઓછા વ્યાજે ફંડ લાવીને દેશમાં માળખાકિય સુવિધાઓ વિકસાવવાની રણનીતિ બનાવે છે. મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ તેનું સૌથી મોટું ઉદાહરણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.