ધો.10 અને 12ની CBSE પરીક્ષાની તારીખોમાં ફેરફાર, હવે આ તારીખે લેવાશે પેપર,નવું શેડ્યુલ જાણવા વાંચો આ અહેવાલ

ધોરણ 10 અને 12ની સીબીએસઈ પરીક્ષાની તારીખોમાં ફેરફાર થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન-સીબીએસઈએ ઓફિશ્યલ વેબસાઈટ પર 10 અને 12ના વર્ગ માટે સુધારેલી નવી ડેટશીટ જારી કરી છે. સીબીએસઈ બોર્ડ-2021ની પરીક્ષા આપનાર ઉમેદવારો બોર્ડની વેબસાઇટ cbse.gov.in પરથી તારીખ ચકાસી શકે છે.

ધોરણ 10ની પરીક્ષા 15 મે ને બદલે હવે 21મી મે થી શરૂ થશે. વિજ્ઞાનની પરીક્ષા 21 મે સુધી મુલતવી રાખવામાં આવી છે. અગાઉ, તે 15 મેના રોજ નક્કી કરવામાં આવી હતી. 21 મેના રોજ યોજાનારી ગણિતની પરીક્ષા હવે 2 જૂનના રોજ લેવામાં આવશે, પરીક્ષા સવારે 10.30 થી બપોરે 1.30 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.

વર્ગ 12 વિજ્ઞાન પ્રવાહ માટે, ભૌતિકશાસ્ત્રની પરીક્ષા જે 13 મે ના રોજ યોજાવાની હતી તે 8 મી જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે. ગણિત અને એપ્લાઇડ ગણિતની પરીક્ષા 31 મેના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીઓ વર્ગ 12ની પરીક્ષાના સુધારેલા સમયપત્રકને બોર્ડની વેબસાઇટ cbse.gov.in પર તપાસી શકે છે.

વર્ગ 12 કોમર્સ પ્રવાહ માટે, ગણિત અને એપ્લાઇડ ગણિતના પેપર્સ માટેની પરીક્ષાની તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે. આ પરીક્ષા 31 મે ના રોજ લેવામાં આવશે. બોર્ડે આર્ટસ સ્ટ્રીમ માટેની પરીક્ષાની તારીખોમાં પણ ફેરફાર કર્યા છે. ભૂગોળ પેપર માટેની પરીક્ષા – જે અગાઉ 2 જૂનનું શેડ્યૂલ હતું – હવે 3 જૂને યોજાશે.