Abtak Media Google News

ગેસની સુવિધા મળતા મોરબીનો ઉદ્યોગ ચીનથી પણ આગળ નીકળી ગયો : સૌરભ પટેલ

ઉર્જા મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલની અધ્યક્ષતામાં આજીવિકા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સરકારની વિવિધ મહિલા કલ્યાણની યોજનાઓ અંતર્ગત લોન સહાયના ચેકો તથા નોકરીના વર્ક ઓર્ડરો તેમજ આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રમાણપ્રત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે નગરપાલીકા દ્વારા સહાયથી અપાયેલ રિક્ષાને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવાયું હતું.

આજીવિકા દિવસની ઉજવણીમાં કાર્યક્રમ પ્રસંગે ઉર્જા મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતુ કે દેશમાં દિવસે દિવસે વસતી વધી રહી છે. ચીન પછી વસતિ વધારામાં આપણુ ભારત છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ વધતિ વસતિને શકિત તરીકે જોવે છે. કારણ કે ભારતના વસતિ વધારામાં વધુમાં વધુ યુવા શકિત છે. જે દેશને સર્વોચ્ચ વિકાસ સ્થાને લઇ જવાની તાકાત ધરાવે છે.

અને સરકારે આ યુવા શકિતને વિવિધ શૈક્ષણિક, ટેકનિકલ સ્કીલ અને હુન્નર કૌશલ્યમાં નિપૂણ બનાવવાના અનેક કાર્યક્રમ થકી હાથ મજબુત કરવાનું કાર્ય આરંભ્યું છે તેમ જણાવ્યું હતુ વડાપ્રધાને ઉધોગકારોને વૈશ્વીક સ્તરે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકે તે માટેની સવલતો પુરી પાડી છે. જેમાં મોરબી સીરામીક ઉધોગકારોને ગેસની સુવિધા પ્રાપ્ત થતા આજે મોરબીનો આ ઉધોગ ચીન થી પણ આગળ નિકળી ગયેલ છે. આમ સરકારની સહાય અને ઉધોગકારોની કુનેહથી આજે મોરબીએ વિશ્વકક્ષાએ પોતાના ઉત્પાદનને પહોચતુ કર્યુ છે.

મંત્રી પટેલે વડાપ્રધાનની મુદ્રાબેક યોજનાની વિસ્તૃત જાણકારી આપી જણાવ્યું કે આ યોજના હેઠળ રૂા ૫૦ હજાર થી ૧૦ લાખ સુધીની લોન સહાય નજીવા વ્યાજે દરે ઉધોગ ધંધા માટે આપવામાં આવેલ છે. જેમાં રૂા ૫૦ હજાર સુધી શીશુ યોજના રૂા ૫૦ હજાર થી રૂ ૫ લાખ સુધી તરૂણ યોજના અને રૂા ૫ લાખ થી રૂા ૧૦ લાખ સુધીની કિશોર યોજના મુજબ કેટેગરી નકકી કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીને સરળ રીતે લોન આપવામાં આવે છે.

મંત્રીએ સરકાર દ્વારા મોરબી જિલ્લામાં મિશન મંગલમ સહાય યોજનામાં રૂા ૧૪ લાખ ફકત ૫ ટકાના ધોરણે આપવામાં આવ્યા હોવાનું પણ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આજીવિકા દિવસની ઉજવણી સરકારની જે અનેકવિધ વિકાસલક્ષી અને સ્વરોજગારીની યોજનાઓ છે તેની છેવાડાના લોકોને જાણકારી પ્રાપ્ત થાય અને લોકો યોજનાઓના લાભો લેતા થાય તે માટેનો ઉદ્દેશ છે આ યોજનાઓના લાભો મેળવવા લોકોએજ જાગૃત બનવું પડશે તેમ તેમણે જણાવ્યું હતું.

સરકારના ગત તા.૧૪/૦૧/૨૦૧૮ થી તા.૦૫/૦૫/૨૦૧૮ સુધી સૌનો સાથ – સૌનું ગામ-સૌનો વિકાસના સંકલ્પ સાથે સરકાર દવારા પંડિત દિન દયાળ અંત્યોદય રાષ્ટ્રિય ગ્રામિણ આજીવિકા મીશન ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લી. અને મીશન મંગલમ યોજના અંતર્ગત સરકારની વિવિધ આજીવિકા લક્ષીયોજનાઓનું છેવાડાના માનવીને માર્ગદર્શન મળી રહે એ હેતુસર ગુજરાતના પંચાયત ગ્રામગૃહ નિમાર્ણ અને ગ્રામ વિકાસ વિભાગ દવારા મોરબી નગરપાલીકા ટાઉનહોલમાં આજીવિકા દિવસ ઉજવણી કાર્યક્રમ આજે યોજાયો હતો. મંત્રી સૌરભભાઇ પટેલે દિપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ સરકારે ગત તા.૧૪મી એપ્રિલથી આજ તાપમે સુધી જે ગ્રામ સ્વરાજ અભિયાન યોજાયુ જે અંતર્ગત આજીવિકા દિવસના આ કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા લોકોને સ્વનિર્ભર કરવાની જે ઝુબેશ ચાલી રહી છે. તેના હેતુની વિસ્તૃત સમજણ આપી લોકોને સરકારી યોજનાઓના વધુને વધુ લાભો લેવા જણાવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મહિલાઓ વધુને વધુ સ્વરોજગારી પ્રાપ્ત કરતી થાય તે માટે વડાપ્રધાને અનેક યોજનાઓ બનાવી છે આ યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત મહિલાઓને આહવાન કર્યુ હતુ.

કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને સ્વરોજગારી વધુને વધુ પ્રાપ્ત કરવાના ભાગરૂપે મોરબી જિલ્લા ગામ વિકાસ એજન્સી અને મોરબીના પારૂલ મહિલા ટ્રસ્ટ ના રંજનબેન ભાયાણી વચ્ચે મુખ્યમંત્રી ગ્રામોધ્ય યોજના અંતર્ગત એન્કર એજન્સી તરીકે એમ.ઓ.યુ. પેપર ઉપર કરાર કરાયા હતા. કાર્યક્રમમાં ગજાનન મિશન મંગલમ જુથ મહેન્દ્રનગર તા-જી મોરબીના પ્રમુખ રેશમાબેને પોતાના પ્રતિભાવમાં અમારા મંડળને સરકાર દ્વારા મળેલ સહાયથી મહિલાઓ સારી રીતે કમાઈ આર્થિક બચત કરતી થઈ છે. તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમમાં મંત્રી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ મહિલા કલ્યાણની યોજનાઓ અંતર્ગત લોન સહાયના ચેકો તથા નોકરીના વર્ક ઓર્ડરો તેમજ આઈ.ટી.આઈ. માં તાલીમાર્થીઓને
પ્રમાણપ્રત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. નગરપાલીકા દ્વારા સહાયથી અપાયેલ રિક્ષાને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવાયું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાએ શાબ્દીક ઉધ્બોધનમાં સરકાર દ્વારા આજીવિકા દિવસની ઉજવણી કરવાનો ઉદ્દેશ સમજાવી સરકારની યોજનાઓની જાણકારી છેવાડાના લોકો સુધી પહોચતો કરવાનો છે તેમ જણાવ્યુ હતુ કાર્યક્રમના સમાપનમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.જે.જાડેજાએ આભાર વિધી કરી હતી.

કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખરાઘવજીભાઈ ગડારા, જિલ્લા ભાજપ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, હિરેનભાઈ પારેખ, નગરપાલીકા મોરબીના પ્રમુખ ગીતાબેન કણઝારીયા,નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી દવે, નગરપાલીકાના ચીફ ઓફીસર ગીરીશભાઈ સરૈયા ,અગ્રણી અનિલભાઈ મહેતા તેમજ મિશન મંગલમ સખી મંડળની બહેનો તથા લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.