કંપનીઓના બદલે ખેડૂતોને સિઘ્ધો નફો મળે તે માટે કેન્દ્ર સરકાર મલ્ટી સ્ટેટ કો. ઓપરેટીવ એકસપોર્ટ હાઉસ બનાવશે: અમિત શાહ

સહકારી ક્ષેત્રની ગણના મોખરે વિભાગમાં થાય તેવા પ્રયાસ કરાશે   અમરેલીમાં ‘સહકાર એ સમૃઘ્ધી’ પરિસંવાદમાં કેન્દ્રીય સહકાર મંત્રીનું નિવેદન

અમરેલી ખાતે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની ગરિમામય ઉપસ્થિતિમાં અને કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા ની ઉપસ્થિતમાં જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અંતર્ગત “સહકાર સે સમૃદ્ધિ” પરીસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

અમિતભાઈ શાહે  જણાવ્યું હતું કે તેઓએ દેશના 591 જિલ્લાઓમાં પ્રવાસ કર્યો છે પરંતુ એક પણ જિલ્લો એવો નથી કે ત્યાં આ પ્રકારે એક સાથે જિલ્લાની સાત મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત સભા યોજાઈ હોય. તેઓએ આ માટે તમામ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ અને સભાસદોને અભિનંદન પાઠવ્યા હતા.

શાહે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડિરેક્ટર્સને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે 1995 થી 2022 સુધીમાં ક્યારેય આ બેંકનો ગ્રાફ નીચે નથી આવ્યો. ડિપોઝિટ જે 19 કરોડ હતી તે વધીને 1880 કરોડ થઈ છે, 1995 માં 32 કરોડનું ધિરાણ આજે 1312 કરોડ, વર્કિંગ કેપિટલ 45 કરોડ હતી તે 2425 કરોડ અને નફો જે 45 લાખ હતો તે આજે 27 કરોડ સુધી પહોંચ્યો છે. 1995 માં ધિરાણનો વ્યાજ દર 18% હતો જે આજે  મોદીના નેતૃત્વમાં શૂન્ય પ્રતિશત વ્યાજ દરે ખેડૂતોને ધિરાણ મળી રહ્યું છે. જ્યારે રાજ્ય અને કેન્દ્રમાં ખેડૂત મિત્ર સરકાર અને સહકાર વિભાગ હોય ત્યારે પરિવર્તન કેવી રીતે શક્ય બને છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. 1350 ખેડૂતોને ગોડાઉન માટે આર્થિક મદદ, 70 હજાર ખેડૂતોને રૂપે ક્રેડિટ કાર્ડ, 2 લાખ લોકોના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વીમા આપવામાં આવ્યા છે.

શાહે સહકારી ક્ષેત્રના ભૂતકાળને યાદ કરતા કહ્યું કે  કોંગ્રેસની સરકારોએ સમગ્ર સહકારી ક્ષેત્રની સંસ્થાઓને નિષ્ફળ બનાવી તાળા મારવાનું કામ કર્યું. વેપારીઓ દ્વારા ખેડૂતોનો ખૂબ શોષણ કરવામાં આવતું હતું પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કાઠીયાવાડ અને સૌરાષ્ટ્રની તમામ ડેરીઓને મૂડી ભંડોળ પૂરું પાડી જીવંત કરી અને આજે તમામ સંસ્થાઓ ધમધોકાર ચાલી રહી છે અને બહેનોના ખાતામાં દર 10 દિવસે પૈસા જમા થઈ રહ્યા છે. 2002માં 2500 લીટર દૂધ પ્રોસેસ થતું હતું કે આજે 1,25,000 લીટર ક્ષમતાએ પહોચ્યું છે. આ બદલાવ જ દર્શાવે છે કે રાજકીય ઈચ્છાશક્તિ હોય તો ધાર્યા પરિણામ લાવી શકાય છે. આજે દર દર 10 દિવસે ખેડૂતોને પાંચથી છ કરોડ અને વર્ષે 204 કરોડ રૂપિયા મળી રહ્યા છે દૂધની સાથે મધમાખી પાલનની તથા અન્ય ઉત્પાદનોના વેચાણથી પણ સભાસદોની સમૃદ્ધિ આગળ વધી રહી છે.

શાહે અમરેલી ખાતે ગીર ગાયના સંવર્ધન – સંરક્ષણ અને સુધાર માટેનું સેન્ટર આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાને હૃદયથી ધન્યવાદ અને અભિનંદન પાઠવ્યા હતા. નવી સહકાર નીતિના માધ્યમથી ટ્રાન્સપોર્ટેશન, ઇન્સયોરન્સ, ટુરિઝમ, હેલ્થ વગેરે ક્ષેત્રમાં પણ નવી મંડળીઓ સ્થાપિત થાય અને તાલીમ સુધારણા માટે સહકારી યુનિવર્સિટી બનાવી સભાસદો સુધી પહોંચાડવા માટ મોદીએ અલગથી 55 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બજેટમાં વૈકલ્પિક કર 18.5% થી ઘટાડી 15% કર્યો અને સરચાર્જ 12% હતો તે ઘટાડી 4 ટકા કર્યો છે. આ ઉપરાંત નવી મંડળીઓ, ડેરીઓ વધારવા માટે આજે સમગ્ર દેશમાં મંડળીઓની સંખ્યા અને મંડળીઓની તંદુરસ્તીની તપાસ ઓનલાઇન થઈ શકે અને તેના સુધારણા માટેનું પણ કામ થાય તે માટે રાષ્ટ્રીય સહકાર ડેટાબેઝ બનાવાઈ રહ્યો છે.સેવા સહકારી મંડળી માત્ર ધિરાણ જ નહિ પણ માર્કેટિંગ, ગોડાઉન, વીજળી કનેક્શન અને ગેસ  વિત્તરણ એજન્સી જેવા વિવિધ આયામ સાથે બહુ ઉદ્દેશી બને તે માટે મોડેલ બાયલોઝ તૈયાર થઈ રહ્યા છે જે લગભગ સપ્ટેમ્બરના અંત સુધીમાં દરેક મંડળીઓ સુધી પહોંચાડવામાં આવશે.

આ પરિવર્તનથી દેશભરની સેવા સહકારી મંડળીઓ નફો કરતી થશે અને જોડાયેલા તમામ લોકો પણ સમૃદ્ધ બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દેશ અને વિશ્વના નાગરિકોના સ્વાથ્યયની અને ખેડૂતોને ઉપજના યોગ્ય ભાવ મળે તેની ચિંતા કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે અનેક પ્રયાસો અને પહેલ કરી રહ્યા છે. આ માટે પ્રાકૃતિક ઉપજના પ્રમાણિકરણ અને માટીની ચકાસણી માટે અમૂલ સહિત સંસ્થાઓ સાથે મળીને દેશભરમાં પ્રયોગશાળા સ્થાપિત કરી રહી છે. વધુ ઉત્પાદન મળે તેવા બીજના સંશોધન માટે પણ મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટીઓ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત આજે મોટી મોટી કંપનીઓ ખૂબ નફો રળી રહી છે ત્યારે આ નફો સીધો ખેડૂતો ને મળે તે ઉદ્દેશ સાથે કેન્દ્રની ભાજપા સરકાર મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ એકસપોર્ટ હાઉસ પણ બનાવવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેડૂતો,પશુપાલકો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોને સમૃદ્ધિ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે

શાહે અંતમાં આગામી પાંચ વર્ષમાં સહકારી ક્ષેત્રની ગણના મોખરાના વિભાગોમાં થાય તેવું સૌ સાથે મળીને સ્થાપિત કરવા અને આ ક્ષેત્રના તમામ લોકોની સમૃદ્ધિને નિશ્ચિત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આર.સી.મકવાણા, સાંસદ નારણભાઈ કાછડીયા, ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ઇફકોના ચેરમેન  દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્ય જે.વી.કાકડીયા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, ભાજપા સહકારિતા સેલના પ્રદેશ સંયોજક બીપીનભાઈ પટેલ, પ્રદેશ, જિલ્લા અને શહેર ભાજપના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના હોદેદારો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, સભાસદો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સંમેલનમાં કેન્દ્રીય પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને ડેરી મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, દેશમાં સહકારથી સમૃદ્ધિનું સૌથી મોટું ઉદાહરણ અમૂલ છે. પ્રતિદિન 150 કરોડ રૂપિયાનું વેચાણ અમૂલના માધ્યમથી થાય છે, જેનો સીધો લાભ ઉપભોક્તાઓને થાય છે. ભારત સરકાર દ્વારા જેવી રીતે ખેડૂતોને કેસીસી આપવામાં આવી રહી છે એવી જ રીતે હવે પશુપાલકો અને માછીમારોને પણ આપવામાં આવે છે, આ ડબલ એન્જિનની સરકારમાં સહકાર અને સરકારથી સૌની સમૃદ્ધિ થઈ રહી છે.

કાર્યક્રમમાં નેશનલ કો-ઓપરેટિવ યુનિયન અને ઈફકો સહિત અનેક સહકારી સંસ્થાઓમાં વિવિધ ઉચ્ચપદે કાર્યરત  દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યુ હતુ કે, જે ડેરીમાં મધઉછેર પ્લાન્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ હતુ. આજે તેમા અમર મધ પ્રોડક્ટ તૈયાર થઈ છે અને તેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ-સહકાર અને સહકારમંત્રી અમિતભાઈ શાહ કરી રહ્યા છે. સહકારી ક્ષેત્રમાં પારદર્શિતાથી અનોખી ભાત પાડવામાં આવી રહી છે. જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા સહકારના સાત સૂત્રો મારફતે જિલ્લામાં રોજગારલક્ષી કાર્યો થયા. સહકારી સંસ્થાઓને ફડચામાંથી પુન:જીવિત કરી સ્વભંડોળની રકમમાં વધારો થયો છે.

અમરેલીમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, અમર ડેરી સહિતના આજની જે સહકારી સંસ્થાઓની આ સભા મળી રહી છે તે અને તેના સિવાય અનેક સંસ્થાઓના માધ્યમથી સહકારી પ્રવૃત્તિઓ કરી રહી છે. દેશમાં પહેલાં જ્યારે ખેડૂતો માટે વ્યાજના દર ઘણા ઉંચા હતા ત્યારે આ વ્યાજના દરો ઘટાડવાનું કામ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીની સરકારમાં શરુ થયુ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં ઝીરો ટકા વ્યાજે આ લોન મળી રહી છે. આજે હું વિવિધ સ્તરે જે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું તે અમરેલીને કેન્દ્રીય ગૃહ-સહકારમંત્રી અમિતભાઈ શાહ દ્વારા મળેલા આશિર્વાદ છે. જિલ્લામાં મધમાખી ઉછેર માટે સહાય આઇસ્ક્રીમ પલન્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે.