Abtak Media Google News

હાપામાં સેન્ટ્રલ વેર હાઉસીંગના ગોડાઉનમાં આગ: હજાર ગુણી મગફળી ખાખ

જામનગર નજીકના હાપામાં આવેલા સેન્ટ્રલ વેર હાઉસીંગના ગોડાઉનમાં ગઈકાલે બપોરે શંકાસ્પદ રીતે ધડાકો થયા પછી આગ ભભૂકી હતી. આગે તે ગોડાઉનમાં પડેલી અને ટેકાના ભાવે ખરીદવામાં આવેલી એક હજાર જેટલી ગુણીઓને નુકસાન પહોંચાડયું છે. આગની જાણ થતા ફાયરબ્રિગેડ દોડયું હતું જેને સતત નવ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણ કાબૂમાં લીધી છે તેની તપાસ માટે એસપી સહિતના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. આ ઉપરાંત ગઈકાલે બપોરે દરેડમાં અને સાંજે લોઠિયા ગામમાં પણ આગના બે બનાવ બન્યા હતા જેમાં બે વ્યક્તિઓ સામાન્ય દાઝયા હતા.

જામનગરના હાપા વિસ્તારમાં આવેલા કેન્દ્ર સરકારના વેર હાઉસીંગ કોર્પોરેશનના સહિતના ત્રણ ગોડાઉનમાં ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે ધડાકા સાથે આગ ભભૂકી હતી. ધડાકાનો અવાજ સાંભળી સેન્ટર વેર હાઉસીંગના ગોડાઉન ઈન્ચાર્જ અજય ચોરસિયા તેમજ હાજર વ્યક્તિઓ બહાર દોડી આવ્યા હતા. તેઓએ ગોડાઉનના એક ભાગમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળતા જોઈ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરતા ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈના વડપણ હેઠળ ફાયરના રાકેશભાઈ બારાઈ, જયવીરસિંહ, અનવર સહિતના જવાનો ફાયર ફાઈટર સાથે દોડયા હતા.

આગ બુઝાવવાની કામગીરી શરૃ કરી તે દરમ્યાન આગે ભયાનક સ્વરૃપ પકડી લીધું હતું તેના પગલે વારાફરતી તેર ગાડી વડે ફાયરના પચ્ચીસ જવાનોએ આગને કાબૂમાં લેવાના તનતોડ પ્રયાસો શરૃ કર્યા હતા, એક તબક્કે વેર હાઉસીંગની દીવાલ નડતરરૃપ લાગતા ફાયરના જવાનોએ તે દીવાલ તથા છાપરા તોડી પાડવા પડયા હતા.

છ હજાર ટનની ક્ષમતાવાળા આ ગોડાઉનના ત્રણ ભાગમાં મગફળીનો જથ્થો પડયો હતો તે જથ્થો શણના કોથળાઓમાં રાખી મૂકવામાં આવ્યો હતો. તેમજ ટેકાના ભાવે ખરીદવામાં આવેલી આ મગફળી હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે પંચાણું ટન જેટલી મગફળીને નુકસાની થવા પામી છે. કેટલાક દિવસો પહેલા નાફેડ દ્વારા ૪૩૪૫ ગુણી ખરીદ કરવામાં આવી હતી જેમાંથી એક ગોડાઉનમાં ૧૧૩૨, બીજા ગોડાઉનમાં ૧૬૧૫ ગુણી રાખવામાં આવી હતી તેમાંથી એકાદ હજાર ગુણી મગફળીને નુકસાની થવા પામી છે. ફાયરના સૂત્રોના જણાવ્યા મુજબ કેટલીક ગુણીઓને ધૂમાડો લાગી જતાં તેને પણ વેસ્ટેજ ગણવામાં આવી છે ત્યારે આગની જાણ થતા મોડીસાંજે જામનગર જિલ્લા પોલીસવડા પી.બી. સેજુળ તેમજ ગ્રામ્ય ડીવાયએસપી એચ.પી. દોશી અને ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડયો હતો.

ગયા મહિને રાજકોટના ગોંડલમાં મગફળીના જથ્થામાં આગ લાગી હોય તેવી જ રીતે ગઈકાલે કોઈ અકળ કારણસર હાપાના સેન્ટ્રલ વેર હાઉસીંગના ગોડાઉનમાં આગ ભભૂકતા અનેક શંકાઓ પ્રવર્તી રહી છે ત્યારે ગઈરાત્રે એક વાગ્યા સુધી ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવતા આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગઈ છે તેમ છતાં આજ બપોર સુધી ફાયરના જવાનો તે સ્થળે સ્ટેન્ડ બાય રહી ચાંપતી નજર રાખી રહ્યા છે. આગ લાગ્યા પછી તેને કાબૂમાં લેવા માટે હજારો લીટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો છે, એક તબક્કે વેર હાઉસીંગમાં માણસો ન હોવાના કારણે ફાયરના જવાનોએ કેટલીક કામગીરી જાતે કરવી પડી હતી. ગઈકાલની આ આગે કેટલાક સવાલો ખડા કર્યા છે ત્યારે પોલીસે પણ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે અને ધડાકો તેમજ આગનું કારણ જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ માગી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.