ચાય વાય & રંગમંચ: કલાકાર-પ્રેક્ષકની મુલાકાત એવી કે પડદો નથી અને બન્ને એકબીજાને મળવા આતુર છે..!!

કોકોનેટ થિયેટર પ્રસ્તુત

અબતક સોશ્યિલ મીડિયાના ફેસબુક પેઇજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઇવ પ્રસારણ માણો

કોકોનટ થીયેટર ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન 3માં ગઈકાલે  સુપ્રસિદ્ધ નિર્માતા અને કલાકાર જેડી મજેઠીયા લાઇવ આવ્યા હતા. જેમનો વિષય હતો how to overcome failure વક્તવ્યની શરૂઆત કરતા જેડી ભાઈએ જણાવ્યું કે નાટકમાં પડદો ખુલે અને કલાકાર પ્રેક્ષકને મળે, પણ આ વખતે કલાકાર અને પ્રેક્ષકની મુલાકાત એવી થઇ છે કે પડદો નથી અને બન્ને એકબીજાને મળવા આતુર છે. નાનપણથી શીખવાડાય છે કે અસફળતા સફળતાનું ઓપોઝીટ છે. પણ અસફળતા એ સફળતાનો જ એક ભાગ છે.

દરેક સફળ માણસના જીવનમાં ક્યાંક નિષ્ફળતા આવી જ હોય છે. ફેઈલ શબ્દ સ્કૂલમાંથી આવ્યો અને બીજું બાળપણમાં ફેઈલ શબ્દ સાંભળ્યો હોય હાર્ટ ફેઈલ થયું છે એમ લોકો કહેતા. ફેઈલ શબ્દનાં માપદંડ જુદા જુદા છે એ ક્યાં ક્યારે વપરાય છે એના ઉપરથી ફેઈલીયરની અસર નક્કી થાય છે. રંગમંચની વાત કરતા જેડી ભાઈએ જણાવ્યું કે એક કલાકાર પોતાના નાટકનો પ્રથમ શો કરતો હોય અને એ સ્ટેજ પર સંવાદ ભૂલે અને ગ્રીન રૂમમાં નક્કી કરે કે નેક્સ્ટ ટાઈમ હું સારું કરીશ. એના કરતા એ જ સમયે, તરત જ પોતાની નિષ્ફળતા પર કાબુ મેળવી લે એ જરૂરી છે. કેમકે નિષ્ફળતા એક સાથે નથી આવતી. એ ધીમે પગલે જીવનમાં ઘર કરે છે.

દરેક નિરુત્સાહી અને હતાશ કલાકારો માટેનું હતું આ સેશન, જેડી ભાઈએ જણાવ્યું કે થીયેટર એ કલાકારનું માધ્યમ છે લેખક, નિર્માતા ઘણા સારા હોય પણ કલાકાર સ્ટેજ પર બરાબર પરફોર્મ ન કરે તો સમગ્ર ટીમ ફેઈલ ગણાય છે. માટે જ્યારે નિષ્ફળતા શરુ થાય કે ત્યારે જ એને સુધારી લેવી જોઈએ. સતર્ક રહેશો તો ફેઈલીયર માંથી બ્હાર આવી શકશો. ક્રિએટીવ ફિલ્ડમાં તમારી નિષ્ફળતા સાચી છે કે નહિ એ સમજવું ખુબ જરૂરી છે.

પોતાના સૂર્યવંશી નાટકની વાત કરતા જેડી ભાઈએ કહ્યું કે પ્રથમ નાટક શરુ થયું ત્યારે લોકોએ ખુબ વખાણ્યું પણ ત્યાર બાદ અમે પ્રેક્ષકોને નાટક તરફ વાળવામાં કદાચ નિષ્ફળ ગયા, હિમ્મત ન હાર્યા અને સતત સારું નાટક ભજવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. ગુજરાત રાજ્ય સ્ટેટ એવોર્ડની પ્રતિયોગીતામાં એ નાટક ભજવાયું અને અમને 11 ઇનામો મળ્યા. ત્યારબાદનો મુંબઈમાં શો હાઉસફુલ થયો અને સતત 150 થી વધુ શો કર્યા અને નાટક સફળ થયું. અસફળતાથી હાર્યા વિના સતત આગળ વધતા અમને સફળતા મળી. થેંક્યું કોકિલા નાટકની પણ ખુબ જ રસપ્રદ સફર વિષે જેડી ભાઈએ વાત કરી. જે વાત કરતા એમની આંખો ભીંજાઈ. આ સિવાય એમના પ્રોડક્શનની સીરીયલમાં કેવા કેવા ફેઈલીયર થયા અને એમાંથી કઈ રીતે અસફળતાને સફળતામાં પરિવર્તિત કરી એની ખુબ જ નિખાલસ પણે વાતો કરી.

નાટકની સફરની વાતો સાથે સાથે જેડી ભાઈએ એમના માનવંતા દર્શક મિત્રોના સવાલના જવાબો પણ આપ્યા જે ખુબ જ માહિતી સભર હતા. અસફળતા પર કઈ રીતે વિજય મેળવવો એ માટે રંગભૂમિને પ્રેમ કરતા દરેક કલાકારે આ સેશન જોવું જ જોઈએ. જે આપ કોકોનટ મીડીયાના ફેસબુક પેજ પર જોઈ અને જાણી શકો છો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો જેડી ભાઈનું આ સેશન જરૂરથી જુઓ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાન છે આતિશ કાપડીયા, સુપ્રિયા પાઠક, સૌમ્ય જોશી, સિતાંશુ યશશ્ચંદ્ર જેવા નામાંકિત કલાકારો આગામી સેશનમાં આવી રહ્યાં છે.

આજે સુપ્રસિઘ્ધ લેખક દિગ્દર્શક અને કલાકાર સૌમ્ય જોશી

ગુજરાત ફિલ્મો નાટકો સાથે હિન્દી ફિલ્મોમાં સૌમ્ય જોશીનું નામ ખુબ જ જાણીતું છે. ‘હેલ્લારો’ ફિલ્મમાં તેમના ગીતોએ જમાવટ કરી હતી. કોકોનેટ થિયેટર પ્રસ્તુત ચાય-વાય અને રંગમંચ શ્રેણીમાં આજે સાંજે 6 વાગે લાઇવ આવીને ‘થિયેટર અને સ્ટોરી’ વિષયક ચર્ચા અને અનુભવો શેર કરશે. તેઓને ગૌરવ પુરસ્કાર સાથે ચં.ચી. મહેતા એવોર્ડ વિનર છે. તેઓ લેખક દિગ્દર્શક સાથે ખુબ જ ઉમદા અભિનેતા છે. તેમના લખેલાં 102 નોટઆઉટ નાટક પરથી જાણીતી હિન્દી ફિલ્મ બની હતી. ગુજરાતી તખ્તાને ઘણા ઉમદા અને પ્રેરણાયી નાટકો સૌમ્ય જોશીએ આપ્યા છે. આજનું તેમનું સેશન દરેક યુવા કલાકારોએ જોવા જેવું છે.