Abtak Media Google News

11 વેપારીઓને રૂ. 42 લાખનો દંડ ફટકારવાની સાથે સસ્તા અનાજના પરવાના પણ રદ કરાયા હતા, અગાઉના કલેકટર સુનાવણી કર્યા બાદ ચુકાદો આપવાના હતા તેવામાં બદલી થઈ જતા કેસ પેન્ડિંગ હાલતમાં પડ્યો હતો

રાજકોટ જિલ્લાના ચકચારી ફિંગર પ્રિન્ટ કૌભાંડમાં 11 વેપારીઓને રૂ. 42 લાખનો દંડ ફટકારવાની સાથે સસ્તા અનાજના પરવાના પણ રદ કરાયા હતા. આ વેપારીઓને વધુ એક તક મળી છે. સુનાવણી પૂર્ણ થઈ ગઈ હોય પણ કલેકટર બદલાઈ ગયા હોવા છતાં નવા જિલ્લા કલેકટરે તેઓને સાંભળીને ચુકાદો આપવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદમાં પોલીસે સસ્તા અનાજની દુકાનેથી બોગસ ફિંગર પ્રિન્ટ કૌભાંડ પકડી પાડ્યું હતું. જેમાં રાજકોટના 11 સસ્તા અનાજના દુકાનદારો  સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. જો કે તપાસ બાદ આ આકડો 25 સુધી પહોંચ્યો હતો. તે સમયે પુરવઠા અધિકારીએ એકસાથે 25 વેપારીઓના લાઇસન્સ સસ્પેન્ડ કરવાની આકરી કાર્યવાહી કરી હતી.

જેમાં મુખ્ય 11 આરોપી રાજકોટ શહેરના મુકેશ જયંતીલાલ જોબનપુત્રા, લાખા ભીમા બગડા, મોનાબેન મનોજ ચંદારાણા, પ્રભુદાસ ધનજી કારિયા, રાફુસા દિનાબેન, હસમુખ નાનજી રાણા, એન.ટી. તુરખીયા, એન. એમ. ભારમલ, ઢેબર કોલોની પ્રગતિ મંડળ, શોભનાબેન પીપળિયા, રમીલાબેન ઝાલાવડિયા, જ્યારે ગ્રામ્ય વિસ્તારના કિશોર નથુ બારોટ(ત્રંબા), મનીષ જોબનપુત્રા (ત્રંબા), હિતેશ ત્રિવેદી (જેતપુર), કાજી યાહયા ગફાર (નવાગઢ જેતપુર), નિતિન નાગર (જેતપુર), વિજયગીરી ગોસાઈ (નવાગઢ, જેતપુર), સુખદેવ જોશી (જેતપુર), સુરેશ જોશી (અકાળા જેતપુર), યોગેશ મહેતા (જેતલસર), વિજય વઘાસિયા (વીરપુર, જેતપુર), બંસરીબેન ગાજીપરા (વીરપુર, જેતપુર), સંજય તુલજાશંકર જાની (દેવકીગાલોળ, જેતપુર), જગજીવન ગોંડલિયા (દેરડી જેતપુર), દિલીપ ભાયાણી (આરબટિંબડી)ને રૂ. 42 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

જેની સામે 11 વેપારીઓએ કલેકટરમાં અપીલ કરી હતી. તે સમયનાં કલેકટર અરુણ મહેશ બાબુએ આખા કેસનું હિયરિંગ કરી લીધું, ચુકાદો આપે તે પહેલાં તેઓની બદલી થઈ ગઈ હતી. કલેકટર પ્રભવ જોશીએ કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ દરેક કસુરવારને સાંભળવાની 3 તક આપવી જોઈએ તે પ્રમાણે આ વેપારીઓને સાંભળવાનો નિર્ણય લીધો છે.

કેવી રીતે ચાલતું હતું અનાજ ચાઉં કરી જવાનું કૌભાંડ ?

આણંદના ધવલ આર.પટેલ અને દુષ્યંત ભાનુભાઈ પરમાર કાવતરૂ ઘડીને સસ્તા અનાજની દુકાનોમાંથી રેશનીંગ મેળવતા  ગ્રાહકોના ડેટા જેવા કે આધારકાર્ડ નંબરો, રેશનીંગ કાર્ડના નંબરો, ફિંગરપ્રિન્ટ મેળવતા હતા. સોફ્ટ કોપીમાં ફિંગરપ્રિન્ટનો ડેટા મેળવવાનો અધિકાર ન હોવા છતા આરોપીઓ આ ડેટા મેળવીને ભરત ચૌધરીને પુરો પાડતા હતા.  બાદમાં આ ડેટા મેળવીને તે ફિંગરપ્રિન્ટો રેશનીંગની દુકાન સાથે જોડાયેલા રેશનીંગ મેળવતા ગ્રાહકોના બનાવટી રબ્બરપ્રિન્ટ બનાવતા હતા. તેના મારફતે રેશનીંગની દુકાન  સાથે સંકળાયેલા એજન્ટો તેમજ રેશનીંગની દુકાન ચલાવતા દુકાનદારોને આપીને ગ્રાહકોની જાણ બહાર તેમના ભાગના રેશનના ખોટા બિલો બનાવતા હતા. જેને આધારે  અનાજનો જથ્થો  મેળવીને કૌભાડ આચરતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.