Abtak Media Google News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ પણ જોડાયા: સતત બીજી વખત અમદાવાદની ઘાટલોડીયા બેઠક પરથી ભૂપેન્દ્રભાઇ પટેલ ચૂંટણી લડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજી તબક્કામાં મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાની આવતીકાલે અંતિમતિથી છે. દરમિયાન આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદની ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર દાખલ કર્યું હતું. આ એક વિશાળ કેસરિયા રેલી યોજવામાં આવી હતી. જેમાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ભાજપ માટે સૌથી સલામત ગણાતી ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી સતત બીજી વખત ભૂપેન્દ્રભાઇ પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

Advertisement

ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વ ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉ5સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ઘાટલોડીયાના પ્રભાત ચોકથી ગોતા બ્રિજ પાસે આવેલી પ્રાંત કચેરી સુધી એક વિશાળ કેસરિયા રેલી યોજવામાં આવી હતી. આ રોડ-શોમાં મુખ્યમંત્રીને ઉમળકાભેર આવકારવા હજ્જારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો અને સમર્થકો ઉમટી પડ્યા હતા.

કેસરિયા રેલીની સાથોસાથ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સોલા ભાગવત પાસે વન-45 બિલ્ડીંગમાં 41-ઘાટલોડીયા વિધાનસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે બપોરે 12 કલાક અને 38 મીનીટના શુભ વિજય મુહુર્ત ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સાથોસાથ તેઓએ ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ તોતીંગ બહુમતી સાથે સત્તારૂઢ થશે. તેવો વિજય વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે બીજી તબક્કામાં પાંચ ડિસેમ્બરના રોજ રાજ્યની જે 93 બેઠકો માટે મતદાન થવાનું છે. તેમાં ઘાટલોડીયા બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠકને ભાજપનો અડિખમ ગઢ માનવામાં આવી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની બેઠક ઘાટલોડીયા બેઠક પરથી ભૂપેન્દ્રભાઇ પટેલ 2017માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. 2021માં ભાજપ હાઇકમાન્ડ દ્વારા તેઓને ગુજરાતની ગાદી સોંપવામાં આવી હતી. તેઓ સતત બીજી વખત ઘાટલોડીયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ સીએમ પદે આરૂઢ હોવાના કારણે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચારની જવાબદારી તેઓના શીરે હોવાના કારણે તેઓ પોતાના મત વિસ્તારમાં પ્રચાર માટે વધુ સમય આપી શકશે નહી. આ માટે આજે તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યા પૂર્વ એક વિશાળ કેસરિયા રેલી યોજી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.