લોકતાંત્રિક મૂલ્યો અને સંવૈધાનિક માન્યતાઓ પર હુમલો છે : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન કાર્યક્રમમાં જણાવ્યું કે, નવા સંસદ ભવનના લોકાર્પણ સમારોહના 19 વિપક્ષી દળો દ્વારા બહિષ્કારનો નિર્ણય નિંદનીય છે. વિરોધ પક્ષોનું આ પગલું લોકતાંત્રિક મૂલ્યો અને સંવૈધાનિક માન્યતાઓ પર હુમલો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સંસદ ભવનના મૂલ્યો સંદર્ભે જણાવ્યું કે, લોકતંત્રમાં સંસદ એક પવિત્ર સંસ્થા છે તેમજ લોકશાહીના હૃદયના ધબકારા સમાન છે. સંસદ ભવનમાં દેશની નીતિઓ ઉપર નિર્ણય થાય છે. જેનાથી લોકોના જીવનમાં બદલાવ આવે છે. ભૂતકાળમાં વિપક્ષી દળોએ સંસદીય પ્રણાલી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. દેશહિતમાં આયોજિત જીએસટી  વિશેષ સત્ર સહિતના ઘણા સત્રોનો વિપક્ષે બહિષ્કાર કર્યો છે. વિપક્ષ લોકતંત્રનું અપમાન કરતું આવ્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિપક્ષ દ્વારા અણછાજતા વિરોધની આ પ્રથમ ઘટના નથી, જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથજી કોવિંદ રાષ્ટ્રપતિ બનવાના હતા ત્યારે વિપક્ષ દ્વારા સામાન્ય શિષ્ટાચારમાં પણ વિલંબ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન એનાયત કરવાના પ્રસંગનો પણ વિપક્ષે વિરોધ કર્યો હતો. માનનીય દ્રૌપદી મુર્મુ જ્યારે રાષ્ટ્રપતિના પદ માટે નામાંકિત થયાં ત્યારે પણ વિપક્ષે વિરોધ પ્રગટ કરી તેઓનું અપમાન કર્યું હતું જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયનું પણ અપમાન હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિપક્ષ દેશની પ્રગતિશીલ યોજનાઓને વિરોધ કરી અટકાવે છે. વિપક્ષે રાજનીતિક મર્યાદાઓનું સ્તર નીચું લાવી 140 કરોડ ભારતીયોનું અપમાન કર્યુ છે જેને જનતા ક્યારેય ભૂલશે નહિ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.