ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ડિઝાઈન કરનાર ક્રાંતિવીર સરદારસિંહજી રાણાની આજે પૂણ્યતિથિ

વિદેશની  ભૂમિ પરથી સરદારસિંહ રાણાએ  અંગ્રેજો સામેની આઝાદીની લડતને  વેગ આપ્યો ‘તો

રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ,  લાલા લજપતરાય, જવાહરલાલ નહેરૂ અને લેનિન સહિત નેતાઓ સાથે ક્રાંતિકારીઓ સાથે આઝાદીની લડત લડેલી

સરદારસિંહ રાણાનો જન્મ 10 એપ્રિલ 1870માં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કંથારિયા ગામમાં થયો હતો. તેમના લગ્ન જામનગરના ભાંગડા ગામના સોનબા સાથે થયા હતા. પ્રાથમિક શિક્ષણ કંથારિયા અને ધ્રાંગધ્રામાં મેળવી આગળનું શિક્ષણ મેળવવા માટે રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં દાખલ થયા. સરદારસિંહ રાણા અને મહાત્મા ગાંધી એક જ વર્ગમાં ભણતા હતા. ગાંધીજી સરદારસિંહને તેમના હુલામણા નામ “સદુભા”થી બોલાવતા હતા. તેઓ બંને મિત્રો હતા. આ પછી, ઉચ્ચ અભ્યાસ રાણા મુંબઇ ત્યારબાદ પૂના ગયા.

સરદારસિંહના જીવનમાં અહિંથી એક નવો વળાંક આવ્યો. 1895માં પૂનામાં યોજાયેલા ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસમાં સક્રિય ભાગ લીધો. લોકમાન્ય તિલક, સુરેન્દ્રનાથ બેનર્જી જેવા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યાં. ક્રાંતિકારી પ્રવૃતિના બીજ અહીંથી વવાયા. આ પછી સરદારસિંહ રાણા વધુ અભ્યાસ માટે લંડન ગયા અને બેરિસ્ટરની ડિગ્રી મેળવી. લંડનમાં તેઓ ભારતીય ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઇજી કામાના સંપર્કમાં આવ્યા. તેમણે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. ભારતની આઝાદીની લડત લડતા ક્રાંતિકારીઓ માટેનું મોટુ ઠેકાણું બની ગયું. આ પછી સરદારસિંહ રાણા લંડનથી પેરિસ ગયા.

1907માં જર્મનીમાં યોજાયેલા ઇન્ટરનેશનલ સોશ્યલિસ્ટ કોન્ફરન્સમાં રાણા અને મેડમ ભીખાઇજી કામા ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી. કોન્ફરન્સના આયોજકોએ તેમના તેમના દેશના રાષ્ટ્રધ્વજ સાથે હાજરી આપવા કહ્યું હતુ. જો કે, એ સમયે ભારત ગુલામ હતુ અને તેનો કોઇ રાષ્ટ્રધ્વજ હતો નહીં. આ સમયે, સૌપ્રથમ વખત, સરદારસિંહ રાણા અને ભીખાઇજી કામાએ રાષ્ટ્રધ્વજ-તિંરગો-ડિઝાઇન કર્યો અને કોન્ફરન્સમાં સૌપ્રથમ વખત આ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ એક ઐતિહાસિક ઘટના હતી. સરદારસિંહ રાણા ઇન્ડિયા હોમ રૂલ સોસાયટીના વાઇસ-પ્રેસિડેન્ટ હતા અને પેરિસ ઇન્ડિયા સોસાયટીના સ્થાપક સભ્ય હતા.

સરદારસિંહ રાણાએ પરદેશની ભૂમિ પર વસવાટ કરી, ભારતમાં અંગ્રેજો સામેની આઝાદીની લડતને વેગ આપ્યો હતો. ક્રાંતિકારી મદનલાલ ધીંગરાએ લંડનમાં કોર્નેલ વોઇલીની હત્યા કરી હતી. આ હત્યામાં વપરાયેલી પિસ્તોલ સરદારસિંહ રાણાની હતી. આ અંગ્રેજની હત્યા બદલ મદનલાલ ધીંગરાને ફાંસીની સજા થઇ. બ્રિટીશ સરકારે સરદારસિંહ રાણા ઉપર પણ જુલમ ગુજર્યો હતો.

સરદારસિંહ રાણાને ભારતમાંથી દેશનિકાલ જાહેર કર્યા હતા.ભારતની આઝાદીની લડત દરમિયાન સરદારસિંહ રાણા, લેનિન, જવાહરલાલ નેહરુ, રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંન્દ્ર બોઝ લાલા લજપતરાય જેવાં ક્રાતિકારી નેતાઓ સાથે સંપર્કમાં હતા. ઘરોબો ધરાવતા હતા. મદનમોહન માલવિયાજી બનારસ હિંન્દુ યુનિવર્સિટી સ્થાપવા માટે દાન એકત્રિત કરવા માટે પેરિસ ગયા. આ સમયે પેરિસમાં રહેતા ભારતીયોએ કુલ 28 લાખ રૂપિયાનું દાન આપ્યુ. જેમાં સૌથી વધુ પાંચ લાખ રૂપિયાનું દાન સરદારસિહં રાણાનું હતું.

ભારત આઝાદ થયા પછી ક્રાંતિકારી સરદારસિંહ રાણાને માદરે વતન લાવવા માટે 1947માં એક વિશેષ પ્લેન પેરિસ મોકલ્યુ હતું. ફાંસની સરકારે તેના સૌથી મોટા એવાર્ડ “ચેવેલિયર”થી સરદારસિંહ રાણાનું સન્માન કર્યુ હતુ.સરદારસિંહ રાણા 1955માં ભારત પરત ફર્યા અને 25 મે 1957માં વેરાવળ ખાતે હ્રદયરોગના હુમલાથી તેમનું નિધન થયું.