Abtak Media Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ વન મંત્રી મૂળુભાઇ બેરા, વન રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ’આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડે’ની ઉજવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ વન મંત્રી મૂળુભાઇ બેરા, વન રાજ્ય મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ’આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડે’ની ઉજવણી નિમિત્તે જાણીતા સંગીતકાર રૂપકુમાર રાઠોડના સંગીત અને સ્વર દ્વારા નિર્મિત ગુજરાતનાં સમૃદ્ધ વેટલેન્ડ્સને ઉજાગર કરતી ’વસુધૈવ કુટુંમ્બકમ’ની થીમ આધારિત ફિલ્મનું રૂપકુમાર રાઠોડની ઉપસ્થિતિમાં લોન્ચીંગ કરાયું હતું.

Advertisement

મુખ્યમંત્રી પટેલે રૂપકુમાર રાઠોડને અભિનંદન આપતા કહ્યું હતું કે, ગુજરાતની ચારેય રામસર સાઇટ્સ અને કચ્છનાં છારીઢંઢ જેવા વિસ્તારમાં મહેમાન બનતા પક્ષીઓ અને ગુજરાતનાં સમૃદ્ધ વેટલેન્ડ્સને એક નાનકડી સંગીતમય ફિલ્મમાં દર્શાવ્યા છે. દર વર્ષે ગુજરાતના મહેમાન બનતા લાખો યાયાવર પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે અમારી સરકાર કટિબદ્ધ છે.  આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા પક્ષીઓની તસવીરો રજૂ કરતી એક ’કોફી ટેબલ’ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, ભારત આ વર્ષે ૠ -20ના અધ્યક્ષપદે છે ત્યારે ૠ-20ના કુલ 20 દેશમાંથી દર વર્ષે 18 જેટલા દેશોના 300 જેટલી પ્રજાતિનાં પક્ષીઓ ગુજરાતનાં વેટલન્ડના મહેમાન બને છે જે ભારત માટે માટે ગૌરવ સમાન છે. રૂપકુમાર રાઠોડ એક ઉમદા સંગીતકારની સાથે સાથે કુદરત પ્રેમી પણ છે અને ઉમદા વન્યજીવ તસવીરકાર પણ છે. ગુજરાતનાં રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રત્યે તેઓ ગજબનું જોડાણ ધરાવે છે. તેઓએ ગુજરાતનાં વિવિધ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં વન્યજીવો અને પક્ષીઓની તસવીરો પણ ખૂબ જ લીધી છે. પ્રકૃતિ પ્રત્યેનાં જોડાણને કારણે જ તેઓએ ગુજરાતનાં સરોવરો અને પક્ષીઓ વિષે આ નવીનતમ ધૂનની રચના કરી છે.

વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને  પક્ષીઓ જ સાર્થક કરે છે

કઝાકિસ્તાન, સાઉદી અરેબિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આવતા પક્ષીઓ કે જે રાજ્યના છારીઢંઢ, થોળ, નળ સરોવર, કચ્છનું નાનું રણ, વઢવાણા જેવા વેટલેન્ડસ સ્થળોએ જોવા મળે છે. તે તમામ આ ફિલ્મમાં આવરી લેવામાં આવ્યા છે, જે પક્ષીવિદો અને નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પક્ષીઓ તેમનાં અસ્તિત્વનાં સમયથી આ ધરતીનાં દરેક ખૂણાઓને પ્રવાસી બનીને ધરતી, આકાશ અને જળ વિસ્તારને પોતાનું ઘર માને છે. ઉપનિષદોમાં લખાયેલ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને આ પક્ષીઓ જ સાર્થક કરે છે. ધરતીનાં દરેક ખૂણેથી પંખીઓ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો ઉપયોગ કરીને ભારત આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.