Abtak Media Google News

યુવતીઓના મોર્ફ કરેલા ફોટો, સ્ક્રીન રેકોર્ડિંગ સહીતની પોસ્ટ વાયરલ કરવાનો સાયબર ગઠિયાઓનો નવો કીમિયો

જ્યારે ગાયત્રી (નામ બદલ્યું છે) એ ઓનલાઈન પોસ્ટ પર પોર્ન અભિનેત્રીના શરીર પર તેના ચહેરાનો ફોટો મોર્ફ કરેલો જોયો ત્યારે તેના પગ તળેથી જમીન ખસી ગઈ પણ  તેણીએ મૌન રહેવાનું નક્કી કર્યું, કારણ કે, ગાયત્રીને ડર હતો કે, જો સમાચાર સાર્વજનિક થઈ જશે તો સમાજમાં તેની અને તેના પરીવારની બદનામી થશે.

જો કે, જ્યારે એક અઠવાડિયા પછી બીજો મોર્ફ કરેલો ફોટો તેણીએ જોયો ત્યારે તેણીએ ગુજરાત સીઆઈડી (ક્રાઈમ)ના સાયબર સેલનો સંપર્ક કર્યો, જેણે સોશિયલ મીડિયા કંપનીને નકલી એકાઉન્ટને દૂર કરવા માટે કહ્યું જેમાંથી ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવામાં આવ્યા હતા.

પાછલા વર્ષમાં સાયબર સેલે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી 25,348 પોસ્ટ્સ દૂર કરી છે, જેમાં લૈંગિક રીતે સ્પષ્ટ કન્ટેન્ટનો સમાવેશ થાય છે. જેમાં સંમતિ વિના શેર કરવામાં આવેલી ઘનિષ્ઠ અને ખાનગી છબીઓ તેમજ નગ્ન ફોટા અને વીડિયો શેર કરવા માટે સમર્પિત પૃષ્ઠોનો સમાવેશ થાય છે. આમાંની મોટાભાગની પોસ્ટ સેક્સટોર્શન સાથે સંબંધિત હતી.

ગુજરાત સીઆઈડી ક્રાઈમ વિભાગની સાયબર વિંગના ઈન્સ્પેક્ટર મનીષ ભંખરિયાના જણાવ્યા અનુસાર માર્ચ 2022 થી અમે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરથી 20,000 થી વધુ નકલી પ્રોફાઇલ્સ દૂર કરી છે.

તેમણે ઉમેર્યું કે, ગુનેગારોએ અગાઉ આ બે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત પીડિતો સાથે મિત્રતા કરવા અને તેમને વીડિયો કોલ પર તેમની સાથે ચેટ કરવા માટે લલચાવવામાં આવ્યા હતા. જ્યારે વ્યક્તિ કૉલમાં જોડાય છે, ત્યારે તેને ખ્યાલ આવે છે કે બીજા છેડેની વ્યક્તિ નગ્ન છે અને અશ્લીલ હરકતો કરી રહી છે.જો વ્યક્તિ તરત જ કૉલ કટ કરે તો પણ, સાયબર ક્રૂક્સ માટે સ્ક્રીનશોટ મેળવવા માટે સમયમર્યાદા પૂરતી છે જે પીડિતને પોર્ન જોતી બતાવે છે. ત્યારબાદ પીડિતોને બ્લેકમેલ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે અમે એક નવો ટ્રેન્ડ જોયો છે. સેક્સટોર્શન ગેંગ હવે પીડિતા સાથે મિત્રતા નથી કરતી. તેઓ સીધા જ વીડિયો કૉલ કરે છે અને સ્ક્રીન રેકોર્ડિંગ કરી લે છે.

કોન્સ્ટેબલ વિજય દેસાઈ અને હાર્દિક પટેલ સીઆઈડીની સોશિયલ મીડિયા ટુકડી સાથે અન્ય અવ્યવસ્થિત વલણ તરફ ધ્યાન દોરે છે. રિવેન્જ પોર્ન, જ્યાં પ્રેમીઓ બ્રેકઅપ પછી ઘનિષ્ઠ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરે છે. એવા કિસ્સાઓ પણ બન્યા છે જેમાં તેઓ તેમના પાર્ટનરના ચહેરા અથવા પોર્નસ્ટારના શરીર પર મોર્ફ કરે છે.

કેટલીકવાર પીડિતોની તસવીરો એસ્કોર્ટ સેવાઓનો પ્રચાર કરતા સોશિયલ મીડિયા પૃષ્ઠો પર પોસ્ટ કરવામાં આવે છે. વિભાગે આ સમયગાળા દરમિયાન સમુદાયો પર સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ અને અપમાનજનક ટિપ્પણીઓ ધરાવતી 3,753 પોસ્ટ્સ પણ દૂર કરી છે.  ભંખરિયાના જણાવ્યા અનુસાર દરરોજ અમે આવી ઓછામાં ઓછી 15 પોસ્ટ દૂર કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.