પ્રાથમિક સુવિધાઓની સમસ્યાના ઉકેલની માંગ સાથે સુરેન્દ્રનગર પાલિકામાં નાગરિકોનો હલ્લા બોલ

પાકા રસ્તા, વરસાદી પાણીનો નિકાલ, ગટરના કનેકશન જોડવા જેવી માંગણી  લેખીત રજુઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન કરાતા રહીશોમાં રોષ

અબતક, શબનમ ચૌહાણ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુકત નગરપાલિકાના વોર્ડ નં 9માં આવેલા શકતીનગર ઢોરા વિસ્તારમાં સામાન્ય અને મધ્યમવર્ગના હજારો લોકો વસવાટ કરે છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોઈ રહીશો  પાલિકા કચેરીએ દોડી ગયા હતા. પાલિકા પ્રમુખને પાકા રસ્તા બનાવવા, વરસાદી પાણીનો નિકાલ કરવા, ગટરના કનેકશન જોડી આપવા માંગણીઓ કરાઈ હતી.સુરેન્દ્રનગર નગરપાલિકાના છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની અનેકવાર રાવ ઉઠે છે. મતદાન સમયે તો આ વિસ્તારો પાલિકા કચેરીમાં આવતા હોય છે પરંતુ પ્રાથમિક સુવિધાઓ આપવાની વાત આવે ત્યારે આ વિસ્તારોને બાકાત રાખી દેવામાં આવતા હોય છે.

ત્યારે આવી જ રીતે રતનપરના વોર્ડ નં. 9માં આવેલા શકતીનગર ઢોરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન મળતા રહીશો પાલિકા કચેરીએ સોમવારે દોડી આવ્યા હતા. રહીશો રોહીત મકવાણા, જીલાભાઈ ભરવાડ, પ્રતાપભાઈ રોજાસરા, અમૃતભાઈ ચૌહાણ સહીતનાઓના જણાવાયા મુજબ શકતીનગર ઢોરા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ માટે તા. 09-09-2021ના રોજ લેખીત રજુઆત કરાઈ હતી. આ રજુઆતને 5 માસ કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. રહીશોએ શકતીનગર ઢોરા વિસ્તારમાં પાકા સીસી રોડ કે ડામર રોડ બનાવવા, વરસાદી પાણીનો નિકાલ કરવા અને ભૂગર્ભ ગટરના કનેકશન જોડી આપવા માંગણી કરી હતી. ચોમાસાના સમયે તો આ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે અને લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસી જતા હોવાની રાવ સાથે રહીશોએ તાકિદે વરસાદી પાણીનો નીકાલ થાય તેવી વ્યવસ્થા આગામી ચોમાસા પહેલા કરવા માંગણી કરી હતી.

રસ્તા બનાવવામાં પણ ભેદભાવ રખાય છે

શકતીનગર ઢોરા વિસ્તારના રહીશોના જણાવાયા મુજબ આ વિસ્તારમાં જ આવેલા રામાપીરના મંદીરવાળી શેરીમાં પાકા રસ્તા બન્યા છે. આ વિસ્તારમાં રાજકારણીઓના સગા સબંધી રહે છે કે માથાભારે તત્વો હોવાથી પાકા રસ્તા બન્યા હોવાની રાવ સાથે રહીશોએ રસ્તા બનાવવામાં પણ ભેદભાવ રખાતો હોવાની વાત કરેલી લેખીત રજુઆતમાં જણાવી હતી.

રસ્તાના કામનું ટેન્ડરીંગ થયુ છે, ટુંક સમયમાં કામ ચાલુ થશે

આ અંગે સુરેન્દ્રનગર નગરપાલિકાના ઈજનેર કયવંતસીંહ હેરમાએ જણાવ્યુ કે, શકતીનગર ઢોરા વિસ્તારમાં રસ્તાના કામોનું ટેન્ડરીંગ થઈ ગયુ છે. ટુંક સમયમાં રસ્તાના કામો ચાલુ થશે.