Abtak Media Google News

રાજયભરમાં વરસાદનું જોર ઘટયું: 69 તાલુકાઓમાં સાડા છ ઇંચ સુધી વરસાદ: સૌરાષ્ટ્રમાં સર્વત્ર વરાપ: જળાશયો સત ઓવરફલો

સૌરાષ્ટ્રમાં સતત સાત દિવસ સુધી અનરાધાર હેત વરસાવ્યા બાદ મેઘરાજાએ વિરામ લેતા જગતાતના હૈયે હાશકારો વ્યાપી જવા પામ્યો છે. રાજયભરમાં શુક્રવારથી વરસાદનું જોર ઘટયું છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન માત્ર 69 તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે સવારથી આઠ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સવારથી તડકો નીકળતા ફરી ખેડુતો વાવણી કાર્યમાઁ  પરોવાય ગયા છે.

ભાદરવા મહિનામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજયમાં છેલ્લા સાત દિવસથી અવિરત અને અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિના ભય વચ્ચે શુક્રવારે મેઘરાજાએ સમયસર વિરામ લઇ લેતા જગતાતના હૈયે ટાઢક વ્યાપી જવા પામી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સંતોષકારક વરસાદ વરસી ગયો છે. ખેડુતોની ભાષામાં કહેવામાં આવે તો વરસ પાકી ગયું છે. આ વર્ષ સોળ આની પણ સવાયુ રહે તેવી આશા ઉભી થવા પામી છે.

સૌરાષ્ટ્રમાં શુક્રવારે મહુવા અને ગીર ગઢડાને બાદ કરતાં સર્વત્ર મેઘ વિરામ જેવો માહોલ રહેવા પામ્યો હતો આજે સતત બીજા દિવસે સૂર્ય નારાયણ પુર બહારમાં ખીલતા જગતાત હરખાતા હૈય ફરી ખેલી કામમાં મશગુલ થઇ ગયો છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 69 તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. વલસાડમાં સાડા છ ઇંચ, ઉમરગામ અને પારડીમાં છ ઇંચ, વાપી અને કપરાડામાં પાંચ ઇંચ, કપરાડામાં પાંચ ઇંચ, ચીખલીમાં સાડાચાર ઇંચ, ખેરગામ, ગણદેવીમાં ચાર ઇંચ, ધરમપુર, તિલકવાડા, વ્યારામાં

ત્રણ ઇંચ, સોનગઢ, જલાલપોર, પલાસણા, શિહોર, કવાંટમાં અઢી ઇંચ, નવસારી, બારડોલી, ડોલવાણ, સુવીર, ડાંગમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. આજથી રાજયભરમાં મેઘરાજાનું જોર ઘટી જશે સવારથી આઠ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

રાજયમાં સિઝનનો 116.92 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 185.13 ટકા, વરસાદ પડયો છે. જયારે ઉતર ગુજરાતમાં 120.83 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 93..21 ટકા, સૌરાષ્ટ્રમાં 107.93 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 127.81 ટકા વરસાદ વરસી ગયો છે. ભાદરવામાં ભરપુર વરસેલા મેઘરાજાની કૃપાથી સૌરાષ્ટ્રના તમામ જળાશયો છલકાય ગયા છે. બે દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘ વિરામ હોવા છતાં છલકાતા નદી નાળાના કારણે ડેમો સતત ઓવરફલો થઇ રહ્યા છે.

આ વર્ષ ચોમાસાના વહેલા આગમનના કારણે ખેડુતોએ વાવણી પણ વહેલી કરી નાંખી હતી. જેના કારણે હાલ માકેટીંગ યાર્ડમાં નવી જણસીની આવક શરુ થઇ જવા પામી છે. આ વર્ષ માંગ્યા મેઘ વરસતા ખેડુતોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે.

ભાદર સહિતના 55 જળાશયો સતત ઓવરફ્લો

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા વરસાદને કારણે જળાશયો છલકાય ગયા છે. દરમિયાન રાજકોટ સિંચાઇ વર્તુળ પૂર એકમ હસ્તકના 55 ડેમ સતત ઓવરફ્લો થઇ રહ્યા છે. ડેમનું છલકાતું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વરસાદે વિરામ લીધો છે પરંતુ છલકાતા નદી-નાળાઓના કારણે ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. ભાદર-1 ડેમનો એક દરવાજો ખૂલ્લો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના મોજ, ફોફડ, વેણું-2, આજી-1, આજી-2, આજી-3, સોદવદર, સુરવો, ડોંડી, વાછાપરી, વેરી, ન્યારી-1, ન્યારી-2, છાપરવાડી-1, છાપરવાડી-2, ઇશ્ર્વરિયા, કરમાળ, ભાદર-2, કર્ણુકી ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે. જ્યારે મોરબી જિલ્લાનો મચ્છુ-1 ડેમ, ડેમી-2 ડેમ, બંગાવડી, બ્રાહ્મણી-2, મચ્છુ-3, ડેમી-3, જામનગર જિલ્લાના સસોઇ, પન્ના, ફૂલઝર-1, સપડા, ફૂલઝર-2, ડાઇમીણસર, ઉંડ-3, આજી-4, ઉંડ-1, કંકાવતી, ઉંડ-2, વાડીસંગ, ફૂલઝરખોબા, રૂપાવટી, રૂપારેલ અને ઉમિયાસાગર, દેવભૂમિ દ્વારકાના ઘી, વર્તુ-1, ગઢકી, વર્તુ-2, સોનમતી, વેરાડી-1, સીધંણી, કાબરકા, વેરાડી-2 અને મીણસાર, સુરેન્દ્રનગર જિલ્લાનો ત્રિવેણીઠાંગા, પોરબંદર જિલ્લાનો સોરઠી અને અમરેલી જિલ્લાનો શાકરેલી ડેમ સતત ઓવરફ્લો થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.