Abtak Media Google News

ભારતના 135 થર્મલ પાવર પ્લાન્ટમાંથી 72 પ્લાન્ટમાં કોલસાનો જથ્થો ખુટવાને આરે: મર્યાદિત જથ્થામાં રહેલા કુદરતી સંસાધનોને બચાવી બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો પર ભાર મૂકવો સમગ્ર માનવજીવન માટે અનિવાર્ય

પેટ્રોલિયમ પેદાશો, કોલસો, કુદરતી વાયુ જેવા ખનીજો એટલે કે આ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત મર્યાદિત જથ્થામાં છે. માનવજીવનની સરળતા અને સુગમતા માટે અતિ જરૂરી એવા આ સ્ત્રોત હવે લુપ્ત થવાને આરે છે. પેટ્રોલિયમ પેદાશો, કોલસો અન્ય ખનિજ ધાતુઓ કે જેને પૃથ્વીના પેટાળમાં બનતા લાખો નહીં પરંતુ કરોડો-અરબો વર્ષ લાગી જાય છે. કુદરતી પ્રક્રિયા દ્વારા સર્જન પામતા આ તત્વો હવે ખૂટી રહ્યા છે.

માનવીની જરૂરિયાત અને એ મુજબ વપરાશ વધતા અતિકિંમતી આ સ્ત્રોત ખતમ થઈ રહ્યા છે અને મોટા ખતરા તરફ લાલબત્તી સમાન એક મોટા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે કે ભારતના 72 થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસો ખૂટી જવાને આરે છે. આ 72 સ્ટેશનો પાસે માત્ર ત્રણ દિવસની જરૂરિયાતનો જ કોલસો ઉપલબ્ધ છે. જે રીતે ચીનમાં વીજ કટોકટી ઊભી થઈ હતી તે રીતે ભારતમાં પણ વીજ કટોકટીની ભીતિ તોળાઇ રહી છે. કોલસાનો ‘પાવર’ ઘટતા મોટો ખતરો ઉભો થયો છે.

આવા સમયે આવા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત પર નિર્ભરતા ઓછી કરી સૌર ઊર્જા, પવન ઊર્જા, દરિયાઈ ઉર્જા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરફ વળવાની ખૂબ જરૂર છે. ઉલ્લેખનીય છે કે વીજળી કોલસો, પાણી, દરિયાઈ પાણી અને સૂર્ય વગેરેમાંથી મેળવાય જ છે પરંતુ ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં વિજળી પ્રાપ્ત કરવાનું મુખ્ય માધ્યમ હાલ કોલસો જ છે. આથી આ કુદરતી સંસાધનનો મર્યાદિત જથ્થો હવે ખૂટવાને આરે છે જેના ગંભીર પરિણામો જાણી તત્કાલીન આપણે જાગૃત બની બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત પર ભાર મૂકવો અનિવાર્ય બની ગયો છે.

પાવરનો ‘પાવર’ અદાણી નક્કી કરશે; 4 વર્ષમાં સૌર ઉર્જાનું ઉત્પાદન 3 ગણું વધારવા સજજ

ચીનની જેમ ભારત દેશમાં વીજ કટોકટીની સંભાવના છે. કેન્દ્રીય ઊર્જા મંત્રાલય અને અન્ય એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા કોલસાની ઉપલબ્ધતાના ડેટાનું મૂલ્યાંકન કર્યા બાદ નિષ્ણાતોએ આ ચેતવણી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં 135 થર્મલ પાવર પ્લાન્ટમાંથી 72 પાસે વીજળી પેદા કરવા માટે માત્ર ત્રણ દિવસનો કોલસો બચ્યો છે. આ પ્લાન્ટ કુલ વીજ વપરાશના 66.35 ટકા પેદા કરે છે. આ સંદર્ભમાં, 72 પ્લાન્ટ બંધ હોવાથી કુલ વપરાશમાં 33 ટકાનો ઘટાડો થઈ શકે છે.

સરકારના જણાવ્યા અનુસાર, કોરોના પહેલા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2019 માં દેશમાં 10,660 કરોડ યુનિટ વીજળીનો દૈનિક વપરાશ હતો, જે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021માં વધીને 12,420 કરોડ યુનિટ થઈ ગયો છે. તે સમય દરમિયાન, કુલ વપરાશના 61.91 ટકા થર્મલ પાવર પ્લાન્ટમાં ઉત્પન્ન થઈ રહ્યા હતા. આ કારણે, આ પ્લાન્ટમાં કોલસાનો વપરાશ પણ બે વર્ષમાં 18% વધ્યો છે.

આ ઉપરાંત આયાતી કોલસો ત્રણ ગણો વધુ મોંઘો થયો છે. છેલ્લાં બે વર્ષમાં ઇન્ડોનેશિયામાંથી આયાત કરેલા કોલસાની કિંમત 60 ડોલર પ્રતિ ટનથી ત્રણ ગણી વધીને $ 200 થઈ ગઈ છે. તેના કારણે 2019-20થી જ આયાત ઘટી રહી છે. પરંતુ પછી તે સ્થાનિક ઉત્પાદન દ્વારા પૂર્ણ કરાયું પણ હાલ 72 થર્મલ પાવર સ્ટેશનમાં કોલસાની ખામી દેશમાં મોટી વીજ કટોકટી ઉભી કરે તો નવાઈ નહિ.!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.