Abtak Media Google News

ગીરનાર પર્વત પર તાપમાન 4.3 ડિગ્રી: નલીયામાં પારો ઉંચકાયો: જૂનાગઢ 9.3 ડિગ્રી, રાજકોટ 10 ડિગ્રી, પોરબંદર 11.6 ડિગ્રી સાથે ઠંડાગાર

ચાલુ સાલ શિયાળાની સિઝનનો આજે સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. કાતીલ ઠંડીએ સૌરાષ્ટ્ર-કચ્છે પોતાની આગોશમાં લઇ લીધું છે. નલીયામાં આજે લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો હતો. જ્યારે રાજ્યના બાકીના તમામ શહેરોમાં ઠંડીનું જોર વધ્યું છે. ગીરનાર પર્વત પર આજે લઘુત્તમ તાપમાન 4.3 ડિગ્રીએ પહોંચી જતા ગીરનાર જાણે હિમાલય બની ગયો હોય તેવી અનુભવી ભાવિકોને થતી હતી. રાજકોટમાં પણ આજે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. જે ચાલુ સાલ શિયાળાની સિઝનનું સૌથી નીચું તાપમાન છે. આગામી ત્રણ થી ચાર દિવસ હજી કોલ્ડવેવનો પ્રકોપ યથાવત રહેશે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આજે રાજકોટ શહેરનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. જે ચાલુ સાલ શિયાળાની સિઝનનું સૌથી નીચું તાપમાન છે. ગઇકાલની સરખામણીએ આજે તાપમાન એકાદ ડિગ્રી નીચું પટકાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61 ટકા અને પવનની સરેરાશ ઝડપ 8 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. સવારે 8:30 કલાકે તાપમાન 12.4 ડિગ્રી નોંધાયુ હતું. જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી નોંધાયુ હતું.જૂનાગઢ શહેર કરતા ગીરનાર પર્વત પર તાપમાન પાંચ ડિગ્રી સુધી નીચું રહેતું હોય છે.

આજે ગીરનાર જાણે હિમાલય બની ગયો હોય તેમ લઘુત્તમ તાપમાન 4.3 ડિગ્રીએ પહોંચી જવા પામ્યુ હતું. ભાવિકો રિતસર ઠુંઠવાય ગયા હતા. આ ઉપરાંત અમદાવાદ શહેરનું તાપમાન 12.9 ડિગ્રી, બરોડાનું તાપમાન 15 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 13.7 ડિગ્રી, ભૂજનું તાપમાન 10 ડિગ્રી, દમણનું તાપમાન 16.2 ડિગ્રી, ડિસાનું તાપમાન 10.4 ડિગ્રી, દીવનું તાપમાન 15.4 ડિગ્રી, જૂનાગઢનું તાપમાન 9.3 ડિગ્રી, કંડલાનું તાપમાન 13.3 ડિગ્રી, નલીયાનું તાપમાન 8.1 ડિગ્રી, ઓખાનું તાપમાન 19.7 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 11.6 ડિગ્રી, રાજકોટનું તાપમાન 10 ડિગ્રી, સુરતનું તાપમાન 14.6 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 15.1 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું.

રાજ્યમાં આગામી ત્રણ થી ચાર દિવસ હજી કોલ્ડવેવનો પ્રકોપ યથાવત રહેશે. એકાદ-બે દિવસમાં રાજકોટ સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચી જાય તેવી પણ સંભાવના હાલ જણાય રહી છે. ઠંડીનું જોર વધતા ગરમ કપડાની ખરીદીમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે. મોર્નીંગ વોકમાં નિકળનારાઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. સ્વિમીંગ પુલ પર સવારની શિફ્ટમાં કાગડા ઉડી રહ્યા છે. શાળાઓના સમય પણ મોડા કરી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.