Abtak Media Google News

ઓસમ ડુંગર અને ઈશ્ર્વરીયા પાર્કને એડવેન્ચર સ્પોર્ટ્સ સાથે વધુ વિકસાવવામાં આવશે

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જસદણમાં આવેલા ઐતિહાસિક ઘેલા સોમનાથ મંદિરનો સર્વાંગી વિકાસ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓસમ ડુંગર પર એડવેન્ચર સ્પોર્ટસ સાથે વિવિધતા સુવિધાઓ વિકસાવવા વિષે ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં જસદણના પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલએ ઘેલા સોમનાથ મંદિરમાં તેમજ પરિસરમાં જરૂરી રીપેરિંગ, નવું પેવિંગ, પ્રદક્ષિણા પથ તૈયાર કરવા, ધજા ચઢાવી શકાય તેવી વ્યવસ્થા, લાઇટ એન્ડ સાઉન્ડ શો, યજ્ઞશાળાનો વિકાસ, મંદિર પાસેના ત્રિવેણી ઘાટ તેમજ ગૌશાળાનો વિકાસ, ઘેલો નદી ખાતે પિતૃઓની તર્પણ સહિતની વિધિ થઈ શકે તે માટે સ્નાનઘાટ તૈયાર કરવા, વેબસાઈટને અદ્યતન બનાવવા સહિતના વિકાસકામો અંગે અહેવાલ રજૂ કર્યો હતો.

જિલ્લા કલેક્ટરએ ઓસમ ડુંગર અને ઈશ્વરીયા પાર્કને એડવેન્ચર સ્પોર્ટ્સ અને અદ્યતન સુવિધાઓ સાથે વિકાસ કરવા પર ભાર મૂક્યો હતો. ઉપરાંત સણોસરાના દરબાર ગઢ તેમજ કોટડાસાંગાણીના સ્વામિનારાયણ મંદિરના કાર્ય અંગે તેમજ ગોંડલમાં આવેલી શેમળી નદી ખાતે રિવરફ્રન્ટ, ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓના પ્રવાસન વિકાસ વગેરે વિશે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.   આ બેઠકમાં  નિવાસી અધિક કલેક્ટર  કેતન ઠક્કર, જિલ્લા આયોજન અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, ભારતીય પુરાતત્વ વિભાગ, પ્રવાસન વિભાગ સહિતના સંબંધિત વિભાગના રાજકોટના પ્રાંત અધિકારી  સંદીપ વર્મા, ધોરાજીના પ્રાંત અધિકારી જે એન લીખીયા વગેરે અધિકારીઓ- કર્મચારીઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.