Abtak Media Google News

કોરોનાના કાઉન્સેલિંગ સેન્ટરનો સ્ટાફ ૨૫૦૦થી વધુ આરોગ્ય કર્મચારીઓને ફોન કરીને જિલ્લા કલેકટર વતી આભાર પ્રગટ કરશે

રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસ સામે લડવા આરોગ્ય કર્મચારીઓની ફોજ દિવસ રાત પોતાના જાનના જોખમે કામગીરી કરી રહી છે. ત્યારે આ કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડવા જિલ્લા કલેકટર રેમ્યા મોહને ખાસ થેન્ક યુ અભિયાન શરૂ કર્યું છે. જેમાં કોરોના કાઉન્સેલિંગ સેન્ટરનો સ્ટાફ દરેક આરોગ્ય કર્મચારીઓને ફોન કરીને તેઓનો કલેકટર આભાર પ્રગટ કરશે.

Remya

જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ તમામ સરકારી વિભાગો કોરોનાને નાથવા કાર્યરત છે. જેમાં મહત્વનો ફાળો આરોગ્ય કર્મચારીઓનો છે. તેઓ પોતાના જાનના જોખમે હાલ દર્દીઓની સેવા કરી રહ્યા છે. ત્યારે આ તમામ આરોગ્ય કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જિલ્લા કલેકટરની સૂચના મુજબ કોરોનાના કાઉન્સેલિંગ સેન્ટર સ્ટાફ દ્વારા તમામ આરોગ્ય કર્મચારીઓનો ફોન કરીને આભાર માનવામાં આવશે. જેમાં એમપીએચડબ્લ્યુના ૩૫૪, એફએચડબ્લ્યુના ૩૮૩, આરબીએસકેના ૫૮, યુએચસીના ૯, નર્સ ૨૦૯, આયુષ ૧૩૩ તેમજ આશા વર્કરોના ૧૩૬૫ આરોગ્ય કર્મચારીઓનો કલેકટર વતી આભાર પ્રગટ કરવામાં આવશે.

વધુમાં કાઉન્સેલિંગ સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહેલા થેન્ક યુ અભિયાનનું સુકાન મહિલા બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલ, મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસન અને મનોવૈજ્ઞાનિક ડો. મુકેશ પટેલ સંભાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કાઉન્સેલિંગ સેન્ટર દ્વારા તમામ આરોગ્ય કર્મચારીઓને એવું પણ કહેવામાં આવશે કે તેઓને જો માનસિક ચિંતા કે હતાશા  જેવું લાગે કંટાળી જાવ તો કાઉન્સેલિંગ સેન્ટરનો સંપર્ક કરવો.

કાઉન્સેલિંગ સેન્ટરમાં વિચિત્ર ફરિયાદોનો પણ ધોધ વરસ્યો

સાહેબ… મારા પતિથી કંટાળી ગઈ છું, તે કોરોનાના ડરથી બારી બારણા પણ ખોલવા દેતા નથી

કોરોના સામેની લડતમાં લોકોને માનસિક રીતે મદદરૂપ થવા જિલ્લા કલેકટર કચેરી ખાતે કાઉન્સેલિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેમાં મનોચિકિત્સકો દ્વારા લોકોનું ફોન ઉપર કાઉન્સેલિંગ કરવામાં આવે છે. અહીં દરરોજ વિચિત્ર ફરિયાદો મળે છે. જેમાં એક મહિલાએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેઓના પતિથી તેઓ કંટાળી ગયા છે. તે કોરોનાના ડરથી ઘરના બારી કે બારણા પણ ખોલવા દેતા નથી. ઉપરાંત તેઓ બહારથી દૂધ કે કરિયાણું જેવી વસ્તુ પણ લેવા દેતા ન હોય જેથી ઘરમાં ત્રણ દિવસથી તો ચા પણ બન્યો નથી. જો કે કાઉન્સેલિંગ સેન્ટરના સ્ટાફે આ પ્રશ્નનું આગવી કુનેહથી નિરાકરણ કરી આપ્યું હતું. એક પ્રશ્ન એવો પણ હતો કે એક ભાઈ દરરોજ રડ્યા કરતા અને કોરોના દુનિયાને તબાહ કરી નાખશે તેવું રટણ કર્યા કરતા હતા. આ વ્યક્તિનું પણ સફળ રીતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.