Abtak Media Google News

વિદ્યાર્થીઓ ચિંતા વગર પરીક્ષા આપે: કુલપતિ ડો.દેસાણી

અમદાવાદની સિમ્સમાં દાખલ થયેલા ડો.પ્રજાપતિ પણ પરીક્ષા આપે છે: તમામ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓનું થર્મલ સ્ક્રીનીંગ: સામાજીક અંતર સાથે માસ્ક પહેરવું ફરજીયાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મેડિકલ પેરામેડિકલ પરીક્ષાનો આજથી ૧૧ કેન્દ્રો પર પ્રારંભ થયો છે. સામાજીક અંતર રાખી થર્મલ ગનથી ચેક કરી અને માસ્ક પહેરીને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓને ચિંતા વગર પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મેડીકલ-પેરામેડીકલની પરીક્ષાઓ આજથી ૧૧ કેન્દ્રો પર સફળતા પૂર્વક શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી એ આજરોજ રાજકોટની પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કોઈ ચિંતા કર્યા વગર ઉત્સાહભેર પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો. પરીક્ષા કેન્દ્રની મુલાકાત સમયે પી.ડી.યુ. મેડીકલ કોલેજના ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી શરુ થયેલ પરીક્ષાઓમાં સુચારુ સંચાલન અને આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર મેળવનાર વિદ્યાર્થી ડો. કેતન પ્રજાપતિએ આજે સુરેન્દ્રનગર ખાતે એમ.ડી.ની પરીક્ષા આપી હતી. કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી એ ડો. કેતન પ્રજાપતિને ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવી હતી. આજની પરીક્ષામાં તમામ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેકીંગ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને માસ્ક ફરજીયાત તથા સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવામાં આવ્યું હતું.

પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હોમીયોપેથીક દવાઓ તમામ પરીક્ષા કેન્દ્રો પર આપવામાં આવી હતી. આજથી શરુ થયેલ પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો ડો. ભાવીનભાઈ કોઠારી, ડો. અનિરૂધ્ધસિંહ પઢીયાર, ડો. વિમલભાઈ પરમાર તથા ભરતભાઈ વેકરીયાએ તમામ કેન્દ્રો પર રૂબરૂ મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.