Abtak Media Google News

વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા આ મામલે
એકબીજાને ખો આપતા ખુદ પોલીસ આગળ આવી

જામનગરની એરપોર્ટ નજીક આવેલી સ્વામીનારાયણ કોવીડ હોસ્પિટલમાં સામે આવેલ રેમડેસિવિર ઇન્જેક્શનમાં ગોલમાલએ લઈને આખરે પોલીસ જ ફરિયાદી બની છે. ત્રણ દિવસ પૂર્વે હોસ્પિટલમાંથી મળી આવેલ 22 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શનનો સ્ટોક રજીસ્ટરમાં ઉલ્લેખ નહીં મળતા ગોલમાલ સામે આવી હતી. વહીવટી તંત્ર અને જામનગર મહાનગરપાલિકા એકબીજા પર ખો દઈ હોસ્પિટલ તંત્રને બચાવવામાં પડ્યું રહેતા આખરે પોલીસે જાતે જ ફરિયાદી બની સ્વામીનારાયણ હોસ્પિટલમાં ડો કારિયા અને તપાસમાં જે ખુલે તે તેની સામે વિધિવત ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.

સમગ્ર જામનગર જિલ્લામાં બહુ ગાજેલા સ્વામીનારાયણ હોસ્પિટલમાંથી સામે આવેલ રેમડેસિવિર ઇન્જેક્શનમાં ગોલમાલને લઈને વાતાવરણ ગરમાયું હતું.

આ પ્રકરણમાં રાજકારણ આવી જતા સમગ્ર મામલો રફેદફે થઇ ગયો હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. આવા સમયે રાજ્ય સરકારના કૃષિ મંત્રી આરસી ફળદુએ પણ મીડિયા સામે ઉડાઉ જવાબ આપતા ચર્ચાઓને વેગ મળ્યો હતો. વહીવટી તંત્ર અને મહાનગર પાલિકા આ સમગ્ર પ્રકરણ બાબતે એકબીજાને ખો આપતા જ રહ્યા, આવા વાતાવરણ વચ્ચે આજે ખુદ પોલીસ આગળ આવી છે, ડીવાયએસપી કૃણાલ દેસાઈની આગેવાની નીચે પંચકોશી બી ડીવીજન પોલીસે ખુદ ફરિયાદ બની આ પ્રકરણમાં ફોજદારી નોંધી છે.

આ સમગ્ર પ્રકરણમાં સ્વામીનારાયણ હોસ્પીટલના ડોક્ટર કે ડી કારિયાએ વહીવટી તંત્ર સમક્ષ મુકેલ ઇન્ડેન્ટમાં દર્દીઓની ખોટી માહિતી ભરી ઇન્જેક્શન મેળવી લીધા હોવાનું જે તે સમયે જ સામે આવ્યું હતું. જેને લઈને પંચકોશી બી ડીવીજન પોલીસે ડો કારીયા અને તપાસમાં જે ખુલે તે આરોપી સામે આવશ્યક ચીજ વસ્તુ ધારા અને આઈપીસી કલમ 177, ધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ સહિતની કોરોના જાહેરનામા સબંધિત કલમો મુજબ ફરિયાદ નોંધી છે. આ પ્રકરણની તપાસ પંચકોશી બી ડીવીજન પીએસઆઈ કાટેલિયા કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.