Abtak Media Google News

કચ્છ બેઠક માટે નરેશ મહેશ્વરી અને નવસારી બેઠક માટે ધર્મેશ પટેલના નામની જાહેરાત

ગુજરાતની લોકસભા ૨૬ બેઠકો માટે આગામી ૨૩મી એપ્રિલના રોજ ત્રીજા તબકકામાં યોજાનારા મતદાન માટે આવતીકાલે ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થવાનું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ હજુ સુધી રાજયની ૨૬ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકી નથી. કોંગ્રેસે અગાઉ ૪ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા બાદ ગઈકાલે વધુ ૨ બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. રાજયની બાકીની ૨૦ બેઠકો માટે કોંગ્રેસ કાલે ઉમેદવારોના નામની વિધિવત ઘોષણા કરી દેશે જયારે ભાજપ આજે સાંજ સુધીમાં બાકીની ૧૦ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરે તેવી સંભાવના જણાઈ રહી છે.

કોંગ્રેસે અગાઉ ગુજરાત લોકસભાની ૪ બેઠક માટે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધા બાદ ગઈકાલે કચ્છ લોકસભા બેઠક માટે નરેશભાઈ મહેશ્વરી અને નવસારી લોકસભા બેઠક માટે ધર્મેશભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સીઈસીની બેઠક મળનાર છે. આ બેઠકમાં ગુજરાતની બાકી ૨૦ બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે. બેઠક બાદ ઉમેદવારોના નામની સતાવાર ઘોષણા કરી દેવાશે.

કોંગ્રેસ દ્વારા રાજયની ૧૨ બેઠકો માટે ૨ થી ૩ નામોની પેનલ પણ બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પેનલમાં સમાવિષ્ટ નામમાંથી કોઈની પસંદગી કરવામાં આવે તેવી શકયતા વ્યકત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.