Abtak Media Google News

નવલનગર શેરી નં.૯ વિસ્તારની વોર્ડ બાઉન્ટ્રી નકકી ન થતા છેલ્લા બે વર્ષથી ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને પેવીંગ બ્લોક સહિતના કામો રઝળતા હતા: કોંગી કોર્પોરેટરોએ લાલ આંખ કરતા અંતે સિટી એન્જિનિયરે કબુલ્યુ કે વિસ્તાર વોર્ડ નં.૧૩માં આવે છે: ભારે હોબાળો

માત્ર વોર્ડ બાઉન્ટ્રી નકકી ન થવાના કારણે છેલ્લા બે વર્ષથી પ્રજાના પ્રશ્ર્નનો ઉલાળિયો કરતા અધિકારીઓને આજે વોર્ડ નં.૧૨ અને વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટરોએ નવલનગર શેરી નં.૯માં સાર્વજનિક બગીચામાં આવેલા એક હનુમાનજીના મંદિરમાં બે કલાક સુધી પુરી દેતા ભારે હોબાળો સર્જાયો હતો. કોંગી કોર્પોરેટરના ચમત્કારને અંતે સીટી એન્જીનીયરે નમસ્કાર કર્યા હતા અને નવલનગર વિસ્તાર વોર્ડ નં.૧૩માં આવતો હોવાની કબુલાત કરી ટુંક સમયમાં પડતર પ્રશ્ર્નોનો નિકાલ કરવાની બાંહેધરી આપી હતી.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ નવલનગર શેરી નં.૯ વિસ્તાર વોર્ડ નં.૧૨માં આવે છે કે વોર્ડ નં.૧૩માં ? તે છેલ્લા બે વર્ષથી મહાપાલિકાના અધિકારીઓ નકકી કરી શકતા ન હતા. જેના કારણે આ વિસ્તારમાં ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને પેવીંગ બ્લોક સહિતના કામો અટકેલા છે. છેલ્લા ઘણા દિવસથી અહીં ડ્રેનેજ ઉભરાઈ રહી છે અને ડ્રેનેજના પાણી વોર્ડ નં.૧૨ના કોંગી કોર્પોરેટર વિજય વાંકના ઘરમાં ઘુસવા લાગ્યા છે. વોર્ડની બાઉન્ટ્રી નકકી ન થતા આજે કોંગી કોર્પોરેટરોએ આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો.

વોર્ડ નં.૧૨ના કોંગી કોર્પોરેટર વિજય વાંક, સંજય અજુડીયા અને વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને નીતિનભાઈ રામાણી સહિતના કોંગી અગ્રણીઓએ સવારે આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપતા વોર્ડ નં.૧૩ના ડેપ્યુટી ઈજનેર એચ.પી.વસાવા અને વોર્ડ નં.૧૨ના ડે.ઈજનેર ડાભી ઉપરાંત ડ્રેનેજ શાખા, બાંધકામ શાખા અને રોશની શાખાના અધિકારીઓને નવલનગર શેરી નં.૯માં આવેલા સાર્વજનિક બગીચામાં હનુમાનજીના મંદિરમાં પુરી દીધા હતા અને બહારથી તાળું મારી દીધું હતું. આટલું જ નહીં આ વિસ્તારમાં ટીપર વાન પણ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે અનિયમિત આવતી હોવાની વ્યાપક ફરિયાદો હોય. ટીપર વાનને પણ અટકાવી દેવામાં આવી હતી.

ઘટનાએ ઉગ્ર રૂપ ધારણ કરી લેતા સેન્ટ્રલ ઝોન કચેરીના સીટી ઈજનેર મહેન્દ્રસિંહ કામલીયા અને વેસ્ટ ઝોનના સીટી ઈજનેર ભાવેશ જોષી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. કોંગ્રેસના ચમત્કારનો ઉચ્ચ અધિકારીઓએ નમસ્કાર કર્યા હતા અને બે વર્ષ બાદ એવી કબુલાત કરી હતી કે, નવલનગર શેરી નં.૯ વિસ્તાર ખરેખર વોર્ડ નં.૧૩માં જ આવે છે અને અહીં ટુંક સમયમાં પડતર પ્રશ્ર્નનો નિકાલ કરી દેવામાં આવશે. વોર્ડ નં.૧૨ના કોંગી કોર્પોરેટર વિજયભાઈ વાંક અને વોર્ડ નં.૧૩ના કોંગી અગ્રણી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી વોર્ડની બાઉન્ટ્રી નકકી ન થતા બંને વોર્ડના કોન્ટ્રાકટરો નવલનગર વિસ્તારમાં કોઈ કામ કરતા નથી અને સ્થાનિક લતાવાસીઓએ ભારે હાલાકી ભોગવવી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.