Abtak Media Google News
  • જૂની પેન્શન યોજના સરકારી કર્મચારીઓનો અધિકાર, અમે તેને લાગુ કરીશું: રાહુલ ગાંધીનું વચન
  • કોંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢમાં જૂની પેન્શન યોજના લાગુ કરી તેનો ગુજરાતમાં પ્રચાર કર્યો શરૂ

સરકારી કર્મીઓના પરિવારોની વોટબેંક કબ્જે કરવા કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. જે માટે કોંગ્રેસે રાજસ્થાન અને છતીસગઢમાં જૂની પેન્શન યોજના લાગુ કરી તેનો ગુજરાતમાં પ્રચાર  શરૂ કર્યો છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ  આ સ્કીમ લાગુ કરવાનું વચન પણ જાહેર કર્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેન્શન સિસ્ટમ પુન:સ્થાપિત કરવા માટે મોટી જાહેરાત કરી છે અને ભાજપ પર પણ નિશાન સાધ્યું છે.  ટ્વીટમાં કટાક્ષ કરતા રાહુલે કહ્યું, ’જૂનું પેન્શન ખતમ કરીને ભાજપે નિવૃતોને આત્મનિર્ભર બનાવ્યા છે.  જૂનું પેન્શન એ સરકારી કર્મચારીઓનો અધિકાર છે જે દેશને મજબૂત બનાવે છે.  અમે રાજસ્થાન, છત્તીસગઢમાં જૂનું પેન્શન પુન:સ્થાપિત કર્યું છે. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર આવશે તો જૂનું પેન્શન લાવશે.

આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મોંઘા દિવસો સાથે સંબંધ તોડો, સારા દિવસોની બયાનબાજી છોડો.  સાચા દિવસોના પાના ઉમેરો.  ભારત જોડો, ભારત ઉમેરો.’ ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી હાલ કોંગ્રેસની ભારત જોડો યાત્રાના કારણે ચર્ચામાં છે.  તેમની આ મુલાકાતમાં ઘણી ભીડ જોવા મળી રહી છે.

બીજી તરફ  જેમ જેમ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીની અંદર ફરી એકવાર રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માંગ તેજ થઈ ગઈ છે.  આ જ ક્રમમાં, સોમવારે પણ સાત રાજ્ય કોંગ્રેસ સમિતિઓ સહિત પક્ષના આઠ સ્થાનિક એકમોએ રાહુલ ગાંધીના સમર્થનમાં ઠરાવ પસાર કર્યા.

અશોક ગહેલોત દિલ્હી પહોંચ્યા, અધ્યક્ષપદની ચૂંટણી બાબતે સોનિયાને મળે તેવી શકયતા

કોંગ્રેસ અધ્યક્ષ પદના દાવેદાર મનાતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સંગઠનની ચૂંટણી લડવાના સંકેતો આપ્યા છે.  તેણે કહ્યું, કે તેઓ ચૂંટણી લડવા માટે રાહુલ ગાંધીને મનાવવાની કરશે. જો તેઓ સંમત નહીં થાય તો તેઓ હાઈકમાન્ડનો આદેશ સ્વીકારશે. મુખ્યમંત્રી અશોક ગેહલોત બુધવારે એટલે કે આજે દિલ્હીમાં હશે.  ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળે તેવી શક્યતા છે. આ પહેલા મંગળવારે મોડી રાત્રે સીએમ ગેહલોતે તેમના સત્તાવાર નિવાસસ્થાને કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.  બેઠકમાં, તેમણે ધારાસભ્યોને કહ્યું કે જો તેઓ પાર્ટી અધ્યક્ષ પદ માટે નામાંકન ભરવાનું નક્કી કરશે તો તેમને નવી દિલ્હી આવવા માટે કહેવામાં આવશે.  પરંતુ તેઓ પહેલા કોચી જશે અને કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માટે મનાવવાનો પ્રયાસ કરશે.

કોંગ્રેસના અધ્યક્ષપદની જવાબદારી મળશે તો પણ ગહેલોત રાજસ્થાનની ગાદી નહિ છોડે

કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત  પોતાના રાજ્યનો મોહ છોડી શક્યા નથી.  તેમણે રાજ્ય અને પાર્ટી બંનેની કમાન એક સાથે સંભાળવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.  જો કે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

 ગેહલોત રાજસ્થાન છોડવા માંગતા નથી

રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે માહિતી આપી કે ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજસ્થાન છોડી રહ્યા નથી.  તેમણે એમ પણ કહ્યું કે તેમની ઉમેદવારી અંગે સીએમ અને અન્ય નેતાઓ નિર્ણય લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.