Abtak Media Google News

કોંગ્રેસમાં અંદરખાને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂના નામની પણ ચાલતી ચર્ચા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના ઉમેદવારી ફોર્મ ભરવાના આડે હવે બે દિવસનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે આજ સાંજ સુધીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજા નામની યાદી જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાઇ રહી છે. કોંગ્રેસે રાજકોટની બે બેઠકો માટે અગાઉ ઉમેદવારોના નામ ઘોષિત કરી દીધા છે. જેમાં રાજકોટ દક્ષિણ બેઠક પરથી હિતેશ વોરા અને રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી સુરેશ બથવારને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ પૂર્વ બેઠક પરથી ભાજપે ઓબીસી સમાજમાંથી આવતા ઉદયભાઇ કાનગડને ટિકિટ આપી છે.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ પાટીદાર સમાજમાંથી આવતા રાહુલ ભૂવાને ટિકિટ આપી હોય ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ પણ રાજકોટ પૂર્વ બેઠક પરથી ઓબીસી સમાજના અશોકભાઇ ડાંગરને ટિકિટ આપે તેવું હાલ મનાઇ રહ્યું છે. જો આવું થશે તો આ બેઠક પર રાજકોટના બે પૂર્વ મેયર અને આહિર સમાજના બે માંધાતાઓ વચ્ચે જંગ જામશે. રાજકોટ પશ્ર્ચિમ બેઠક પર હાલ મનસુખભાઇ કાલરિયાનું નામ પણ ચર્ચામાં છે. જો કોંગ્રેસ ઉજળીયાત વર્ગને સાચવી લેવા માટે સમીકરણ ગોઠવશે તો અતુલ રાજાણીને પણ ટિકિટ આપવામાં આવી શકે છે. તાજેતરમાં આપનો સાથ છોડી ફરી કોંગ્રેસમાં પ્રવેશ મેળવનાર ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરૂનું નામ પણ અંદરખાને કોંગ્રેસમાં ચર્ચાઇ રહ્યું છે. જો કે તેઓને કોંગ્રેસ ટિકિટ આપે તેવી કોઇ જ શક્યતા જણાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.