Abtak Media Google News

175 તાલુકાઓમાં જય ભારત સત્યાગ્રહ યોજાયા બાદ કોંગ્રેસ આંદોલનને વધુ વેગવાન બનાવશે

સુરતમાં થયેલા માનહાની કેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સાંસદપત્ર રદ્ થયું છે. જેના વિરોધમાં ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના 175 તાલુકાઓમાં જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ યોજાયા હતા. દરમિયાન હવે આગામી 30મી એપ્રિલ સુધીમાં રાજ્યના 26 જિલ્લામાં જય ભારત સત્યાગ્રહ યોજાશે. જેમાં રાહુલ ગાંધી પણ ઉ5સ્થિત રહે તેવી સંભાવના જણાય રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, 35 વર્ષમાં સૌથી ઉંચો મોંઘવારી દર અને 45 વર્ષનો સૌથી ઉંચો બેરોજગારી દર ભાજપ સરકારમાં જોવા મળી રહ્યો છે. દેશના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના પરિવારોને જીવન જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. મોદી સરકારની નિતિઓને લીધે અસમાનતામાં સતત વધારો થતો જાય છે. 45 વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારી દર માંથી ભારત દેશ પસાર થઈ રહ્યું છે. મોંઘવારી-બેરોજગારી કુદકે-ભૂસકે વધી રહી છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ બેકાબૂ બની રહ્યાં છે. કોંગ્રેસ પક્ષના શાસનમાં રૂ. 410નો ગેસ સીલીન્ડર આજે કેન્દ્રની ભાજપ સરકારમાં રૂ. 1100 ને પાર કરી ગયો છે.

દેશના યુવાનોને દર વર્ષે બે કરોડ રોજગારીનો વાયદો કરનાર મોદી સરકારે 9 વર્ષમાં 18 કરોડ રોજગાર આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. બીજીબાજુ દેશના યુવાનોના હાથમાંથી 10 કરોડ થી વધુ રોજગાર છીનવી લીધા છે. રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે, જનતાની આવક સતત ઘટતી જાય છે. બીજીબાજુ બેકાબૂ મોંઘવારીને લીધે ખર્ચમાં સતત વધારો થવાથી આર્થિક હાડમારીમાં લાખો પરિવારો માટે જીવન જીવવુ મુશ્કેલ બની રહ્યું છે.

ગૃહમંત્રાલય, ઇડી, સીબીઆઇ, ઇન્કમટેક્સ, ચૂંટણી પંચ સહિત તમામ એજન્સીઓનો દૂરપયોગ કરી ભાજપે લોકતંત્ર ખતમ કરી નાંખ્યું છે. અદાણી અને મોદી સરકાર વિરૃધ્ધના ગંભીર આક્ષેપો અને વિપક્ષની ઉગ્ર માંગ છતાં સરકાર કેમ આ મામલે જેપીસી ગઠન કરતી નથી ? તપાસ સોંપતી નથી ? કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો ઉઠાવી રહી છે તો પણ ઉલ્ટાનું ચોર કોટવાળને દંડે એ રીતે ભાજપ અને મોદી સરકાર ખોટા નિવેદનો અને ભ્રામક જાહેરાતો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

લોકશાહી બચાવો, દેશ બચાવોનાં નારા સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ‘જય ભારત સત્યાગ્રહ’  અન્વયે ગુજરાતના 175 તાલુકામાં કાર્યક્રમ યોજાયા હતા. તા. 15મી એપ્રિલથી જિલ્લા સ્તરીય શરૂ કરવામાં આવેલ ’જય ભારત સત્યાગ્રહ’ આગામી 30 એપ્રિલ સુધીમાં 26 જિલ્લામાં યોજાશે. જેમાં પ્રદેશના વરિષ્ઠ આગેવાનો – ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની બાબત લોકશાહીનાં હનનનાં મજબૂત સંકેત છે.  લોકતંત્ર અને કાયદો અને વ્યવસ્થાની ભાજપે ધજ્જિયાં ઉડાવી દીધી છે.

લોકતંત્રની હત્યા કરી નાંખી છે. બેરોજગારી, મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ પર વિપક્ષ બોલે કે કોઇ અવાજ ઉઠાવે તો તેને જેલમાં બંધ કરાય છે પરંતુ કોંગ્રેસ જનતાના હક્ક અને અધિકાર માટે સતત લડાઈ લડતો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.