Abtak Media Google News

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ નવા પ્રભારીને આવકાર્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારના કારણે ડો. રઘુ શર્માએ પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું હતુ. દરમિયાન આઠ મહિનાના લાંબા અંતરાલ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના પ્રભારી તરીકે રાજયસભાના સાંસદ  મુકુલ વાસનિકની   નિયુકતી કરવામાં આવી છે.

27 સપ્ટેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના બૌદ્ધ પરિવારમાં જન્મેલા મુકુલ વાસનિકના પિતાનું નામ બાલકૃષ્ણ વાસનિક છે અને તેઓ માત્ર 28 વર્ષની ઉંમરે બુલઢાણાની સીટ પરથી લોકસભા ચૂંટણી લડીને સાંસદ બન્યાં હતાં. પિતાના પગલે ચાલીને મુકુલ વાસનિક પણ રાજનીતિમાં આવ્યા હતા અને પિતાની જ પરંપરાગત બેઠક પરથી ત્રણવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને એનએસયુઆઈ સાથે જોડાઈને રાજકીય કરિયર શરૂ કરી હતી.

મુકુલ વાસનિક સૌથી નાની વયે સાંસદ બનનાર નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બનવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા  મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2009થી 2014 સુધી તેમણે મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પણ છે.

વર્ષ 2022માં તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.વાસનિકનો જન્મ એક બૌદ્ધ પરિવારમાં થયો છે અને તેઓ પીઢ કોંગ્રેસી નેતા અને ત્રણવારના સાંસદ બાલકૃષ્ણ વાસનિકના પુત્ર છે. અગાઉ તેમણે ત્રણવાર બુલઢાણા લોકસભા સીટ પર ચૂંટણી જીતીને આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

 1984 થી 1986 સુધી તેઓ એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યાં છે. એ પછી તેમને 1988-90 દરમિયાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા. જૂન 2022માં તેમને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. તેઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સભ્ય પણ છે.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સાંસદશ્રી મુકુલ વાસનીકજીને ગુજરાત કોંગ્રેસ સંગઠનના પ્રભારી તરીકે સોંપાયેલ જવાબદારીને આવકારતા સાથે રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષનારાષ્ટ્રીય નેતૃત્વને અનુભવી, નિષ્ઠાવાન અને પક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. અને યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી ચુકેલ અને લાંબા સમયથી એ.આઈ.સી.સી.ના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળતા મુકુલજીને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી તરીકે કરેલી નિમણુંકને ગુજરાત કોંગ્રેસ આવકારે છે અને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.