Abtak Media Google News

મંછાનગરમાં ગેરકાયદે ઓરડી બનાવી ભાડે ચડાવી દેવાના

કૌભાંડમાં કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા, દબાણ હટાવ શાખા, સુરક્ષા એજન્સી સહિતનાઓની સંડોવણીની શંકા: શાસકોના ઇશારે નગરસેવકોને બચાવવા તંત્ર પ્રયાસ કરી રહ્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

શહેરના વોર્ડ નં.5માં મંછાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગેરકાયદે ઓરડીઓ બાંધી ભાડે આપી દેવાના ભાજપના કોર્પોરેટર અને મળતીયાઓના દ્વારા આચરવામાં આવેલા કૌભાંડમાં ફોજદારી ગુનો દાખલ કરી એન્ટી લેન્ડગ્રેબિંગનો ગુનો પણ દાખલ કરવાની માંગ સાથે આજે કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિત 22 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

ઓરડી કૌભાંડ મામલે આજે કોંગ્રેસ દ્વારા ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ભાજપના કોર્પોરેટરો અને તેના પરિવારજનો દ્વારા સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરી ઓરડીઓ બનાવી દેવામાં આવી છે અને વર્ષોથી ભાડા વસૂલી આ ઓરડીઓને ભાડે આપી દેવામાં આવી છે. આ ઘટનામાં સામેલ તમામ સામે ફોજદારી ફરિયાદ નોંધી એન્ટી લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસે એવો આક્ષેપ પણ કર્યો હતો કે ટાઉન પ્લાનિંગ શાખાના કર્મચારીઓ વોર્ડમાં ફિલ્ડ વર્ક માટે જતા હોય છે છતાં ગેરકાયદે બાંધકામો ખડકાઇ ગયા છે. ફરજમાં બેદરકારી દાખવનાર સામે ખાતાકીય અથવા ફોજદારી રાહે પગલા ભરવાની પણ માંગણી કરવામાં આવી છે.

Whatsapp Image 2024 03 21 At 19.28.39 0Fd1A66D

આ ઘટનામાં દબાણ હટાવ શાખા અને રાંદરડા તળાવમાં સુરક્ષાની જવાબદારી સંભાળનાર એજન્સી સામે પણ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં ડે ટુ ડેની કાર્યવાહી જનતા સમક્ષ મૂકવાની માંગણી કરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં ભાજપના ઇશારે શાસક પક્ષના કોર્પોરેટરોને બચાવવા માટેની કાર્યવાહી થઇ રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

ઓરડી કૌભાંડ મામલે કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો દ્વારા કોર્પોરેશનમાં હલ્લાબોલ કરવામાં આવતા એ-ડિવીઝન પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા ઉપરાંત ડી.વી.મકવાણા, રાજદીપસિંહ જાડેજા, વશરામ સાગઠીયા, ગૌરવ પુજારા, સંજય લાખાણી, ક્ધદર્પ રાવલ, દિલીપ આશવાણી, પ્રભાત ડાંગર, જય કારીયા, હાર્દિક પરમાર, રવિરાજસિંહ ડોડીયા, સલીમ કારીયાણીયા, અજીત વાંક, નયનાબા જાડેજા, સંજુ અજુડીયા, ગીરીશ ઘરસલીયા, નરેશ સાગઠીયા અને અશોકસિંહ વાઘેલાની અટકાયત કરવામાં આવી હતી.

Whatsapp Image 2024 03 21 At 19.28.56 6D3872Ec

8 વ્યક્તિઓ પાસે એક કરતા વધુ ઓરડી: લેન્ડ ગ્રેબિંગ કરાશે

મંછાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરોના પતિ દેવે સરકારી જમીન પર દબાણ ખડકી ગેરકાયદે ઓરડીઓનું બાંધકામ કરી ભાડે આપી દીધી હોવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ આવી ગયો છે. આ વિસ્તારમાં આઠ આસામીઓ પાસે એક કરતા વધુ ઓરડી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વિરમભાઇ નાગજીભાઇ ગોલતર પાસે સૌથી વધુ 9 ઓરડીઓ છે. જ્યારે છેલ્લાભાઇ કાળાભાઇ મકવાણા પાસે ચાર, મુમોયા બાપા પાસે ચાર, સંજયભાઇ ગોવિંદભાઇ ગમારા પાસે ત્રણ, ધીરજભાઇ ઓઘનભાઇ સરવૈયા પાસે ત્રણ, આલાભાઇ ભગવનજીભાઇ ટોળીયા પાસે ત્રણ, ધનજીભાઇ નાથાભાઇ ગોહિલ પાસે ત્રણ ઓરડીઓ છે. આ તમામની સામે લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા માટે કોર્પોરેશન દ્વારા કલેક્ટર વિભાગમાં અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.