Abtak Media Google News

ફરિયાદોનું પ્રમાણ ઘટ્યું હોવાનો પ્રથમ નાગરિક ડો.પ્રદિપ ડવનો દાવો : ૨૫૬ ફરિયાદો આજની તારીખે પેન્ડીંગ

રાજકોટવાસીઓએ કોર્પોરેશન લગતી સામાન્ય ફરિયાદો માટે કચેરી સુધી ધક્કા ખાવા ન પડે તેવા ઉમદા આશય સાથે મેયર ડો. પ્રદિપ ડવ દ્વારા ગત જૂન માસમાં મેયર ડેશ બોર્ડનો આરંભ કરવામાં આવ્યો છે. છેલ્લાં બે મહિનામાં મેયર ડેશ બોર્ડ પર ૩૫,૬૮૬ જેટલી ફરિયાદો નોંધાવવા પામી છે. કોલ સેન્ટરમાં ફરિયાદોની સંખ્યા આશરે ૪,૦૦૦ જેટલી ઓછી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથેસાથ આજની તારીખે માત્ર ૨૫૬ ફરિયાદો જ પેન્ડીંગ હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતાં મેયર ડો. પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે શહેરીજનોની ફરિયાદનો સત્વરે નિકાલ આવે તે માટે ગત ૨૧ જૂનના રોજ મેયર ડેશ બોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પૂર્વે છેલ્લાં ૨ મહિનામાં મહાપાલિકાના અલગ-અલગ વિભાગોને લગતી ૩૯,૮૯૦ ફરિયાદો નોંધાઇ હતી. ડેશ બોર્ડના પ્રારંભ બાદ ફરિયાદોની સંખ્યામાં ઘટાડો થયો છે. અગાઉ કોલ સેન્ટરમાં ફરિયાદ નોંધાવ્યાના બીજા દિવસે જ કોઇપણ પ્રકારની કામગીરી થયાં વિના જ ફરિયાદોનો નિકાલ થઇ ગયો હોવાનો મેસેજ મળી જતો હતો. આ સિસ્ટમ મેયર ડેશ બોર્ડના આરંભ બાદ બંધ થઇ ગઇ છે.

અગાઉ ૩૯,૮૯૦ ફરિયાદો પૈકી એકપણ ફરિયાદ પેન્ડીંગ ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મેયર ડેશ બોર્ડના આરંભ બાદ બે મહિનાના ટૂંકા સમયગાળામાં ૩૫,૬૮૬ ફરિયાદો નોધાવવા પામી છે. જેની સામે ૩૫,૪૩૦ ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. આજની તારીખે ૨૫૬ ફરિયાદો પેન્ડીંગ છે. ડેશ બોર્ડ પર વધુ સૌથી ફરિયાદ ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાની અને ભૂગર્ભ ગટર છલકાતી હોવાની ૧૨,૫૨૫ ફરિયાદ નોંધાઇ છે. જે તમામનો નિકાલ કરી દેવાયો છે. બીજા ક્રમે રોશની વિભાગની ફરિયાદોનો આંક ૯૦૯૧ છે.

જે તમામ ફરિયાદો હલ કરી દેવામાં આવી છે. જ્યારે વોટર વર્કસને લગતી ૪,૨૪૫ પૈકી ૪,૧૨૦ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે. અને ૧૨૫ ફરિયાદો પેન્ડીંગ છે. ડ્રેનેજ મેન્ટેનેન્સની ૨૫,૪૫ ફરિયાદો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ લગતી ૩૦૦૩ અને મરેલાં જાનવરને ઉપાડવા અંગેની કુલ ૫૦૧ ફરિયાદ નોંધાઇ છે. જે તમામનો મોટાભાગે નિકાલ કરવામાં આવ્યો છે. મેયર ડેશ બોર્ડએ ધાર્યા કરતાં સારો એવો પ્રતિસાદ મળ્યો હોવાનો મેયરએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.