Abtak Media Google News

ટીકરના સરવાસ ચોકમાં ૨૦૦ વાલીઓની શિક્ષકો સાથે યોજાઇ બેઠક

ખાનગી શાળાના અંદાજે ૧૨૦ વિદ્યાર્થીઓ હવે સરકારી શાળામાં ભણશે : જિ.પં.સદસ્ય

આ અંગે જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, હળવદના રણકાંઠે આવેલા ટીકર ગામના ૧૨૦ જેટલા છાત્રો હવે સરકારી શાળામાં ભણશે. જેનાથી સરકારી શાળાઓનું સ્તર ઉંચુ આવશે.

ઉપરાંત ટીકર ગામ પાસે આવેલ ખાનગી શાળા ગત સાલ કાર્યરત હતી પરંતુ હાલ બંધ છે અને આજે ટીકર ગામના સમસ્ત ગ્રામજનોએ સરકારી શાળામાં ભણવાની પ્રશંસનીય પહેલ કરી છે.

હળવદ તાલુકાના રણકાંઠે આવેલ ટીકર ગામમાં ગત રાત્રે ગ્રામજનોની શિક્ષકો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સરકારી પ્રાથમિક શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ સહિત ૨૦૦ જેટલા વાલીગણ દ્વારા શિક્ષકો સાથે  સંકલ્પ કરી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જોકે, ટીકરના અંદાજે ૧૨૦ વિદ્યાર્થીઓ હળવદની ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા જે હવે સરકારી શાળામાં ભણશે. આમ સમસ્ત ટીકર ગ્રામ્ય વિસ્તારના પપ૦ જેટલા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરશે.

માતૃભાષા છોડીને આજે અંગ્રેજી માધ્યમમાં ટોળાબંધ વિદ્યાર્થીઓ ધસી રહ્યા છે. આજે શહેરોમાં જ નહિં પણ ગામડામાં પણ અંગ્રેજી માધ્યમ તરફ ધસારો જોવા મળે છે ત્યારે શનિવારની રાત્રે ૯ વાગ્યે ટીકર ગામના ગ્રામજનોએ શિક્ષકો સાથે મળી એક પ્રતિજ્ઞા લીધી છે કે હવે ફક્ત સરકારી શાળામાં જ અમારા બાળકોનો અભ્યાસ કરાવીશું અને કોઈપણ બાળક ખાનગી શાળામાં અભ્યાસ કરવા નહીં જાય તેવો સંકલ્પ ગામના ૨૦૦ જેટલા વાલીગણે કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે, આજના આધુનિક યુગમાં દરેક વાલી પોતાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે ખાનગી શાળામાં અભ્યાસ કરાવવાનો મોહ રાખતા હોય છે ત્યારે આજે સમાજમાં એક આદર્શ ઉદાહરણ આપવા માટે ટીકર ગામના આગેવાનોની ગ્રામજનો સાથે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં ટીકર ગામના દરેક બાળકો માતૃભાષા સાથે અભ્યાસ મેળવે અને સરકારી શાળામાં જ અભ્યાસ કરે એવો અનોખો નિર્ણય ટીકર ગામના સમસ્ત ગ્રામજનોએ લીધો છે. જેમાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

હળવદ તાલુકાના રણકાંઠાના વિસ્તારના ટીકરના ગ્રામજનોએ ગામના તમામ બાળકોને ગામની જ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવવાનો અનોખો સંકલ્પ લીધો છે. જો દરેક ગામમાં આવો સંકલ્પ લેવાય તો દરેક સરકારી શાળાઓનું શિક્ષણ સ્તર ઉંચુ આવી શકે છે તેમ ટીકરના વાલીગણે જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું હતું કે, સરકારી શાળાઓની સ્થિતી પણ સુધરી શકે છે. આવા ઉત્તમ વિચાર સાથે ટીકરના ગ્રામજનોએ અનોખી પ્રતિજ્ઞા લીધી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.