Abtak Media Google News

રૈયા રોડ પર નયારા પેટ્રોલ પંપ પાછળ ઓરડીનું બાંધકામ, પાટીદાર ચોક પાસે નોવે સ્કૂલની બાજુમાં ઓરડી અને કમ્પાઉન્ડ વોલનું બાંધકામ જ્યારે કણકોટ રોડ પર 12 મકાન અને દિવાલના બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું: રૂ.85.80 કરોડની જમીન ખૂલ્લી કરાવાઇ

મ્યુનિ.કમિશનર આનંદ પટેલના આદેશ બાદ આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.1, 9 અને 11માં ટીપી રોડ તથા ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 12 મકાનો સહિત કુલ 16 બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. બજાર કિંમત મુજબ રૂ.84.80 કરોડની 5,326 ચો.મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું કે આજે શહેરના અલગ-અલગ ત્રણ વોર્ડમાં વિવિધ વિસ્તારોમાં ટીપીના રોડ અને અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો હટાવવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વોર્ડ નં.1માં રૈયા રોડ પર નયારા પેટ્રોલ પંપની પાછળ કૈલાશધારા પાર્કમાં ટીપી સ્કિમ નં.22 (રૈયા)ના અંતિમ ખંડ નં.39/બી ના પાર્કિંગ હેતુના પ્લોટ પર 192 ચો.મીટર જગ્યામાં ખડકાયેલી ઓરડીનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું  હતું અને રૂ.1.15 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે.

ત્યારબાદ ટીપી શાખાનો કાફલો શહેરના વોર્ડ નં.9માં ત્રાટક્યો હતો. અહિં પાટીદાર ચોક પાસે નોવે સ્કૂલની બાજુમાં ટીપી સ્કિમ નં.16 (રૈયા)ના વાણિજ્ય વેંચાણ હેતુ માટેના અંતિમ ખંડ નં.59/એ માં 1195 ચોરસ મીટર વિસ્તારમાં એક ઓરડી અને કમ્પાઉન્ડ વોલના બાંધકામને થોડી પાડવામાં આવ્યું હતું અને રૂ.83.85 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. વોર્ડ નં.11માં કાલાવડ રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડની પાછળ ટીપી સ્કિમ નં.16 (મોટામવા)માં કણકોટ રોડ પર 22 મીટર ટીપીના રોડ પર આશરે 354 મીટર જગ્યામાં 12 મકાન અને કમ્પાઉન્ડ વોલનું બાંધકામ હતું. જે દૂર કરવા માટે એક મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી.

દરમિયાન ચાર દિવસ પૂર્વે રૂબરૂ જઇ તાકિદ કરાઇ હતી. આજે સવારે ટીપીનો રોડ ખૂલ્લો કરાવવા માટે તમામ બાર મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ડિમોલીશન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. આગામી 15મી જૂનથી ચોમાસું શરૂ થઇ જતું હોવાના કારણે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ચોમાસાના ચાર મહિના સુધી ડિમોલીશન કરી શકાતું ન હોય સતત એક મહિના સુધી બુલડોઝરની ધણધણાટી સતત ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.