Abtak Media Google News

કોઈ ઠરાવ કે  પરિપત્ર નહી, મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓનો આદેશ નહી છતા જન્મ-મરણ વિભાગના અધિકારીઓએ જાતે નિર્ણય લઈ લીધો

સ્ટેશનરી અને લોકોના પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાનો અધિકારીઓનો દાવો

જન્મ અને મરણની કોપી અરજદાર માંગે તેટલી અને માંગે ત્યારે આપવા અંગેનો પરિપત્ર  હોવા છતાં કોર્પોરેશનની જન્મ-મરણ શાખાના અધિકારીઓએ પોતાના મગજમાં જે ચડયા તે નિયમો  ઠોકી બેસાડયા છે. કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહ્યા બાદ અરજદારને માત્ર જન્મના દાખલાની ચાર કોપી આપવામાં આવી રહી છે. વિભાગના વડા દ્વારા આપ મેળે લેવામાં આવેલા આ નિર્ણયથી ખૂદ આરોગ્ય  અધિકારી ડો. જયેશ વકાણી અજાણ હોવાનું જાણવા મળી રહ્યું છે. જન્મની ચારથી વધુ કોપી મેળવવા માટે અરજદારોએ બીજીવાર ફરજીયાત લાઈનમાં ઉભા રહેવું પડે છે.

અરજદારને જન્મ અને મરણની જોઈએ તેટલી નકલો આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. છતા છેલ્લા ઘણા સમયથી જન્મ મરણ વિભાગના અધિકારીઓએ કોમ્પ્યુટર ઓપરેટરોને એવો આદેશ આપ્યો છે કે અરજદારને જન્મના દાખલાની ચારથી વધુ કોપી આપવી નહી જો વ્યકિતને ચારથી વધુ કોપી જોઈતી હોવા છતા તેઓને કોઈ પણ પ્રકારનું કારણ હોય ઓપરેટર દ્વારા એક સાથે ચારથી વધુ કોપી આપવામાં આવતી નથી વધુ કોપી મેળવવા માટે અરજદારે ફરજીયાત પણે બીજીવાર કોર્પોરેશન કચેરીએ આવી કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે છે. અધિકારીઓ આ તઘલખી નિર્ણય  અંગે એવું કારણ આપી રહ્યા છે.

બાળકના જન્મ વખતે હોસ્પિટલમાં લખાવાયેલી એન્ટ્રીમાં ભૂલ હોવાના કારણે જો  વધુ કોપી આપવામાં આવે તો કોર્પોરેશનની સ્ટેશનરી અને અરજદારના વધુ નાણાનો વ્યય  અટકાવવા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.જો આવો જ હેતુ હોયતો અરજદારને  ચાર બદલે એક કોપી આપી તેની ચકાસણી કરી લેવાનું જણાવી બાદમાં વધારાની જોઈઅ તેટલી કોપી આપવી જોઈએ. પરંતુ અધિકારીઓને માત્રને માત્ર જનતા કેવી રીતે વધુ હેરાન થાય તેમાંજ રસ હોય તેવુંલાગી રહ્યું છે. આ તઘલખી નિર્ણયથી અરજદારોમાં પણ ભારોભાર  નારાજગી જોવા મળી રહી છે.

મેં આવી કોઈ જ સુચના આપી નથી જોઈએ તેટલી કોપી મળશે: આરોગ્ય અધિકારી

કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ જણાવ્યું હતુ કે  જન્મના દાખલાની માત્ર ચાર જ કોપી આપવી તેવી મારા દ્વારા જન્મ-મરણ વિભાગના અધિકારીઓને કોઈ જ સુચના આપવામાં આવી નથી આવો કોઈ પત્ર કે ઠરાવ નથી છતા  શા માટે ચાર કોપી અપાય છે તેની તપાસ કરવામાં આવશે.અરજદારોને જોઈએ તેટલી જન્મના દાખલાની કોપી આપવામાં આવશે. કર્મચારીઓ દ્વારા સ્ટેશનરીનો વ્યય અટકાવવા અને લોકોના નાણા ખોટા ન વેડફાય તે માટે આવો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. માંગે તેટલી કોપી આપવાનો આદેશ આપી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.