Abtak Media Google News

ચતુર્થ સ્તંભ : કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની પ્રવૃત્તિઓનો વિકાસ

ધોળકીયા ફાઉન્ડેશનના સવજીભાઈ ધોળકીયાએ જળ સિંચનને લઈને તળાવના ખોદકામ માટે મશીનરી સહિતનો સહયોગ આપ્યો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બજેટ-2023માં ચતુર્થ સ્તંભ : કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની પ્રવૃત્તિઓના વિકાસ માટે સતત અને અવિરત તત્પર છે.

Advertisement

અમરેલીના સણોસરા ખાતે ગ્રામજનોની દ્રઢ ઈચ્છાશક્તિ અને કંઈક કરવાની નેમ થકી આજે 40 વીઘા જમીનમાં અમૃત સરોવરનું નિર્માણ થયું છે. વર્ષ 2018માં આ અમૃત સરોવરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતુ જેને સમગ્ર ગ્રામજનોએ માત્ર 45 જ દિવસમાં પૂર્ણ કર્યું હતું. સૌના સહિયારા પ્રયાસોથી ભગીરથ કાર્ય સિદ્ધ અને સાકાર થયું છે. સણોસરા ખાતે અને આસપાસના વિસ્તારમાં ખેતીલાયક જમીનમાં પાણીને લઈને અનેક મુશ્કેલીઓ હતી જે હવે ભૂતકાળ બની ચૂકી છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં 75 અમૃત સરોવરના નિર્માણનું લક્ષ્યાંક હતું જે સાકાર થવા તરફ ગતિમાં છે. 15 ઓગસ્ટ,2023ના રોજ રાજ્યમાં દરેક જિલ્લામાં અમૃત સરોવર સ્થિત જગ્યામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. સણોસરા ગામને ગુજરાત સરકારના સુજલામ સુફલામ જળસિંચન અભિયાન અંતર્ગત વોટરશેડ વિકાસ અને જળ સિંચન માટે રૂ.22 લાખની ગ્રાન્ટ મળી છે. આ ગ્રાન્ટ થકી વોટરશેડ બનાવવામાં આવ્યા છે.

એક સમય હતો કે અહીં પાણીની સમસ્યાથી સૌ કોઈ પરેશાન હતા. સણોસરાના ગ્રામજનોએ જળ સિંચનને લઈને વિચાર મંથમ આદર્યું અને તેમાંથી જન્મ થયો વિશાળ સરોવરના નિર્માણના વિચારનો ! આ ભગીરથ કાર્ય માટે સૌ ગ્રામજનોએ લોકભાગીદારીથી કુલ રૂ. 50 લાખથી વધુની રોકડ રકમ એકત્ર કરી ઉપરાંત ધોળકીયા ફાઉન્ડેશનના સર્વેસર્વા અને ઉદ્યોગપતિશ્રી સવજીભાઈ ધોળકીયાએ ગામલોકોનો જોશ અને ઉત્સાહ જોઈને આ તળાવના નિર્માણમાં મશીનરી સહિતની કામગીરી માટે પોતાનું યોગદાન આપ્યું.

આ સરોવરના નિર્માણથી આજે જળસંગ્રહ થતાં આસપાસના 20 થી 25 ગામના ખેડૂતોને સીધો ફાયદો થયો છે, ખેડૂતો હવે વર્ષમાં ત્રણ વખત પાક લેતાં થયા છે, ખેડૂતોની આર્થિક ક્ષમતામાં વધારો થયો છે, પાણીની તંગીની સમસ્યા હવે ભૂતકાળ બની છે ઉપરાંત પાણીના જે તળ 500 ફૂટ ઊંડા હતા તે હવે 20 થી 25 ફૂટ સુધી આવી ગયા છે ઉપરાંત ખેતીની જમીન ફળદ્રુપતાવાળી બની છે. આમ અમૃત સરોવરના નિર્માણ થકી સણોસરા સહિત આસપાસના વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ આવી છે.

સણોસરા ગ્રામ અગ્રણી હિતેશભાઈ ગોંડલીયાએ જણાવ્યું કે, ચાલુ સિઝનમાં શ્રીકાર વર્ષાથી અમૃત સરોવર છલકાયું છે, આસપાસના અનેક ગામના ખેડૂતોને લાભ મળી રહ્યો છે ઉપરાંત આ અમૃત સરોવરને 100 વીધામાં વિસ્તારવાની નેમ છે. સણોસરા ગામના ગ્રામજનોએ એ સાબિત કર્યું છે કે, હરેક વિચાર જન્મે છે અને પછી જો દ્રઢ મનોબળ હોય તો દરેક કાર્ય સફળતા સાથે કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.