Abtak Media Google News

સાવરકુંડલામાં એક યુવાન તણાયો સદનસીબે બચ્યો જીવ: ગ્રામ્ય વિસ્તારમાં હાલત કફોડી

સમગ્ર રાજયમાં વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. ત્યારે આજે અમરેલી જિલ્લામાં  વરસાદી માહોલ વચ્ચે જોરદાર વરસાદ પડયો હતો. અમરેલી શહેરમાં બે કલાકમાં જ સટાસટી બોલાવતા ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો. જેને કારણે સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયુ હતું અને મોટા ભાગના વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા. શહેરના લાઠી રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ફાયર વિભાગ અને પોલીસતંત્ર દ્વાર વૃક્ષ હટાવી પૂન: વાહન વ્યવહાર શરૂ કરાયો હતો. જયારે લાઠી રોડ પાસે પાણીનો પ્રવાહ વધતા થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ થયો હતો.

અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં ભારે વરસાદને લીધે એક કાચું મકાન ધરાશાયી થયુ હતું. ભારે વરસાદને કારણે અમરેલી તાલુકાના તમામ ચેકડેમો ભરાઈ ગયા હતા. જયારે શહેરને પાણી પૂરૂ પાડતા ઠેબી ડેમમાં પણ ભારે વરસાદને કારણે પૂર આવતા 3 દરવાજા 1.5 ફૂટ ખોલાયા હતા. જેને કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ હતી. લીલીયા પથકમાં મેઘરાજાની મહેર કહેર સાબિત થતી ઘટના ગુંદરણ નજીક બની હતી. જેમાં ખેતરાઉ પાણીના પ્રવાહમાં બે સગી બહેનો તણાઈ હતી. જેમાં એક બહેનને ખેતમજૂર સવાભાઈએ બચાવી લીધી હતી. જયારે બીજી બહેન પાણીના પ્રવાહમાં એકટીવા સાથે તણાઈ ગઈ હતી.

જેની લાશ 1.5 કિ.મી. દૂરથી મળી આવી હતી. લીલીયાના ઢાંગલા ગામે રહી પોસ્ટ ઓફિસમાં સર્વિસ કરતી શેફાલી વસાવા નામની યુવતી પાંચતળાવડા ખાતે પોસ્ટનો થેલો લેવા જતી વેળાએ ગુંદરણ નજીક કોજવે પર પાણી હોય ઉભી રહી હતી તે સમયે અચાનક પાણીનો પ્રવાહ વધતા આ બન્ને બહેનો પાણીના પ્રવાહમાં તણાઈ હતી. દેકારો થતા બાજુના ખેતરમાં કામ કરતા સવાભાઈ નામના ખેતમજૂરે શેફાલી વસાવાને બચાવી લીધી હતી. જયારે શાફીયા વસાવા ઉ.વ. 27 પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ હતી. ઘટનાની જાણ થતા ધારાસભ્ય મહેશભાઈ

કસવાલા, કલેકટર અજય દહિયા, વિપુલભાઈ દુધાત, ભીખુભાઈ ધોરાજીયા સહિતના લોકોએ ઘટના સ્થળે પહોંચી શાફીયાની શોધખોળ હાથ ધરી હતી. બે કલાકની જહેમત બાદ શાફીયાની લાશ મળી હતી. લીલીયામાં બપોરના સમયે નાવલી નદીમાં આવેલ ભારે પૂરના કારણે ગેસના બાટલા સાથે એક યુવાન તણાયો હતો. પરંતુ સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો. લીલીયા તાલુકાના ભેંસાણ ગામે ભારે વરસાદ થતા ગામમાં નદીનું પાણી ઘૂસી ગયુ હતું અને સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. જેથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો.

લાઠી પંથકમાં પણ સવારમાં વાતવરણમાં પલટો આવ્યો હતો અને અઢી ઈંચ વરસાદ ખાબકયો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.ભારે વરસાદને કારણે ગાગડીયો નદીમાં ભારે પૂર આવ્યુ હતું. લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો. અકાળા ગામે 4 ઈંચ વરસાદ પડતા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું અને ગામમાં કમરખૂડ પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસ્યા હતા. ગાગડીયો નદીમાં ભારે પૂરને કારણે ખેતરોમાં ધોવાણ થયુ હતું….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.