Abtak Media Google News

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના અનુસંધાને

રવિવારે સવારે 10:30 કલાકે રાજકોટ એન્જિનિયરીંગ એસો.ના હોલ ખાતે અભિયાનનો પ્રારંભ

નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત તમામ શિક્ષકોને વર્ષમાં 50 કલાકની તાલીમ ફરજિયાત બનાવવામાં આવી છે. જેના અનુસંધાને રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા પ્રથમ તબક્કામાં 1000 શિક્ષકો ને તાલીમબધ્ધ કરવાના અભિયાનનો પ્રારંભ થશે. આ અભિયાનનો ઉદ્દઘાટન કાર્યક્રમ રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ સ્થિત રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશનના ઓડીટોરીયમ ખાતે તા. 16 જુલાઇ, રવિવારના રોજ સવારે 10-30 ક્લાકે મહાનુભાવો, શિક્ષણવિદો, શાળા સંચાલકો અને શિક્ષકોની વિશાળ હાજરીમાં યોજાશે.

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો અમલ આ વર્ષથી તમામ શાળાઓએ કરવો અનિવાર્ય છે. આ પોલિસી અનુસાર તમામ શિક્ષકોને વર્ષમાં 50 કલાકની તાલીમ આપવી ફરજિયાત છે. મોટી શાળાઓ કદાચ તેમના શિક્ષકો માટે સારા ટ્રેઇનર પાસે ટ્રેનીંગ કરાવી શકે પણ નાની અને મધ્યમ કદની શાળાઓ માટે આવી આયોજનબદ્ધ તાલીમો યોજવી કદાચ જટીલ પ્રશ્ન બની શકે છે.

પરંતુ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સંચાલકોના હિતોને ધ્યાનમાં રાખી તેમના ઉત્કર્ષ માટે હંમેશા કાર્યશીલ રહે છે. તેથી મંડળ દ્વારા તેમની સભ્ય તમામ ખાનગી શાળાના 1000 થી વધુ શિક્ષકો માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના તજજ્ઞો અને નિષ્ણાતોનો સંપર્ક કરી આ વિશાળ અને અદ્વિતીય તાલીમ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે.

શાળા સંચાલક મંડળ દ્વારા 250 શિક્ષકોની પ્રિ- પ્રાઈમરી, પ્રાઇમરી, સેક્ધડરી અને હાયર સેક્ધડરી ની એમ કુલ ચાર બેચમાં વિભાજીત કરવામાં આવેલ છે. આ ચારેય ગ્રુપને શિક્ષણ ક્ષેત્રે જેમનું અદ્વિતીય યોગદાન છે એવા મહાપુરુષો જેવા કે સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર, સર્વપલ્લી રાધાકૃષ્ણ અને એ.પી.જે અબ્દુલ કલામ આવી ચાર મહાન વિભૂતિઓના નામ આપવામાં આવશે. આ તમામ 1000 શિક્ષકોને વર્ષમાં ચાર વખત ચાર અલગ અલગ પ્રકારની ટ્રેનીંગ નિષ્ણાંત તજજ્ઞો દ્વારા આપવામાં આવશે. જેમાં ક્લાસરૂમ મેનેજમેન્ટ, ચાઈલ્ડ સાયકોલોજી, સ્ટ્રેસ મેનેજમેન્ટ, પેરેન્ટ્સ ટીચર્સ રિલેશનશિપ જેવા જુદા જુદા વિષયોને સાંકળી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ટ્રેનર્સ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે. આ તમામ શિક્ષકોને ચાર કલાકની ટ્રેનિંગ બાદ જુદા જુદા પ્રકારના એસાઇમેન્ટ આપવામાં આવશે.

આ તમામ શિક્ષકોની તાલીમ પૂર્ણ થયા બાદ તેમનું સર્ટિફિકેશન કરવામાં આવશે. આ તમામ ટ્રેનિંગ હેમુ ગઢવી મીની ઓડિટોરિયમ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના હોલ ખાતે યોજાશે.કાર્યક્રમની શરૂઆત 16 જુલાઈએ સવારે 08:00 કલાકે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશનના હોલ ખાતે થશે. આ કાર્યક્રમના પ્રથમ ટ્રેનર તરીકે પરેશભાઈ ભટ્ટ દ્વારા સેશન લેવામાં આવશે. ઉપરાંત આ સમગ્ર ટ્રેનિંગનું આયોજન અને અમલીકરણ વૈજ્ઞાનિક રીતે અને પ્રોફેશનલ ધોરણો અનુસાર થાય તે માટે પાંચ સિનિયર શિક્ષણવિદો સમગ્ર ટ્રેનિંગનું મોનીટરીંગ કરશે.

આ સમગ્ર તાલીમના અભિયાનને સફળ બનાવવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જીલ્લાના પ્રમુખ ડી. વી. મહેતાની આગેવાનીમાં મહામંત્રી  પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદિપભાઈ જલુ, મેહુલભાઈ પરડવા, વિપુલભાઈ પાનેલીયા, સંદીપભાઈ ચોટાળા, રાજ્ય મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ, મહામંત્રી અજયભાઇ પટેલના માર્ગદર્શનમાં કોર કમિટી, કારોબારી, તમામ ઝોનના ઉપપ્રમુખો, ઝોનના કારોબારી સભ્યો તેમજ નિષ્ણાંત શિક્ષણવિદો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.