Abtak Media Google News

અદાલતોની ફીઝીકલ કામગીરી  બંધ હોવાથી ગુનેગારોને ‘બખ્ખા’, સજજનોને ‘ડખ્ખા’

૮ મહિનામાં ચેક રિટર્ન, ડિફોલ્ટર, અકસ્માત વીમા સહિતના કેસોની સંખ્યામાં ધરખમ વધારો

દેશભરમાં કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા દેશવ્યાપી લોકડાઉન અમલી બનાવાયું હતું. જેના કારણે ન્યાયમંદિરોના કપાટ પણ બંધ થયા. તબક્કાવાર અનલોક સ્વરૂપે છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ ન્યાયમંદિરોને ફિઝીકલી ચાલુ કરવા પર પ્રતિબંધ મુકાયો હતો. વિડીયો કોંફરન્સના માધ્યમથી તો જરૂરી કેસોના હિયરિંગ શરૂ કરો દેવામાં આવ્યા હતા તેમ છતાં ન્યાયમંદિરોમાં કેસોનું ભારણ ખૂબ વધ્યું છે. ચેક રિટર્ન સહિતના કેસોની સંખ્યામાં તો નોંધપાત્ર વધારો થયો છે. આ સમયકાળમાં ચેક રિટર્ન થયા બાદ અદાલતનો દરવાજો ખટકટાવી શકાય નહીં અને જો કોર્ટમાં કેસ નોંધાય તો ફિઝીકલી કોર્ટ બંધ હોવાથી સુનાવણી થાય નહીં જેના પરિણામે ડિફોલ્ટરોને જાણે કોઈ ચિંતા જ ન હોય તે રીતે જલસા કરી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે.

ગત ૮ મહિનાથી ફિઝીકલી બંધ રહેલી કોર્ટને કારણે એક એક જિલ્લા કક્ષાની અદાલતોમાં હજારો કેસોનું ભારણ  વધ્યું છે. ૨૨ માર્ચથી અમલી લોકડાઉનને કારણે આ કેસોનું ભારણ વધ્યું છે. આ તમામ બાબતોને ધ્યાને રાખીને ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ બુધવારે ૨૩ નવેમ્બરથી અદાલતો ફિઝીકલી ચાલુ કરવા નિર્ણય કર્યો છે.

વર્ચ્યુલ કોર્ટને કારણે અમુક ગણતરીના જ વકીલો હિયરિંગ કરી શકતા હતા અને અમુક ગણતરીના કેસોનું જ હિયરિંગ થતું હતું તેવા સમયમાં નાણાકીય વ્યવહારો અંગેના દિવાની દાવાઓ પેન્ડિંગ છે જેના કારણે સજ્જનો પીડાય રહ્યા હતા જ્યારે ’હરામખોરો’ જલસા કરી રહ્યા હતા. આ પ્રકારના લોકોને કોઈ પ્રકારની ચિંતા જ રહી ન હતી તેમજ કાયદો – વ્યવસ્થાની પણ જરાય બીક રહી ન હતી. કોર્ટ ફિઝીકલી બંધ હોવાથી કેસો તો નોંધાતા હતા પણ કોર્ટ દ્વારા આરોપીઓને સમન્સ કે નોટિસ પણ ફટકરવામાં આવતી ન હતી.

ચેક રિટર્ન સિવાય ક્લેઇમના કેસોનું ભારણ ખૂબ વધ્યું છે. રાજ્યની તમામ અદાલતોમાં અકસ્માત વીમાના ક્લેઇમના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. રાજકોટ એમએસીટી બાર હેઠળ આશરે ૭૦૦ જેટલા કેસો પેન્ડિંગ છે. જો કે, થોડા સમય પૂર્વે જ ઇ લોકઅદાલત મારફત કેસોનું ભારણ ઘટાડવા પ્રયત્ન કરાયો હતો જ્યાં આશરે ૫૦ જેટલા કેસોમાં સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.

ઉપરાંત લોકડાઉન અથવા તે પૂર્વેના સમયગાળામાં બેંક અથવા મંડળી પાસે લેવામાં આવેલી લોનના હપ્તાની ચુકવણી નહીં કરનારા તત્વો વિરુદ્ધ પણ બેંકો દ્વારા કેસ કરવામાં આવ્યો છે પણ આ કેસમાં પણ કોઈ ડિફોલ્ટરને સમન્સ કે નોટીસ હાલ સુધીમાં ફટકારવામાં આવી નથી. જેથી આ પ્રકારના તત્વો પણ બેફિકરીથી જલસા કરી રહ્યાં હતા પણ હવે તેમના દિવસો પુરા થવા જઈ રહ્યા છે. દિવાળી બાદના સમયમાં કોર્ટો ફિઝીકલી શરૂ થવા જઇ રહી છે જે બાદ કોર્ટે ગતિશીલતા બતાવીને કેસોનું ભારણ ઘટાડવા પ્રયત્નો કરવા જરૂરી છે.

૨૩મીથી ૪ મહાનગરો સિવાયની નીચલી અદાલતો ધમધમશે

છેલ્લા ૮ મહિનાથી બંધ અવસ્થામાં રહેલા ન્યાય મંદિરોના કપાટ હવે ટૂંક સમયમાં ખુલવા જઇ રહ્યા છે. અનલોક બાદ વર્ચ્યુલ કોર્ટ શરૂ થઈ ગઈ હતી પણ ધમધમતી ન હતી. હવે આગામી તારીખ ૨૩ નવેમ્બરના રોજથી અદાલતો ફિઝીકલી ચાલુ થશે તેવું હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે સતાવાર જણાવ્યું છે. જેથી હવે તમામ પ્રકારના કેસોનો ઝડપી નિકાલ કરવા તરફ પગલાંઓ લેવામાં આવશે. ફિઝીકલી કોર્ટ બંધ હોવાથી અમુક ગણતરીના વકીલો જ કોર્ટ ખાતે આવતા હતા પણ હવે જુનિયર – સિનિયર વકીલોથી કોર્ટ ધમધમી ઉઠશે. ફરીવાર અરજદારો પોતાની અરજીઓ લઈને ન્યાયની માંગણી સાથે કોર્ટ ખાતે આવી શકશે. જો કે, રાજ્યના ૪ મહાનગરોમાં હજી પણ અદાલતો ફિઝીકલી શરૂ નહીં થાય. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની અદાલતો હજુ પણ વર્ચ્યુલી જ ચાલુ રહેશે. આ મહાનગરોની અદાલતો ક્યારે શરૂ થશે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી જેથી આ મહાનગરોના વકીલો તેમજ અસિલો બંનેને હજી વધુ રાહ જોવી પડશે પરંતુ ચાર મહાનગરો સિવાયની નીચલી અદાલતો આગામી તારીખ ૨૩ નવેમ્બર બાદ ધમધમી ઉઠશે. તમામ પ્રકારના કેસોનું હિયરિંગ પણ શરૂ કરી દેવામાં આવશે. કોર્ટો ફિઝીકલી શરૂ કરવા માટે હાઇકોર્ટે ચોક્કસ નિયમોનું પાલન કરવાં ટકોર કરી છે તેમજ દરેક અદાલતમાં એક અધિકારીની નિમણુંક પણ કરવામાં આવશે જે તકેદારીઓનું પાલન થાય તેની કાળજી રાખશે.  હાઇકોર્ટે તમામ નીચલી અદાલતોમાં કોવિડ ઓફિસરની નિમણુંક કરવાનો હુકમ કર્યો છે જે એસોપીનું પાલન કરાવશે. સોશ્યલ ડિસ્ટન્સના પાલન માટે એક દિવસમાં ફક્ત ૨૫ કેસના જ હિયરિંગ હાથ ધરવામાં આવશે તેમજ કોર્ટરૂમની બેઠક વ્યવસ્થા સોશ્યલ ડિસ્ટન્સને ધ્યાને રાખીને ગોઠવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.