રાજકોટ કોર્પોરેશનની શાળાના વિદ્યાર્થી અને શિક્ષિકાને કોરોના

સાધુ વાસવાણી રોડ પર શાળા નં.૬૪-બીનો છાત્ર અને શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા શાળા ૭ દિવસ બંધ

શહેરમાં ૧૮ વર્ષથી નીચેની ઉંમરના ૬૧ બાળકો કોરોનાના સંકજામાં સપડાયા

 

અબતક, રાજકોટ

શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની શ‚આત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે દિવસથી નોંધપાત્ર કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા એક પખવાડીયામાં ૧૮ વર્ષથી નીચેની ઉંમર ધરાવતા ૬૧ બાળકો કોરોના સંક્રમિત થયા છે. દરમિયાન સાધુ વાસવાણી રોડ પર આવેલી કોર્પોરેશનની ઇંગ્લીશ મિડીયમ શાળા નં.૬૪માં એક વિદ્યાર્થી અને શિક્ષિકા કોરોના સંક્રમિત થતાં સલામતીના ભાગ‚પે તાત્કાલીક અસરથી શાળા પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડિતે જણાવ્યું હતું કે શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલી કોર્પોરેશનની રવિન્દ્રનાથ ટાગોર ઇંગ્લીશ મિડીયમ સ્કૂલ શાળા નં.૬૪- બી માં પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો

એક વિદ્યાર્થી અને એક શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જો કે આ બંને લોકો છેલ્લા પાંચ દિવસથી શાળાએ આવતા ન હતાં છતાં તકેદારીના ભાગ‚પે આજથી એક અઠવાડીયા માટે શાળા બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે મહાપાલિકાની અન્ય કોઇ શાળામાં વિદ્યાર્થી, શિક્ષિક કોરોનાથી સંક્રમિત થયા ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. છેલ્લા એક અઠવાડીયામાં શહેરમાં ૧૮ વર્ષથી

નીચેની વયના ૬૧ બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગઇકાલે દિવસ દરમિયાન ૪,૫૨૩ લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જે પૈકી ૧૮૩ લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. હાલ શહેરમાં ૪૯૩ એક્ટીવ કેસ છે. જે પૈકી ૪૮૯ હોમ ક્વોરન્ટાઇન થયા છે અને ૪ વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. વેન્ટીલેટર પર એકપણ દર્દી નથી. ગઇકાલે ૫૧ લોકો કોરોનાને મ્હાત કરવામાં સફળ રહ્યા હતાં.

ઝોન વાઇઝ જોવામાં આવે તો શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ ૩૫૦ એક્ટીવ કેસ છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ૧૩૩ અને ઇસ્ટ ઝોનમાં માત્ર ૧૦ એક્ટીવ કેસ છે. છેલ્લા બે દિવસથી શહેરમાં ૧૦૦થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે. જેના પગલે કોર્પોરેશને ટેસ્ટીંગ વધારી દીધું છે. શહેરમાં અલગ-અલગ સ્થળોએ ટેસ્ટીંગ બૂથ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૦૦ ધન્વતરી રથ અને ૫૦ સંજીવની રથ પણ આજથી શ‚ કરી દેવામાં આવ્યા છે. જે ૬૧ બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે તે તમામમાં સામાન્ય લક્ષણો જણાઇ રહ્યા છે. કોરોના બીજી લહેરમાંથી કોર્પોરેશનને ઘણી શીખ મળી હોય તેવું લાગી રહ્યું છે. ત્રીજી લહેર સામે બાથ ભીડવા તંત્ર તૈયાર થઇ ગયું છે.