કોરોનાના ફુંફાડા વચ્ચે ડેન્ગ્યુ, ચીકનગુનિયા, શરદી અને તાવના રોગચાળાનો ભરડો

રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રભરના દર્દીઓનો ધસારો

અબતક, રાજકોટ

કોરોનાની મહામારી વચ્ચે અન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. જેમાં ડેંગ્યુ, ચીકન ગુનીયા અને શરદી-તાવ જેવા રોગોમાં વધારો થયો છે. જેમાં કોરોનાની સારવાર માટે કતારો નહી પરંતુ અન્ય ચેપીરોગની સારવાર માટે હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી છે.

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને ડેંગ્યુના અને ચિકનગુનીયાના કેસોમાં ધડાધડ વધારો થઈ રહ્યો છે. સાથે શરદી તાવ અને ડાયેરીયાના કેસો પણ સામે આવી રહ્યા છે. તહેવારો જતા રોગચાળો ફાટી નીકળ્યો હોઈ તેવું લાગી રહ્યું છે. કોરોના ધીમો પડયો છે. પરંતુ અન્ય રોગોના પગપેસારો થયો છે.

શહેરમાં હાલ ડેંગ્યુના અલાઈઝા ટેસ્ટના ૩૯ કેસો આવ્યા છે. અને હોસ્પિટલમાં થતા રેપીડ ટેસ્ટનું પોઝીટીવનું પ્રમાણ વધ્યું છે. ડેંગ્યુ ઉપરાંત મલેરીયાના ૨૨ અને ચિકનગુનીયાના ૫ કેસ નોંધાયા છે. જયા ગત સપ્તાહે ટાઈફોઈડના ૮૦ કેસ તેમજ ઝાડા, ઉલ્ટીના ૧૨૦ કેસ નોંધાયા છે. અને સામાન્ય તાવ શરદી, ઉધરસનાં ૬૦૦ જેટલા કેસ આવ્યા છે.

રોગચાળો વધતા સીવીલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જયારે બીજી બાજુ કોરોના સાવ ધીમો પડયો હોવાથી તેમાં બેડ ખાલી થયા છે. જેમાં ગત કાલે સીવીલ હોસ્પિટલમાં ડેંગ્યુના ૨ કેસ, મલેરીયાના ૬, કોલેરા, ટાઈફોઈડ, કમળાના ૨ કેસો, ઝાડા ઉલ્ટીના ૩૫ અને તાવના ૪૫ કેસો નોંધાયા છે. રોગચાળો વધતા હોસ્પિટલમાં દવાનો પૂરતા પ્રમાણમાં જથ્થો રાખવામાં આવ્યો છે. અને જો દર્દીને દાખલ કરવાની જરૂર હોઈ તો બેડમાં પણ વધારો કરવામાં આવશે. એકંદરે જેનો ડર હતો તે કોરોનાતો વધ્યો નહી પરંતુ આરામ કરવો પડે તેવા ચેપીરોગો બેકાબુ બન્યા છે.