Abtak Media Google News

અબતક, નવી દિલ્હીઃ

છેલ્લા દોઢેક વર્ષથી વિશ્વ આખાને પજવતા કોરોનાએ જાણે હવે આપણેને ‘ગુડ બાય’ કહી દીધું હોય તેમ લાગે છે. દેશભરમાં કોરોના સંક્રમણના પોઝિટિવ કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અઠવાડીક કેસોમાં 22 ટકાનો ઘટાડો થયો છે.  સૌથી વધુ અને જોખમી સ્થિતિ ધરાવતા કેરળ રાજ્યમાં પણ કોરોનાએ વિદાય લીધી હોય તેમ લાગી રહ્યું છે. જૂન મહિનાના મધ્યના સમયગાળાથી દેશભરમાં કોરોના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા સાત મહિનાના સમયગાળામાં ગત પહેલું અઠવાડિયું એવું નોંધાયું છે કે જેમાં દેશભરમાં પોઝિટીવ કેસનો આંકડો 2 લાખથી ઓછો રહ્યો હોય.

જો કે નવા વેરિન્ટ અને કાચિંડાની જેમ રંગ બદલતા કોરોનાની તીવ્રતા હજુ ઓછી ગણી ન શકાય  નિયમ પાલનમાં બેદરકાર બનવુંએ મૂર્ખાઈ જ ગણાશે. આથી હાલ કેસ ભલે ઘટયા હોય પરંતુ સાવધાની જ સૌથી મોટું હથિયાર છે. દેશમાં રવિવારે (27 સપ્ટેમ્બર-ઓક્ટોબર 3) સમાપ્ત થતા સપ્તાહમાં 1.56 લાખથી ઓછા ફ્રેશ કોવિડ કેસ નોંધાયા છે. જે અગાઉના સપ્તાહની સંખ્યા 2 લાખની સરખામણીએ 22.2% ઘટી છે.

સાપ્તાહિક કેસમાં તીવ્ર ટકાવારીનો ઘટાડો છેલ્લે 15 અઠવાડિયા પહેલા 14-20 જૂનમાં નોંધાયો હતો. જ્યારે કેસોમાં 29.5%નો ઘટાડો થયો હતો. કેરળની સંખ્યા ઝડપથી ઘટી જવાને કારણે દેશભરમાં કોવિડ કેસોમાં તીવ્ર ઘટાડો થયો છે. સપ્તાહ દરમિયાન આ રાજ્યમાં વાયરસના 90,291 નવા કેસ નોંધાયા છે. જે અગાઉના સપ્તાહની 1.21 લાખની સરખામણીમાં 25.6% ઘટાડો છે. 11 સપ્તાહમાં આ પ્રથમ વખત છે કે રવિવારે સમાપ્ત થતા સાત દિવસના સમયગાળામાં કેરળમાં 1 લાખથી ઓછા કેસ નોંધાયા છે.

જો કે કેરળમાં કેસમાં ઘટાડો થવાનો આ ત્રીજુ સપ્તાહ છે. જે દર્શાવે છે કે રાજ્યમાં ચેપનો ખતરનાક ખતરો નિશ્ચિતપણે ઓછો થઈ રહ્યો છે. જોકે, દેશમાં મોટાભાગના નવા કેસ માટે તે હજુ પણ જવાબદાર છે. વર્તમાન સપ્તાહમાં, રાષ્ટ્રીય કેસમાં કેરળનો હિસ્સો 58% હતો જે અગાઉના સપ્તાહમાં 61% ની નજીક હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.