વિનોદ બેકરીમાં ડેઈટ વગરનું રો-મટીરીયલ મળી આવ્યું: ઈન્ડિયા બેકરીમાં ઈંડાવાળી અને ઈંડા વગરની બ્રેડ એક સાથે બનાવવામાં આવતી હોવાનો પર્દાફાશ
ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટના તહેવારોમાં બેકરી પ્રોડકટનો ઉપયોગ વધુ માત્રામાં રહેતો હોય. મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા બે દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેકરીઓમાં ચેકિંગ શ‚ કરવામાં આવ્યું છે. આજે સતત ત્રીજા દિવસે ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું અને શહેરની નામાંકીત એવી વિનોદ બેકરી તથા ઈન્ડિયા બેકરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ૫૯૧ કિલો જેટલા વાસી અખાદ્ય માલ-સામાનનો નાશ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, શહેરના સદર બજાર વિસ્તારમાં નૈસદભાઈ કાથરાણીની માલીકીની વિનોદ બેકરીમાં આજે આરોગ્ય શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બેકરીમાં અનહાઈઝેનીક કંડીશન જોવા મળી હતી. ૨૪ બોરી ભુકો મળી આવ્યો હતો જેના પર એકસ્પાયર ડેઈટ લખવામાં આવી ન હતી. ૩૨૦ કિલો ભૂકાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એકસ્પાયર પુરા ટોસ્ટ પાવડરના ૧૩ કિલોના જથ્થાનો, ઓરેન્જ સ્વીટન મિલ્સ ૧૭ કિલો અને પાઉ તથા બ્રેડના ૧૧ કિલા સહિત ૩૬૧ કિલો માલનો નાશ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ આરોગ્ય શાખાનો કાફલો હાથિખાના વિસ્તારમાં આવેલી ઈન્ડિયા બેકરીમાં ત્રાટકયો હતો. ગુલામ અલી નામના વ્યક્તિની આ બેકરીમાં પણ અનહાઈઝેનીંક ક્ધડીશન જોવા મળી હતી. સ્થળ પર એગ લેસ અને એગ વાળી કેક કે પ્રેસ્ટી છે તે અંગે માર્ગદર્શન આપતું કોઈ બોર્ડ મુકવામાં આવ્યું ન હતું. ૮૦ કિલો બેકરી વેસ્ટ, રોસ્ટ ૩૦ કિલો પડતર સુકાયેલી બ્રેડ, ૧૨૦ કિલો કાચી બ્રેડનો લોટ સહિત આશરે ૨૩૦ કિલો જેટલો વાસી પડતર અને બિનઆરોગ્યપ્રદ ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ બેકરીમાં ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે.