Abtak Media Google News

૩૩ પે એન્ડ પાર્ક માટે કોન્ટ્રાકટર આપવા  ટેન્ડર પ્રસિઘ્ધ કરાયા ઓફર આવી માત્ર ૬ સાઈટ માટે બુધવારે સ્ટેન્ડિંગમાં લેવાશે ૨૭ દરખાસ્તો અંગે નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૧લી જાન્યુઆરી અર્થાત બુધવારના રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં અલગ-અલગ ૨૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. કોર્પોરેશનનાં પે એન્ડ પાર્ક સાઈટ માટે કોન્ટ્રાકટરો મળતા ન હોય તેવું લાગી રહ્યું છે. ૪૭ સાઈટની મુદત પૂર્ણ થતા અગાઉ ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા હતા જેમાં માત્ર ૧૪ સાઈટ માટે ઓફર આવી હતી. બીજી વખત ૩૩ સાઈટ માટે ઓફર મંગાવવામાં આવી હતી જેમાં માત્ર ૬ સાઈટ માટે જ ભાવો આવ્યા છે.

Advertisement

આગામી બુધવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરીના કોન્ટ્રાકટની મુદત વધારવા, ભાદર ડેમ સાઈટ વર્ટીકલ ટર્બાઈન પમ્પ માટે સ્પેર પાર્ટ ખરીદવા, વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈન નાખવા, વોર્ડ નં.૭માં ઢેબર રોડ વન-વેથી રેવન્યુ સોસાયટી અને કિશાનપરાથી રૈયા રોડ અને મેયર બંગલા સુધી ડીઆઈ પાઈપલાઈન નાખવા, અલગ-અલગ વિસ્તારોમાં બ્રિજ બનાવવા માટે ગ્રાન્ટ મેળવવા રાજય સરકારમાં દરખાસ્ત રજુ કરવા સહિતની કુલ ૨૭ દરખાસ્તો રજુ કરવામાં આવી છે. મહાપાલિકાનાં માલ-મિલકતનાં રક્ષણ માટે અલગ-અલગ ૧૧ સિકયોરીટી એજન્સીને કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત અંગે પણ બુધવારે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત જુદી-જુદી શાખામાં મેઈન પાવર સપ્લાય કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. અલગ-અલગ ૩૩ પે એન્ડ પાર્ક સાઈટ માટે કોન્ટ્રાકટ આપવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા જે પૈકી માધાપર ચોકડી, ગોંડલ રોડ ચોકડી, ત્રિકોણબાગ, અખા ભગત ચોક અને કેકેવી ચોકથી ઈન્દિરા સર્કલ તરફ ઉગમણી બાજુએ ફલાય ઓવરબ્રિજ નીચે એમ કુલ ૬ સાઈટ માટે ઓફર આવી છે. રૂા.૧ લાખથી લઈ રૂા.૧.૫૦ લાખની અપસેટ પ્રાઈઝ સામે રૂા.૧.૦૧ લાખથી લઈ રૂા.૧.૮૧ લાખની ઓફર આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.