Abtak Media Google News

લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલમાં આવે તે પૂર્વે વધુ એકવાર સ્ટેન્ડિંગ કમિટીની અરજન્ટ બેઠક બોલાવાઈ તેવી સંભાવના

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત ઈડબલ્યુએસ-૧, ઈડબલ્યુએસ-૨, એલઆઈજી અને એમઆઈજી લાભાર્થીઓ માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રૂ.૪૧૫.૫૨ કરોડના ખર્ચે ૩૧૨૬ આવાસ અને ૧૦૩ દુકાનો બનાવવામાં આવશે. વિકાસ કામો આચારસંહિતના કારણે અટકે નહીં તે માટે લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલમાં આવે તે પૂર્વે ચાલુ સપ્તાહે વધુ એક વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકા દ્વારા વેસ્ટ ઝોન પેકેજ-૧માં નાનામવા રોડ, વિમલનગર મેઈન રોડ, કાલાવડ રોડ, રૈયાધાર વિસ્તારમાં એલઆઈજી અને એમઆઈજી લાભાર્થીઓ માટે રૂ.૨૦૯ કરોડના ખર્ચે ૧૪૩૨ આવાસ અને ૬૧ દુકાનો, વેસ્ટ ઝોન પેકેજ-૨માં અંબિકા ટાઉનશીપ પાસે તથા સ્પીડવેલ પાર્ટી સામે ઈડબલ્યુએસ-૨ લાભાર્થીઓ માટે રૂ.૫૪.૮૪ કરોડના ખર્ચે ૫૪૨ આવાસ, વેસ્ટ ઝોન પેકેજ-૩માં મવડીથી પાળ ગામ રોડ પર સેલેનીયમ હાઈટ સામે એલઆઈજી લાભાર્થીઓ માટે ૮૮૦ આવાસ, એમઆઈજી લાભાર્થી માટે ૨૭૨ આવાસ અને ૪૨ દુકાનો રૂ.૧૫૧.૫૫ કરોડના ખર્ચે બનાવવામાં આવશે. કુલ રૂ.૪૧૫.૫૨ કરોડના ખર્ચે ૩૧૨૬ આવાસ અને ૧૦૩ દુકાન બનાવવામાં આવશે. ઈડબલ્યુએસ એકટ આવાસની કેટેગરીનો કાર્પેટ એરિયા ૩૦ ચો.મી. હશે અને આ આવાસ રૂ.૩ લાખમાં અપાશે જયારે ઈડબલ્યુએસ-૨નો કાર્પેટ એરિયા ૪૦ ચો.મી. અને વેચાણ કિંમત રૂ.૫.૫૦ લાખ, એલઆઈજી કેટેગરીના આવાસનો કાર્પેટ એરિયા ૫૦ ચો.મી અને વેચાણ કિંમત રૂ.૧૨ જયારે એમઆઈજી કેટેગરીના આવાસનો કાર્પેટ એરિયા ૬૦ ચો.મી અને વેચાણ કિંમત રૂ.૨૪ લાખ નિયત કરવામાં આવી છે.

ટેકસ બ્રાંચનો સપાટો: ૯૪ મિલકતો સીલ

ઈસ્ટ ઝોનમાં ૫૫ મિલકત, વેસ્ટ ઝોનમાં ૩૧ મિલકત અને સેન્ટ્રલ ઝોનમાં મિલકતો સીલ કરાઈ

કોર્પોરેશનની ટેકસ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રીઢા બાકીદારોની ૯૪ મિલકતો સીલ કરી દેવામાં આવી છે. ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬ અને ૧૮માં ૫૫ મિલકતો સીલ કરવામાં આવી છે જયારે વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧,૮,૯,૧૦ અને ૧૧માં ૩૧ મિલકતો સીલ કરવામાં આવી છે અને બે મિલકતમાં નળજોડાણ કપાત કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૭માં લાખાજીરાજ ટ્રસ્ટની ભાડુતના કબજાવાળી બે મિલકત ઉપરાંત ધર્મેન્દ્ર રોડ પર શશીકુંજ રાજભવન અને અન્ય બે યુનિટ સહિત કુલ ૮ મિલકતો સીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.