Abtak Media Google News

બંને વિભાગોને મર્જ કરી સિવિક સેન્ટરમાં કોર્પોરેટ કલ્ચર ટાઈપ વિશાળ એ.સી. લોન્જ ઉભો કરાશે: કેટેગરીવાઈઝ અલગ-અલગ કાઉન્ટર: એક વર્ષમાં પ્રોજેકટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા જન્મ-મરણ વિભાગ અને લગ્ન નોંધણી શાખાને મર્જ કરી દેવા માટેનો મહત્વકાંક્ષી પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યો છે. બંને વિભાગોને મર્જ કરી સિવીક સેન્ટર ખાતે કોર્પોરેટ કલ્ચર ટાઈપ વિશાળ એસી લોન્જ ઉભો કરવામાં આવશે અને કેટેગરી વાઈઝ અલગ-અલગ કાઉન્ટર પણ રાખવામાં આવશે. આ મહત્વપૂર્ણ પ્રોજેકટ એક વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ મહાપાલિકાની આરોગ્ય શાખામાં જન્મ-મરણ નોંધણી અને લગ્ન નોંધણી વિભાગ બંને અલગ-અલગ કાર્યરત છે જે આગામી દિવસોમાં મર્જ કરી દેવામાં આવશે અને કોર્પોરેટ કલ્ચર ટાઈપ રંગ‚પ આપવામાં આવશે.

હાલ લગ્ન નોંધણી વિભાગ ત્રીજા માળે કાર્યરત છે જેનું સ્થળાંતર સેન્ટ્રલ ઝોન કચેરીના સિવિક સેન્ટર ખાતે કરવામાં આવશે. અહીં બેસતા જન્મ-મરણ વિભાગમાં હાલ ત્રણ કાઉન્ટર કાર્યરત છે જેના કારણે અરજદારોને લાંબી લાઈનો પણ લાગે છે.

આગામી દિવસોમાં બંને વિભાગને એકાબીજા સાથે મર્જ કરી દેવામાં આવશે. ઓનલાઈન સિસ્ટમ કાર્યરત હોવા છતાં અમુક અરજદારોને આ સિસ્ટમ ફાવતી ન હોવાના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે. જન્મ-મરણ અને લગ્ન નોંધણી વિભાગ એકબીજા સાથે મર્જ કરી દેવાયા બાદ અલગ-અલગ કેટેગરીવાઈઝ કાઉન્ટર પણ ઉભા કરવામાં આવશે.

જેમાં પાસપોર્ટ માટે અલગ કાઉન્ટર, સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાંથી આવતા વાલીઓના બાળકનો જન્મ રાજકોટ હોસ્પિટલ ખાતે થયો હોય અને તેનું જન્મનું પ્રમાણપત્ર મેળવવું હોય તો અલગ કાઉન્ટર, સ્થાનિક અરજદારો માટે અલગ કાઉન્ટર, એન.આર.આઈ અને એન.આર.જી.ના અરજદારો માટે અલગ કાઉન્ટર ઉભા કરવામાં આવશે.

સાથે ટોકન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. કોર્પોરેટ કલ્ચરની માફક આ બંને વિભાગોને એકબીજામાં મર્જ કરવામાં આવશે. અરજદારોને થોડીવાર માટે રાહ જોવી પડે તો આ સમય દરમિયાન તેઓને કંટાળો ન ચડે તે માટે વિશાળ એસી લોન્જ બનાવવામાં આવશે.

જેમાં મ્યુઝીક સિસ્ટમ, એફ.એમ અને ટીવી પણ ગોઠવવામાં આવશે. આટલું જ નહીં જન્મ-મરણ અને લગ્ન નોંધણી વિભાગને એકબીજામાં મર્જ કરવાની સાથે-સાથે ૧૯૪૭ અથાત આઝાદી પછીથી ૨૦૧૮ સુધીના જન્મ-મરણના તમામ રેકોર્ડ કોમ્પ્યુટરરાઈઝ કરી દેવામાં આવશે. લોકો ઓનલાઈન અરજી કરી શકે અને સર્ટીફીકેટ પણ ઓનલાઈન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ પ્રોજેકટ એક વર્ષમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.