Abtak Media Google News

ટીપી શાખા પાસે વેંચાણ લાયક પ્લોટનું લીસ્ટ મંગાવાયું: રૂ.૫૦ કરોડથી લઈ ૮૦ કરોડ સુધીની જમીન વેંચાશે: નાના મવા સર્કલ પાસેનો પ્લોટ પણ વેંચાણમાં મુકાય તેવી શકયતા

હાલ મહાનગરપાલિકા પાસે પોતીકી કહી શકાય તેવી એકમાત્ર મિલકત વેરાની આવક છે. કાર્પેટ એરીયાની અમલવારી બાદ ૮૦ ટકાથી વધુ મિલકતોના વેરામાં ઘટાડો થવાના કારણે કોર્પોરેશનની આવકમાં તોતીંગ ગાબડુ પડયું છે પરિણામે સ્થીતી ઉદ્ભવી છે કે હાલ પગારના પણ ફાંફાં પડી રહ્યાં છે. બજેટમાં દર્શાવવવામાં આવેલ મોટાભાગના પ્રોજેકટ કાગળમાંથી બહાર ન નીકળી શકે તેવું લાગી રહ્યું છે. ત્યારે આવકમાં પડેલા ગાબડાને પુરવા કોર્પોરેશન કરોડોની જમીન વેંચાણ કરશે. આ માટે મ્યુનિ.કમિશનર દ્વારા ટીપી શાખા પાસે અલગ અલગ પ્લોટનું લીસ્ટ મંગાવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ચાલુ સાલના બજેટમાં જમીન વેંચાણનો લક્ષ્યાંક ૫૦ કરોડ રાખવામાં આવ્યો છે. પરંતુ જે રીતે ટેકસની આવકમાં ગાબડુ પડયું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, ટેકસનો રૂ.૨૫૦ કરોડનો ટાર્ગેટ કોઈ કાળે પૂર્ણ થાય તેવું દેખાતુ નથી. ટેકસની આવકમાંથી વિકાસ કાર્યો કરવાની વાત દૂર રહી પગાર ખર્ચ પણ નીકળતો નથી. આવકમાં ગાબડાના કારણે જાન્યુઆરી માસથી કર્મચારીઓના પગાર કેવી રીતે કરવા તેની ચિંતા પણ એકાઉન્ટ બ્રાન્ચને સતાવી રહી છે. ત્યારે આવક અને ખર્ચના ટાંગામેળ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ અલગ ટીપી સ્કીમ અંતર્ગત મળેલા પ્લોટનું વેંચાણ કરવામાં આવશે આ માટે ટીપી શાખા પાસે કમિશનરે અલગ અલગ વિસ્તારમાં કોમર્શીયલ હેતુના પ્લોટનું લીસ્ટ મંગાવ્યું છે.

કેટલા રૂપિયાની જમીન વેંચવી તેની એકાઉન્ટ શાખાએ ચર્ચા વિચારણા કર્યા બાદ કયો પ્લોટ વેંચવો તે નકકી કરવામાં આવશે.જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં જમીન વેંચાણ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ નાના મવા સર્કલ ખાતે આવેલ પ્લોટ પણ વેંચાણમાં મુકવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

દર વર્ષે બજેટમાં જમીન વેંચાણનો લક્ષ્યાંક રાખવામાં આવે છે પરંતુ આ કાયમી આવક ન હોવાના કારણે જરૂરીયાત ઉભી થાય ત્યારે કોર્પોરેશન જમીનનું વેંચાણ કરતું હોય છે પરંતુ આ વર્ષે જે રીતે ટેકસની આવકમાં ગાબડુ પડયું છે તેને પુરવા માટે ફરજીયાત જમીન વેંચવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.