Abtak Media Google News

ભગીરથ સોસાયટીમાં બહેનના ખબર અંતર પૂછવા એક્ટિવા પર જતાં આહિર દંપતીને ટ્રકે ઠોકર માર્યા બાદ પાછળના ટાયર નીચે ચગદાતા બંનેના મોતથી પરિવારમાં અરેરાટી

ગોંડલ રોડ પર આવેલા મક્કમ ચોકમાં સવારે એક્ટિવા સવાર આહિર દંપત્તીને ટ્રકના ચાલકે ઠોકર મારતા ઉછળેલા દંપત્તી ટ્રકના પાછળના તોતીંગ વ્હીલ નીચે ચગદાતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. બહેનના ખબર અંતર પૂછવા જઇ રહેલા દંપ્તીના અંતરીયાળ મોતથી આહિર પરિવારમાં અરેરાટી સાથે શોક છવાઇ ગયો છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુ‚ પ્રસાદ ચોક પાસે ન્યુ ગોપાલ પાર્કમાં રહેતા મુળુભાઇ ઉગાભાઇ ચાવડા (ઉ.વ.૫૫) તેમના પત્ની શાન્તુબેન (ઉ.વ.૫૦) સાથે માકેર્ટીંગ યાર્ડ નજીક આવેલી ભગીરથ સોસાયટીમાં શાન્તુબેનના બહેન રામકુબેન મેરામભાઇ ડાંગરે બે દિવસ પહેલાં વિરનગર ખાતે આંખની હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોવાથી તેમના ખબર અંતર પૂછવા જઇ રહ્યા હતા.

મુળુભાઇ ચાવડા તેમના પત્ની શાન્તુબેન સાથે ગોંડલ રોડ પર મક્કમ ચોક પાસે પહોચ્યા ત્યારે તેમના જી.જે.૩એચએફ. ૩૪૮૪ નંબરના એક્ટિવાને પાછળથી આવતા જી.જે.૩એટી. ૪૧૫૭ નંબરના દસ વ્હીલના ટ્રકના ચાલકે હડફેટે લેતા મુળુભાઇ ચાવડા અને તેમના પત્ની શાન્તુબેન એક્ટિવા પરથી ઉથલી ટ્રકની ડાબી સાઇડના તોતીંગ વ્હીલ નીચે કચડાતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

મક્કમ ચોકમાં જીવલેણ અકસ્માત સર્જાયાની ઘટનાની એ. ડિવિઝન પોલીસને જાણ થતા એએસઆઇ ખેર અને રાઇટર ધર્મેશભાઇ ઘટના સ્થળે પહોચી મૃતકના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડના આધારે ઓળખ મેળવી તેમના પરિવારને અકસ્માત અંગેની જાણ કરી હતી. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા.

મૃતક મુળુભાઇ ચાવડા માળીયા મિયાણા તાલુકાના સતાપર ગામના વતની હોવાનું અને તેઓ ત્રણ ભાઇ અને બે બહેન હોવાનું જાણવા મળે છે. મુળુભાઇને બે પુત્ર અને બે પુત્રી હોવાનું તેમજ તેઓ નિવૃત જીવન જીવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.