Abtak Media Google News

રાજકોટમાં છેલ્લા 10 દિવસથી વેક્સિનની અછતનાં કારણે વેક્સિનેશનની કામગીરી પર અસર પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આજે કોવિશિલ્ડના 8 હજાર ડોઝ ફાળવવામાં આવ્યા હતા. બીજી તરફ છેલ્લા ચારેક દિવસથી કો-વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવતો ન હોવાના કારણે હવે કો-વેક્સિનની અછત સર્જાઈ છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન જે સેન્ટરો પર માથાકૂટ રોજીંદી બની જવા પામી હતી તેવા 7 સેન્ટરો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. આજે પણ બપોરબાદ રસીકરણની કામગીરી અટકી પડી હતી.

આજે માત્ર 23 સેન્ટરો પરથી વેક્સિનેશનની કામગીરી: કોવેક્સિનના જથ્થાને હવે અછત

ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા રાજકોટને કોવિશિલ્ડના માત્ર 2500 ડોઝ આપવામાં આવ્યાના કારણે આજે સવારથી શહેરના 23 સેશન સાઈટ પર કોવિશિલ્ડ રસી આપવાની કામગીરી ચાલી હતી જ્યારે આંબેડકરનગર અને ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર ખાતે કો-વેક્સિન આપવામાં આવી રહી છે. તમામ સેન્ટરો પર વધુમાં વધુ 200 ડોઝ ફાળવવામાં આવ્યા હોવાના કારણે આજે બપોરબાદ વેક્સિનેશનની કામગીરી અટકી પડી હતી.

દરમિયાન છેલ્લા ચાર દિવસથી જે વેક્સિનેશન સેન્ટરો પર ઘર્ષણ કે માથાકૂટ થવાની સમસ્યા રોજીદી બની ગઈ છે તે સેન્ટરો મહાપાલિકા દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. માધાપર, અમીન માર્ગ, યુનિ,. રોડ, શિવશક્તિ સ્કૂલ, ચાણક્ય સ્કૂલ, મવડી શાળા નં.84, રેલવે હોસ્પિટલ અને દૂધની ડેરી પાસે આવેલા વેક્સિનેશન સેન્ટર પર આજે સવારથી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી. જ્યારે કો-વેક્સિનના સેન્ટરોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.આજે રાજ્ય સરકાર દ્વારા કુલ 8000 વેક્સિનના ડોઝ ફાળવવામાં આવ્યા છે. આવતીકાલે ક્યાં સ્થળે વેક્સિન આપવામાં આવશે તેની સાઈટ મહાપાલિકા દ્વારા સાંજે ડિકલેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.